(Source: ECI/ABP News/ABP Majha)
Russia Ukraine Crisis: યૂક્રેનમાં ફસાયેલા ભારતીયો માટે નવી એડવાઈઝરી કરાઈ જાહેર, જાણો વિગતો
યુક્રેનમાં ભારતીય દૂતાવાસ દ્વારા આ અંગે એક એડવાઈઝરી જારી કરવામાં આવી છે. જેમાં લોકોને 10 વાગ્યા પછી કોઈપણ રીતે યુક્રેન છોડવાની સલાહ આપવામાં આવી છે.
રશિયાના હુમલા વચ્ચે યુક્રેનમાં લોકોને બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે. થોડા દિવસો પહેલા, રશિયા તરફથી કહેવામાં આવ્યું હતું કે સામાન્ય નાગરિકોના સ્થળાંતર માટે, કેટલાક કોરિડોર પર યુદ્ધવિરામ કરવામાં આવશે. જે બાદ અલગ-અલગ સમયે યુક્રેનના શહેરોમાંથી લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. યુક્રેનમાં ભારતીય દૂતાવાસ દ્વારા આ અંગે એક એડવાઈઝરી જારી કરવામાં આવી છે. જેમાં લોકોને 10 વાગ્યા પછી કોઈપણ રીતે યુક્રેન છોડવાની સલાહ આપવામાં આવી છે.
લોકોને સરહદ સુધી પહોંચવાની સલાહ
યુક્રેનની રાજધાની કિવમાં ભારતીય દૂતાવાસ દ્વારા જારી કરવામાં આવેલી આ નવી એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે 8 માર્ચે સવારે 10 વાગ્યાથી લોકોને બહાર કાઢવા માટે બનાવવામાં આવેલા કોરિડોર દ્વારા ઈવેક્યુએશન પ્રોગ્રામ શરૂ થશે. જેનો તમામ ભારતીયોએ લાભ લેવો જોઈએ. આ એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, યુક્રેનમાં સુરક્ષાની સ્થિતિ સતત કથળી રહી છે, જેને જોતા યુક્રેનમાં ફસાયેલા તમામ ભારતીયોએ આ કોરિડોર દ્વારા સરહદી વિસ્તારોમાં પહોંચવું જોઈએ.
યુક્રેનના વિવિધ વિસ્તારોમાં ફસાયેલા ભારતીયોને 8 માર્ચે ટ્રેન, બસ અથવા અન્ય કોઈપણ પરિવહન દ્વારા યુક્રેન છોડવાનો પ્રયાસ કરવા કહેવામાં આવ્યું છે. સાથે જ એવું પણ કહેવામાં આવ્યું છે કે જે સ્થિતિ છે તે જોતા સ્પષ્ટ કહી શકાય નહીં કે આગામી સમયમાં લોકોને બહાર કાઢવા માટે આવો કોરિડોર ક્યારે બનાવવામાં આવશે.
યુક્રેનના શહેર સુમીમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને લઈને રાહતના સમાચાર
યુક્રેનના શહેર સુમીમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને લઈને રાહતના સમાચાર આવી રહ્યા છે. સુમીમાં ફસાયેલા 694 વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ મંગળવારે કહ્યું કે, યુદ્ધગ્રસ્ત શહેરમાં ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવી રહ્યા છે અને વિદ્યાર્થીઓને બસોમાં 175 કિમી દુર આવેલા પોલ્ટાવા સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે.
રશિયા અને યુક્રેનને અપીલ કરવા છતાં સુમીમાં ફસાયેલા વિદ્યાર્થીઓ માટે સુરક્ષિત કોરિડોર તૈયાર કરવામાં નહોતો આવ્યો જે અંગે ભારતીયોએ ખેદ વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ હવે યુક્રેનમાં કોરિડોર તૈયાર કર્યા પછી ભારતીય વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે કાઢવામાં આવી રહ્યા છે. હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે, "ગઈ રાત્રે, મેં કંટ્રોલ રૂમમાં તપાસ કરી હતી ત્યારે સુમીમાં 694 ભારતીય વિદ્યાર્થીઓ બાકી હતા. આજે, તેઓ બધા પોલ્ટાવા જવા માટે બસોમાં રવાના થયા છે."