Air india plane crash: અમદાવાદ પ્લેન ક્રેશમાં ટ્રાવેલ ઈન્ફ્લુએન્સર રોશની સોનઘારેનું મોત
વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોમાં કેબિન ક્રૂ સભ્ય અને ઈન્સ્ટાગ્રામ ટ્રાવેલ ઈન્ફ્લુએન્સર રોશની રાજેન્દ્ર સોનઘારેનો સમાવેશ થાય છે.

Air India Plane Crash: ગુરુવારે (12 જૂન) બપોરે અમદાવાદમાં 242 મુસાફરોને લઈ જતું એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયું. વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોમાં કેબિન ક્રૂ સભ્ય અને ઈન્સ્ટાગ્રામ ટ્રાવેલ ઈન્ફ્લુએન્સર રોશની રાજેન્દ્ર સોનઘારેનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રના ધારાસભ્ય રવિન્દ્ર ચવ્હાણે રોશની સોનઘારેના મૃત્યુની પુષ્ટિ કરી હતી.
મહારાષ્ટ્રના ધારાસભ્ય અને ભાજપના નેતા રવિન્દ્ર ચવ્હાણે એક્સ પર જણાવ્યું હતું કે, "અમદાવાદમાં થયેલા વિનાશક વિમાન દુર્ઘટનામાં ડોમ્બિવલીની રોશની સોનઘારેના દુ:ખદ મૃત્યુથી અમને ખૂબ જ દુઃખ થયું છે. એક સમર્પિત ફ્લાઇટ ક્રૂ સભ્ય તરીકે તેમનું અકાળ અવસાન એક હૃદયદ્રાવક દુર્ઘટના છે. તેમના આત્માને શાંતિ મળે."
રોશની સોનઘારે પણ એક ટ્રાવેલ ઈન્ફ્લુએન્સર હતી
સોનઘારે જેમના ઈન્સ્ટાગ્રામ પર 54 હજારથી વધુ ફોલોઅર્સ હતા, તેઓ પણ ટ્રાવેલ ઈન્ફ્લુએન્સર હતા. તેઓ એર ઈન્ડિયામાં ફ્લાઇટ એટેન્ડન્ટ તરીકે કામ કરતા હતા પરંતુ તેમણે પણ વિમાન દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવ્યો. તેમનો પરિવાર ખૂબ જ આઘાતમાં છે.
ક્રૂ મેમ્બર અપર્ણા મહાડિકનું પણ અવસાન થયું
અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાનમાં સવાર વરિષ્ઠ ક્રૂ મેમ્બર અપર્ણા મહાડિકનું પણ અવસાન થયું છે. અપર્ણા મહારાષ્ટ્ર NCPના વડા સુનીલ તટકરેના સંબંધી હતા. સુનીલ તટકરેએ પોતે કહ્યું હતું કે અપર્ણા તેમની નાની બહેનની વહુ છે અને તેમનો પરિવાર ગોરેગાંવમાં રહે છે.
દુર્ઘટનાની વર્તમાન સ્થિતિ:
આ દુર્ભાગ્યપૂર્ણ વિમાનમાં કુલ 242 લોકો સવાર હતા, જેમાંથી ફક્ત એક જ વ્યક્તિ જીવિત હોવાના અહેવાલ છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે, પરંતુ મોટાભાગના લોકોના મોત થયા હોવાની આશંકા છે. આ અકસ્માત પછી, વિશ્વભરના નેતાઓએ તેના પર શોક વ્યક્ત કર્યો છે.
ગૃહમંત્રી અમિત શાહે પણ મુલાકાત લીધી
આજે બપોરે અકસ્માત પછી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ઘાયલોને મળ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, "વડાપ્રધાન, કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર વતી, હું આ ઘટનામાં જીવ ગુમાવનારાઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું." તેમણે એમ પણ કહ્યું કે ઘટનાના માત્ર ૧૦ મિનિટમાં જ તેમણે મુખ્યમંત્રી, રાજ્ય ગૃહમંત્રી અને અન્ય અધિકારીઓ સાથે વાત કરી હતી. કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે મળીને બચાવ કામગીરીમાં લાગી ગયા છે.




















