S Jaishankar : એસ જયશંકરએ રાહુલ ગાંધીને ફેંક્યો ખુલ્લો પડકાર, LAC પર લશ્કરને લઈ કહ્યું કે...
વિદેશ મંત્રી એસ જયશંકરે રાહુલ ગાંધીને સણસણતો જવાબ આપતા કહ્યું હતું કે, તેઓ (રાહુલ ગાંધી) એવી વાતો ફેલાવી રહ્યા છે કે ભારત સરકાર ડરી ગઈ છે.
S Jaishankar On Rahul Gandhi: વિદેશ મંત્રી એસ જયશંકરે રાહુલ ગાંધીના ચીન પરના નિવેદન પર વળતો પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, તેઓ ભારત-ચીન તણાવ અંગે ખોટી માન્યતાઓ ફેલાવી રહ્યા છે. આ સાથે જ જયશંકરે લાઈન ઓફ એક્ચુઅલ કંટ્રોલ (LAC) પર સૈન્ય મોકલવાના વિવાદને લઈને પણ ખુલાસો કર્યો હતો.
વિદેશ મંત્રી એસ જયશંકરે રાહુલ ગાંધીને સણસણતો જવાબ આપતા કહ્યું હતું કે, તેઓ (રાહુલ ગાંધી) એવી વાતો ફેલાવી રહ્યા છે કે ભારત સરકાર ડરી ગઈ છે. જો આવુ હોય તો પછી LAC પર ભારતીય સેનાને કોણે મોકલી? રાહુલ ગાંધીએ તો નથી મોકલી? ભારતીય સૈન્યને LAC પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોકલી છે. હવે તેમને જ પૂછવું જોઈએ કે કોણ સાચું બોલી રહ્યું છે તેમ જયશંકરે કહ્યું હતું.
જયશંકરે ઈશારામાં કોંગ્રેસને ટોણો મારતા કહ્યું હતું કે, તેમને 'C' થી શરૂ થતા શબ્દો સમજવામાં થોડી મુશ્કેલી થઈ રહી હશે. તે સાચું નથી. મને લાગે છે કે તેઓ જાણી જોઈને પરિસ્થિતિને ખોટી રીતે રજૂ કરી રહ્યા છે. આ સરકાર બોર્ડર ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ગંભીર છે. વાસ્તવમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ચીનને લઈને મોદી સરકાર પર સતત સવાલો ઉઠાવી રહ્યા છે. રાહુલનું કહેવું છે કે, સરકાર ચીનનું નામ લેતા ડરે છે. રાહુલ ગાંધીના આ સવાલોનો આજે એક એક કરીને એસ જયશંકરે જવાબ આપ્યો હતો.
'રાહુલ ગાંધી પાસેથી શીખવા માટે હું તૈયાર'
જયશંકરે કહ્યું હતું કે, હું સૌથી લાંબો સમય ચીનનો રાજદૂત રહ્યો છું અને સરહદી મુદ્દાઓ પર કામ કરતો હતો. હું એમ નહીં કહું કે મારી પાસે સૌથી વધુ જ્ઞાન છે, પરંતુ હું એટલું કહીશ કે હું આ (ચીન) વિષય પર ઘણું જાણું છું. જો તેમને (રાહુલ ગાંધી)ને ચીન વિશે જાણકારી છે તો હું પણ તેમની પાસેથી શીખવા તૈયાર છું. એ સમજવું કેમ મુશ્કેલ છે કે, જે વિચારધારા અને રાજકીય પક્ષો ભારતની બહાર છે, સમાન વિચારધારા અને પક્ષો ભારતની અંદર પણ છે અને બંને સાથે મળીને કામ કરી રહ્યા છે.
રાહુલ ગાંધીએ શું કહ્યું?
રાહુલ ગાંધીએ તાજેતરમાં જ અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં ભારતીય સેના અને ચીની સેના વચ્ચે થયેલી અથડામણ અંગે કહ્યું હતું કે, ચીન યુદ્ધની તૈયારી કરી રહ્યું છે. મોદી સરકાર આ બાબતે ગંભીર નથી. આ કારણોસર સરકાર અમારા પ્રશ્નોના જવાબ પણ નથી આપી રહી. તેમણે દાવો કર્યો હતો કે, કેન્દ્ર સરકાર ચર્ચા કરવાથી ભાગી રહી છે.