'તારે કેટલા રૂપિયા જોઇએ છે, એક કરોડ...', સૈફ અલી ખાન પર હુમલાની FIRમાં મોટા ખુલાસાઓ
Saif Ali Khan Knife Attack: મુંબઈ પોલીસે અભિનેતા સૈફ અલી ખાન પર થયેલા હુમલાના કેસમાં FIR નોંધી છે

Saif Ali Khan Knife Attack: મુંબઈ પોલીસે અભિનેતા સૈફ અલી ખાન પર થયેલા હુમલાના કેસમાં FIR નોંધી છે. હવે આ FIRની નકલ બહાર આવી છે. આ મુજબ, આરોપીઓએ હુમલા દરમિયાન 1 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી.
સૈફ અલી ખાનના સ્ટાફે હુમલા અંગે ફરિયાદ નોંધાવી હતી. આ મુજબ, સૈફ અલી ખાન પર હુમલો કરનાર વ્યક્તિએ 1 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. જ્યારે આરોપીને સૈફ અલી ખાનના ઘરે પૂછવામાં આવ્યું કે તેને શું જોઈએ છે, ત્યારે તેણે કહ્યું કે તેને રૂપિયા જોઈએ છે. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તેને કેટલા રૂપિયા જોઈએ છે, ત્યારે તેણે કહ્યું હતું કે ‘એક કરોડ રૂપિયા.’ એફઆઈઆર મુજબ, આરોપીએ મેડ સાથે ઝપાઝપી કરી હતી. આમાં તેના બંને હાથ પર ઈજાઓ થઈ હતી.
એફઆઇઆરના મહત્વના મુદ્દાઓ
ફરિયાદમાં સૈફ અલી ખાનના સ્ટાફ એલિયામા ફિલિપે કહ્યું હતું કે, "હું છેલ્લા 04 વર્ષથી અભિનેતા સૈફ અલી ખાનના ઘરે સ્ટાફ નર્સ તરીકે કામ કરી રહી છું. સૈફ અલી ખાનનો પરિવાર 11મા માળે અને 12મા માળે રહે છે. 11મા માળે ૦૩ રૂમ છે અને તેમાંથી એકમાં સૈફ સર અને કરીના મેડમ રહે છે. તૈમૂર બીજા રૂમમાં રહે છે. આ ઉપરાંત, ગીતા તૈમૂરના રૂમમાં એક નર્સ છે જે તૈમૂરની સંભાળ રાખે છે. હું જહાંગીરનું ધ્યાન રાખું છું.
હું રાત્રે લગભગ બે વાગ્યે અવાજ સાંભળ્યા બાદ જાગી હતી. ત્યારે મે જોયું કે રૂમમાં બાથરૂમનો દરવાજો ખુલ્લો છે અને બાથરૂમની લાઇટ ચાલુ છે. બાદમાં હું એ વિચારીને ફરીથી સૂઇ ગઇ કે કરીના મેડમ કદાચ જેહ બાબાને મળવા આવ્યા હશે. પણ પછી મને ખ્યાલ આવ્યો કે કાંઈક ગરબડ છે. તેથી હું ઊભી થઇ અને મે પડછાયો જોયો હતો.
આ પછી તે (હુમલો કરનાર વ્યક્તિ) બાથરૂમમાંથી બહાર આવ્યો અને મારી તરફ આવ્યો અને મને ચૂપ રહેવા કહ્યું. તેણે ધમકી આપી કે કોઈ અવાજ નહીં, કોઈ બહાર નહીં જાય. હું ફરીથી જેહને લેવા ગઇ તો મારી તરફ દોડ્યો. તેના હાથમાં હેક્સા બ્લેડ હતી. તેના ડાબા હાથમાં લાકડા જેવું કંઈક હતું.
ઝપાઝપી દરમિયાન તેણે હેક્સા બ્લેડથી મારા પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે મેં મારો હાથ આગળ કરીને હુમલાથી બચવાનો પ્રયાસ કર્યો, ત્યારે મારા બંને હાથમાં કાંડા પાસે અને ડાબા હાથની વચ્ચે બ્લેડના ઘા વાગ્યા હતા. તે સમયે મે તેને પૂછ્યું કે "તારે શું જોઈએ છે" તેણે કહ્યું હતું કે "પૈસા" મેં પૂછ્યું "કેટલા." પછી તેણે અંગ્રેજીમાં કહ્યું, "એક કરોડ."
આ સમય દરમિયાન હોબાળો થઇ ગયો હતો. અવાજ સાંભળીને સૈફ સર અને કરીના મેડમ દોડીને રૂમમાં આવ્યા હતા. આ પછી તેણે સૈફ અલી ખાન પર પણ હુમલો કર્યો હતો.
પછી સૈફ સર તેનાથી મને છોડાવવામાં સફળ રહ્યા અને અમે બધા રૂમની બહાર દોડી ગયા અને દરવાજો બંધ કરી દીધો. પછી અમે બધા ઉપરના માળના રૂમમાં પહોંચ્યા. ત્યાં સુધીમાં અમારો અવાજ સ્ટાફ રૂમમાં સૂઇ રહેલા રમેશ, હરિ, રામુ અને પાસવાને સાંભળ્યો. અમે તેને લઇને રૂમમાં પાછા ગયા ત્યારે રૂમનો દરવાજો ખુલ્લો હતો. ત્યાં સુધીમાં તે ભાગી ગયો હતો.
સૈફ સરને ગળાના પાછળના ભાગમાં, જમણા ખભા પાસે, પીઠની ડાબી બાજુ અને કાંડા અને કોણીની નજીક ઈજાઓ થઈ હતી અને તેમાંથી લોહી નીકળતું હતું."
આરોપીની તસવીર સામે આવી
આ દરમિયાન સીસીટીવીમાં કેદ થયેલા આરોપીઓની તસવીરો સામે આવી છે. આ તસવીર છઠ્ઠા માળની છે, જ્યારે તે હુમલા પછી 12મા માળેથી ભાગી રહ્યો હતો. સૈફ અલી ખાન 12મા માળે રહે છે, જ્યાં રાત્રે લગભગ અઢી વાગ્યે તેમના પર હુમલો થયો હતો. તે હાલમાં મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ છે. તેમની હાલત સ્થિર છે. ડૉક્ટરે કહ્યું કે તેમના પર છ વાર છરીથી હુમલો કરવામાં આવ્યો હતો. તેમને કરોડરજ્જુમાં ગંભીર ઈજા થઈ છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
