Seema Haiderને મળી બૉલીવુડ ઓફર, આ ચકચારી હત્યાકાંડ પરની ફિલ્મમાં બનશે RAW એજન્ટ
જુલાઈમાં એટીએસ દ્વારા બંનેની પૂછપરછ વિશે માહિતી આપતાં, ઉત્તરપ્રદેશ પોલીસે કહ્યું હતું કે દંપતી પહેલીવાર 2020 માં ઑનલાઇન ગેમ PubG દ્વારા એકબીજાના સંપર્કમાં આવ્યા હતા.
Seema Haider: સીમા હૈદર અને સચિન મીનાની લવ સ્ટૉરી ભારતમાં જ નહીં પાકિસ્તાનમાં પણ ટૉક ઓફ ધ ટાઉન બની છે, ભારતમાં આ બન્નેની સ્ટૉરી અંગે લોકો જુદીજુદી વાતો કહી રહ્યાં છે. જોકે, હવે આ પાકિસ્તાની નાગરિક સીમા હૈદર અંગે મોટુ અપડેટ સામે આવ્યુ છે. સીમા હૈદરને બૉલીવુડની સીધી ઓફર મળી છે. સીમા હૈદર (30 વર્ષ), એક પાકિસ્તાની નાગરિક જે મે મહિનામાં વિઝા વિના ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશી હતી અને નોઈડામાં પોતાના પાર્ટનર સચિન મીના (22 વર્ષ) સાથે રહે છે, તે ટૂંક સમયમાં દેશની ગુપ્તચર એજન્સી રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW) પર એક ફિલ્મમાં દેખાશે. એજન્ટની ભૂમિકામાં જોવા મળી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મ 'એ ટેલર મર્ડર સ્ટૉરી' માટે જાની ફાયરફૉક્સ (Jani Firefox) પ્રૉડક્શન હાઉસની ટીમ પણ સીમા હૈદરને મળવા પહોંચી છે.
અહેવાલ છે કે ફિલ્મ નિર્દેશક જયંત સિન્હા અને ભરતસિંહે પણ સીમા હૈદરનું ઓડિશન લીધું છે. જોકે, સીમા હૈદરે હજુ સુધી ફિલ્મમાં અભિનય કરવા માટે તેની સંમતિ આપી નથી અને કહ્યું છે કે તે ઉત્તરપ્રદેશની આતંકવાદ વિરોધી ટુકડી (એટીએસ) તરફથી ક્લીનચીટ મળ્યા પછી જ ફિલ્મની ઓફર સ્વીકારશે. ફિલ્મ 'એ ટેલર મર્ડર સ્ટૉરી' રાજસ્થાનના ઉદયપુરમાં દરજી કન્હૈયાલાલ સાહુની હત્યા પર આધારિત છે. આ ચકચારી હત્યાકાંડે આખા દેશમાં રોષ ફેલાવ્યો હતો.
અગાઉ ફિલ્મ નિર્માતા અમિત જાનીએ હિન્દુ ધર્મ અપનાવવા પર સીમા હૈદરને કેસરી શાલ ફરકાવીને આવકાર્યા હતા, જ્યારે સીમા હૈદરે પણ ભારતીય શિષ્ટાચારને અનુસરીને અમિત જાનીના ચરણસ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા. સીમા હૈદર અને ફિલ્મ પ્રૉડક્શન ટીમ બંને ફિલ્મ પ્રૉડક્શન માટે ATSના રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે.
એટીએસ અત્યાર સુધીમાં બંનેની બેથી ત્રણવાર પૂછપરછ કરી ચૂકી છે. ખરેખરમાં, ગુપ્તચર એજન્સીએ માહિતી આપી છે કે સીમા હૈદરના કાકા પાકિસ્તાન આર્મીમાં સુબેદાર તરીકે ફરજ બજાવે છે અને તેનો ભાઈ પણ પાકિસ્તાન આર્મીમાં ફરજ બજાવે છે. આ કારણે સરહદ પર પાકિસ્તાની જાસૂસોની આશંકા વધી રહી છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે સુરક્ષા એજન્સીઓ આ મામલામાં ચાંપતી નજર રાખી રહી છે.
જુલાઈમાં એટીએસ દ્વારા બંનેની પૂછપરછ વિશે માહિતી આપતાં, ઉત્તરપ્રદેશ પોલીસે કહ્યું હતું કે દંપતી પહેલીવાર 2020 માં ઑનલાઇન ગેમ PubG દ્વારા એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, તેઓએ લગભગ 15 દિવસ સુધી ઓનલાઈન ગેમ રમ્યા બાદ તેમના વૉટ્સએપ નંબરની આપ-લે કરી હતી. પોલીસે જણાવ્યું કે સચિન અને સીમા આ વર્ષે માર્ચમાં નેપાળના કાઠમંડુમાં પ્રથમ વખત રૂબરૂ મળ્યા હતા, જ્યાં તેઓ 10 થી 17 માર્ચ સુધી સાથે રહ્યા હતા. સીમા 10 મેના રોજ ટૂરિસ્ટ વિઝા પર દુબઈ થઈને કરાચી થઈને ફરી નેપાળ પરત આવી હતી.
નેપાળમાં તે કાઠમંડુથી પોખરા પહોંચી અને રાત રોકાઈ. આ પછી સીમા 12મી મેના રોજ સવારે પોખરાથી બસ દ્વારા રૂપંદેહી-ખુનવા (ખુનવા) બોર્ડર થઈને સિદ્ધાર્થનગર જિલ્લામાંથી ભારતમાં પ્રવેશી હતી. તે 13 મેના રોજ લખનઉ અને આગ્રા થઈને ગૌતમ બુદ્ધ નગરના રબુપુરા કટ પહોંચી હતી. ઉત્તર પ્રદેશ પોલીસે જણાવ્યું કે સચિને પહેલાથી જ રાબુપુરામાં ભાડે રૂમ લીધો હતો, જ્યાં તેઓ સાથે રહેવા લાગ્યા હતા.
સ્થાનિક પોલીસે 4 જુલાઈના રોજ ગ્રેટર નોઈડામાંથી સીમાને ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશવાના આરોપમાં અને સચિનને ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સને આશ્રય આપવાના આરોપમાં ધરપકડ કરી હતી. જોકે, બંનેને 7 જુલાઈએ સ્થાનિક કોર્ટે જામીન આપ્યા હતા અને તેઓ તેમના ચાર બાળકો સાથે રબુપુરા વિસ્તારમાં એક મકાનમાં રહે છે. સીમાએ એમ પણ કહ્યું છે કે, તે પાકિસ્તાન પરત જવા માંગતી નથી અને સચિન સાથે રહેવા માંગે છે. તેણે એવો પણ દાવો કર્યો હતો કે તેણે હિન્દુ ધર્મ અપનાવ્યો છે.