Russia Ukraine War: યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાના ઓપરેશનને અપાયુ 'ગંગા' નામ
ભારત સરકારે યુક્રેનમાંથી ભારતીયોને બહાર કાઢવાના મિશનને ઓપરેશન ગંગા નામ આપ્યું છે. વિદેશ મંત્રી એસ જયશંકરે શનિવારે આ જાણકારી આપી.
ભારત સરકારે યુક્રેનમાંથી ભારતીયોને બહાર કાઢવાના મિશનને ઓપરેશન ગંગા નામ આપ્યું છે. વિદેશ મંત્રી એસ જયશંકરે શનિવારે આ જાણકારી આપી. વાસ્તવમાં, એર ઈન્ડિયાનું એક વિમાન યુદ્ધ પ્રભાવિત યુક્રેનથી 219 ભારતીયોને રોમાનિયા થઈને શનિવારે સાંજે મુંબઈ પહોંચ્યું હતું.
રશિયા-યુક્રેન યુદ્ધનો આજે ત્રીજો દિવસ છે. અત્યાર સુધીમાં એક લાખ લોકો યુક્રેન છોડીને પોલેન્ડમાં શરણાર્થી તરીકે પહોંચી ગયા છે. યુક્રેનથી 219 મુસાફરોને લઈને પ્રથમ ફ્લાઈટ મહારાષ્ટ્રના મુંબઈમાં લેન્ડ થઈ છે. વિમાને આજે બપોરે રોમાનિયાની રાજધાની બુકારેસ્ટથી ઉડાન ભરી હતી. યુક્રેનથી ભારત આવનારા મુસાફરો માટે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક સ્પેશિયલ કોરિડર બનાવવામાં આવ્યો.
કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું, પ્રથમ ફ્લાઈટ લેન્ડ થઈ ગઈ છે. આવતીકાલે સવારે દિલ્હી માટે બીજી ફ્લાઇટ આવશે. અમે અમારા બાળકોને યુક્રેનની સરહદો સુધી પહોંચાડવા માટે કામ કરી રહ્યા છીએ. ભારતીય દૂતાવાસના અધિકારીઓ તેમને સરહદોથી પડોશી દેશોના એરપોર્ટ પર લઈ જઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, રશિયન હુમલાને કારણે યુક્રેનની એરસ્પેસ બંધ કરી દેવામાં આવી છે. જે બાદ ફસાયેલા ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે વૈકલ્પિક માર્ગ પસંદ કરવામાં આવ્યો છે. ભારતીય નાગરિકો યુક્રેનથી બસમાં બેસીને રોમાનિયા પહોંચી રહ્યા છે. રોમાનિયાના શહેર બુકારેસ્ટથી તમામ લોકો એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બેસીને ભારત પહોંચ્યા છે.
શનિવારે, જ્યારે 219 વિદ્યાર્થીઓને લઈને એર ઈન્ડિયાનું વિમાન મુંબઈ ઉતર્યું ત્યારે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે તેમનું સ્વાગત કર્યું. આ સિવાય વિદેશ મંત્રી એસ જયશંકરે પણ ટ્વિટ કરીને ભારતીય નાગરિકોનું સ્વાગત કર્યું હતું. તેણે લખ્યું, "સ્વાગત છે. હેશટેગ ઓપરેશન ગંગાનું પ્રથમ પગલું."
યુક્રેનના રાષ્ટ્રપતિએ પીએમ મોદી સાથે કરી વાત
રશિયા-યુક્રેનના યુદ્ધનો આજે ત્રીજો દિવસ છે. યુક્રેનમાં દમ તોડતા અને દેશ છોડીના ભાગતાં લોકોની તસવીરો સામે આવી રહી છે. અત્યાર સુધીમાં એક લાખ લોકો યુક્રેન છોડીને પોલેન્ડમાં શરણાર્થી તરીકે પહોંચી ગયા છે. આજે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાત કરી છે.
વોલોડીમીર ઝેલેન્સકીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને શું કરી વિનંતી
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી હોવાનો દાવો કર્યો છે. તેણે ટ્વીટ કરીને માહિતી આપી છે કે તેણે પીએમ મોદી સાથે વાત કરી છે. યુક્રેન દ્વારા રશિયન સેનાને ભગાડવા ભારતને યુએનએસસીમાં રાજકીય સમર્થન આપવા તેમણએ વિનંતી કરી હતી.