Sanatan Dharma Remark: તમિલનાડુના મંત્રી ઉદયનિધિ સ્ટાલિને ફરી આવ્યું વિવાદાસ્પદ નિવેદન, કહ્યુ- 'સનાતન ધર્મનો નાશ કરવો જ પડશે'
અગાઉ રાજ્યપાલે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે રાજ્યમાં જાતિ આધારિત ભેદભાવ ઘણો છે
Sanatan Dharma Remark Row: તમિલનાડુના યુવા બાબતો અને રમતગમત પ્રધાન ઉદયનિધિ સ્ટાલિને સોમવારે (18 સપ્ટેમ્બર 2023) સનાતન ધર્મ વિશે ફરીથી વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. સ્ટાલિન તમિલનાડુના રાજ્યપાલ આરએન રવિના નિવેદનનો વળતો જવાબ આપ્યો હતો. અગાઉ રાજ્યપાલે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે રાજ્યમાં જાતિ આધારિત ભેદભાવ ઘણો છે. સનાતનનો નાશ કરવાની જરૂર નથી, કારણ કે અહીં જન્મના આધારે બધા સમાન છે.
જેના જવાબમાં સ્ટાલિને કહ્યું હતું કે 'જાતિના ભેદભાવના કારણે તેઓ સનાતન ધર્મને ખતમ કરવાની વાત કરે છે. સનાતન ધર્મ નાબૂદ કરવો પડશે. અમે જાતિના આધારે ભેદભાવને સમાપ્ત કરવાની પણ વાત કરીએ છીએ. રાજ્યપાલ પણ એવું જ કહી રહ્યા છે. અમારું માનવું છે કે જન્મ આધારિત જાતિ નાબૂદ થવી જોઈએ. જ્યાં પણ જાતિના આધારે ભેદભાવ થાય છે હું તે ભેદભાવને સમાપ્ત કરવા માંગુ છું.
તમિલનાડુના રાજ્યપાલે શું કહ્યું હતુ?
તમિલનાડુના રાજ્યપાલે રવિવારે (17 સપ્ટેમ્બર) કહ્યું હતું કે સમાજમાં સામાજિક ભેદભાવ છે, જે અસ્વીકાર્ય છે. તેમણે કહ્યું હતું કે 'અહીં અસ્પૃશ્યતા અને સામાજિક ભેદભાવ છે. અનેક સમાજના લોકો સાથે સમાન વ્યવહાર કરવામાં આવતો નથી. તે પીડાદાયક છે. હિન્દુ ધર્મ આવું કહેતો નથી. હિન્દુ ધર્મ સમાનતાની વાત કરે છે.
તેમણે કહ્યું હતું કે 'હું દરરોજ અખબારમાં વાંચું છું, મને અહેવાલો મળે છે, હું સાંભળું છું કે અનુસૂચિત જાતિના અમારા ભાઈઓ અને બહેનોને મંદિરોમાં પ્રવેશવાની મંજૂરી નથી. તે ખૂબ જ વિચિત્ર છે. ભારતમાં ક્યાંય પણ જાતિના અવરોધો ન હોવા જોઈએ. રાજ્યપાલની ટિપ્પણીનો જવાબ આપતા ડીએમકેના પ્રવક્તા સરવનન અન્નાદુરાઇએ કહ્યું હતું કે રાજ્યપાલને અમારું દ્રવિડિયન મોડલ પસંદ આવી રહ્યું નથી. એટલા માટે તે ખોટો પ્રચાર કરી રહ્યા છે.
રાજ્યપાલ સનાતન ધર્મના પ્રચારક છે
ડીએમકેના પ્રવક્તા અન્નાદુરાઈએ કહ્યું હતું કે 'રાજ્યપાલ એ હકીકતને પચાવી શકતા નથી કે દ્રવિડિયન મોડલ શાસનનું સફળ મોડલ છે. તે દ્રવિડ વિચારધારા વિરોધી છે. તેઓ સનાતન વિચારધારાના પ્રચારક છે, તેઓ જ્યાં પણ જાય છે ત્યાં સનાતન ધર્મના ગુણોની વાત કરે છે, પરંતુ સનાતન ધર્મ જાતિ વ્યવસ્થા માટે જવાબદાર છે.