Rupee Weakens: ડોલર સામે રુપિયાનું ધોવાણ થતાં રુપિયો 77ની સૌથી નીચલી સપાટી પર, જાણો શું અસર થશે
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધની નકારાત્મક અસર ભારતને વેઠવી પડી રહી છે. ડોલર સામે રૂપિયો સતત ઘટતો જાય છે. સોમવારે ડોલર સામે રૂપિયો તેના સૌથી નીચા સ્તર 77 રૂપિયા પર આવી ગયો છે.
Rupee Weakens Against Dollar: રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધની નકારાત્મક અસર ભારતને વેઠવી પડી રહી છે. ડોલર સામે રૂપિયો સતત ઘટતો જાય છે. સોમવારે ડોલર સામે રૂપિયો તેના સૌથી નીચા સ્તર 77 રૂપિયા પર આવી ગયો છે. અમેરિકા અને તેના યુરોપિયન સહયોગી દેશોએ રશિયન તેલ પર પ્રતિબંધો લાદવાના અહેવાલો ક્રૂડ તેલમાં તાજેતરના ઉછાળા પછી રૂપિયો સોમવારે લગભગ $77 પ્રતિ ડોલરની નીચી સપાટીએ પહોંચી ગયો હતો. આ સતત ચોથું સત્ર હતું જ્યારે ભારતનું ચલણ રુપિયો નબળો પડ્યો છે. સ્થાનિક ચલણ બજારમાં રૂપિયો પ્રતિ ડૉલર 76.96 પર ટ્રેડ થઈ રહ્યો છે.
રુપિયાનું ધોવાણ થતાં શું અસર થશેઃ
1. ઈંધણ (બળતણ)ના વપરાશમાં ભારત વિશ્વનો બીજો સૌથી મોટો દેશ છે. ભારતમાં ઈંધણની કુલ ખપતના 80 ટકા ઈંધણની આયાત કરવામાં છે. સરકારી ઓઈલ કંપનીઓ ડોલરમાં પેમેન્ટ કરીને ક્રૂડ ઓઈલ ખરીદે છે. જો ડોલર મોંઘો થશે અને રૂપિયો સસ્તો થશે તો તેમને ડોલર ખરીદવા માટે વધુ રૂપિયા ચૂકવવા પડશે. તેનાથી આયાત મોંઘી થશે અને સામાન્ય ગ્રાહકોને પેટ્રોલ અને ડીઝલ માટે વધુ પૈસા ચૂકવવા પડશે.
2. ભારતમાંથી લાખો બાળકો વિદેશમાં અભ્યાસ કરી રહ્યા છે જેમના માતા-પિતા તેમની ભણવાની ફી અને રહેવાનો ખર્ચ ચૂકવે છે. આ વિદ્યાર્થીઓનો અભ્યાસ મોંઘો થશે. કારણ કે, વાલીઓએ વધુ પૈસા આપીને ડોલર ખરીદવા પડશે. જેના કારણે તેમને મોંઘવારીનો આંચકો લાંગશે.
3. ખાદ્યતેલ પહેલેથી જ મોંઘું છે, જે આયાત દ્વારા પૂરુ પડાઈ રહ્યું છે. જો ડોલર મોંઘો થશે તો ખાદ્યતેલની આયાત કરવી વધુ મોંઘી થશે.
4. વિદેશમાં ફરવા જવું પણ મોંઘું થશે. જે લોકો વિદેશ જવા માગે છે તેમણે ડોલર ખરીદવા માટે વધુ રુપિયા ખર્ચવા પડશે, જેથી તેમની ઉપર પણ મોંઘવારીની અસર થશે.
કેમ RBIએ ડોલર વેચ્યોઃ
વૈશ્વિક તણાવ અને ક્રૂડ ઓઈલના ભાવમાં ભારે ઉછાળાને કારણે રુપિયા ઉપર ઘણું દબાણ છે. રૂપિયાને નબળો પડતો બચાવવા માટે આરબીઆઈએ ડોલરને વેચવાનું કામ કર્યું છે. રૂપિયાને ગગડવાથી બચાવવા માટે RBIએ ગયા અઠવાડિયે ફોરેન એક્સચેન્જ ફંડમાંથી 2 બિલિયન ડોલર વેચ્યા હતા. જેથી આયાત કરતી કંપનીઓને મોંઘા ડોલર ખરીદવા ન પડે. પરંતુ ક્રૂડ ઓઈલની કિંમત 14 વર્ષની ટોચે 140 ડોલર પ્રતિ બેરલની નજીક પહોંચી ગઈ છે. મોંઘા ક્રૂડ ઓઈલના કારણે દેશમાં મોંઘવારી વધવાની સંભાવના છે. જ્યારે આરબીઆઈ ડોલર વેચે છે ત્યારે તે રૂપિયા ખરીદે છે જેથી બજારમાં ઉપલબ્ધ વધુ રોકડ ઓછી થઈ શકે. આનાથી વધતી કિંમતોને નિયંત્રિત કરી શકાય છે.