PM મોદીના હેલિકોપ્ટર પાસે કાળા ફુગ્ગા ઉડાવવા મામલે SPGએ પોલીસને પુછ્યું, "ફુગ્ગાની સાથે જો..."
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સોમવારે જ્યારે વિજયવાડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ભીમાવરમ માટે રવાના થયા ત્યારે તેમના હવાઈ માર્ગે કાળા ફુગ્ગા ઉડાવવામાં આવ્યા હતા.
Security Lapse In PM's Route: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સોમવારે જ્યારે વિજયવાડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (Vijayawada International Airport) પરથી ભીમાવરમ માટે રવાના થયા ત્યારે તેમના હવાઈ માર્ગે કાળા ફુગ્ગા ઉડાવવામાં આવ્યા હતા. આ ઘટનાને સ્પેશયલ પ્રોટેક્શન ગ્રુપ (SPG) મોટી સુરક્ષા ચુકના રુપે જોઈ રહ્યું છે. જો કે, રાજ્યની પોલીસ આ ઘટનાને સુરક્ષામાં ચૂક થઈ હોવાનું નથી માની રહી.
આ મામલે કોંગ્રેસના એક કાર્યકર્તાની અટકાયત પણ કરવામાં આવી છે જ્યારે પાર્ટીના અન્ય ત્રણ કાર્યકરો કાળા ફુગ્ગા સાથે એરપોર્ટમાં ઘુસતાં ઝડપાયા હતા અને તેમની ધરપકડ કરાઈ છે.
PMની સુરક્ષામાં કઈ રીતે ચૂક થઈ?
PM મોદી સ્વતંત્રતા સેનાની અલ્લુરી સીતારામ રાજુની પ્રતિમાનું અનાવરણ કરવા આંધ્રપ્રદેશ આવ્યા હતા. આ દરમિયાન કોંગ્રેસના કેટલાક કાર્યકરો ગણવરમ ખાતે એરપોર્ટથી દૂર એક ગામમાં એક નિર્માણાધીન ઈમારત પર ચઢ્યા હતા અને ત્યાંથી હાઈડ્રોજનથી ભરેલા કાળા ફુગ્ગા છોડ્યા હતા. કોંગ્રેસે એક વીડિયો શેર કર્યો જેમાં ગણવરમનું Mi-17S હેલિકોપ્ટર ગામની ઉપરથી પસાર થાય ત્યારે કાળા ફુગ્ગા હવામાં ઉડતા જોવા મળે છે. જ્યારે બે હેલિકોપ્ટર ત્યાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે ફુગ્ગા આકાશમાં ખૂબ જ ઊંચાઈ પર પહોંચી ગયા હતા. જો કે, તેઓ હેલિકોપ્ટરની નજીક આવ્યા હતા કે કેમ તે સ્પષ્ટ થયું નથી.
SPGએ માંગ્યો ખુલાસોઃ
પ્રધાનમંત્રી મોદીની મુલાકાત કોઈ અણબનાવ વગર પૂર્ણ થઈ હતી, ત્યારબાદ પ્રધાનમંત્રીની સુરક્ષાની જવાબદારી સંભાળતી SPGએ રાહતનો શ્વાસ લીધો હતો. એસપીજીએ કાળા ફુગ્ગા છોડવાની ઘટનાને ગંભીરતાથી લીધી છે અને આ મામલે રાજ્ય સરકાર પાસે ખુલાસો માંગ્યો છે. એસપીજીએ રાજ્યની પોલીસને પૂછ્યું છે કે, "જો ફુગ્ગાઓ સાથે ડ્રોન પણ હોત તો શું થાત?"
ક્રિષ્ના જિલ્લા પોલીસ અધિક્ષક પી. જોશુઆએ જણાવ્યું હતું કે, એરપોર્ટ પર સુરક્ષામાં કોઈ ખામી નથી. તેમણે કહ્યું કે, કોંગ્રેસના બે કાર્યકરોએ એરપોર્ટથી સાડા ચાર કિલોમીટર દૂર સુરામપલ્લી ગામમાં એક નિર્માણાધીન ઈમારતમાંથી ફુગ્ગા છોડ્યા હતા. તેમણે ફુગ્ગા છોડ્યા ત્યાં સુધીમાં વડાપ્રધાન મોદીનું હેલિકોપ્ટર એરપોર્ટ પરથી ટેકઓફ કરી ચૂક્યું હતું.