કાકા શિવપાલ સિંહ યાદવ સાથે અખિલેશ યાદવે કર્યું ગઠબંધન, જાણો ટ્વિટ કરી શું કરી જાહેરાત
UP Assembly Election 2022: ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીએ ગઠબંધનના સાથીઓ શોધવાની દિશામાં કામ શરુ કરી દીધું છે અને તેને પહેલી સફળતા પણ હાથ લાગી છે.
UP Assembly Election 2022: ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીએ ગઠબંધનના સાથીઓ શોધવાની દિશામાં કામ શરુ કરી દીધું છે અને તેને પહેલી સફળતા પણ હાથ લાગી છે. યુપી વિધાનસભાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીની તાકાત વધારવા તથા ભાજપને ટક્કર આપવા અખિલેશ યાદવે તેમના કાકા શિવપાલ યાદવની પાર્ટી સાથે ગઠબંધનની જાહેરાત કરી છે.
સમાજવાદી પાર્ટી અને પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી વચ્ચે ગઠબંધન થયું છે. સપા પ્રમુખ અખિલેશ યાદવે પોતાના કાકા શિવપાલ યાદવને મળ્યા બાદ આ જાણકારી આપી છે. અખિલેશ તેને મળવા કાકાના ઘરે પહોંચી ગયા હતા.
અખિલેશે ટ્વીટર પર લખ્યું, "પ્રસપાના રાષ્ટ્રીય અધ્યક્ષ જી સાથે મુલાકાત કરી અને ગઠબંધનનો નિર્ણય લેવામાં આવ્યો. પ્રાદેશિક પક્ષોને સાથે લેવાની નીતિ સપાને સતત મજબૂત કરી રહી છે અને સપા અને અન્ય સહયોગીઓને ઐતિહાસિક જીત તરફ લઈ જઈ રહી છે.
શિવપાલ યાદવ સપા અધ્યક્ષ અખિલેશ યાદવના સગા કાકા છે પરંતુ સમાજવાદી પાર્ટીમાં હાંસિયામાં ધકેલાઈ ગયા હોવાને કારણે શિવપાલે સપામાંથી અલગ થઈને અલગ પાર્ટીની રચના કરી હતી. પરંતુ હવે યૂપી વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે હવે કાકા-ભત્રીજાએ સમાધાન કરી લીધું છે.
તમને જણાવી દઈએ કે મુલાયમ સિંહ યાદવ જે પરિવારને છેલ્લા ઘણા દાયકાઓથી સાથે લઈ ચાલી રહ્યા હતા તે 2017ની ચૂંટણી પછી બે ટુકડામાં વહેંચાઈ ગયો હતો. તેની શરૂઆત 2016માં જ થઈ હતી. નેતાજીના પરિવારની આ લડાઈ એ સ્તર સુધી પહોંચી ગઈ કે અખિલેશે કાકા શિવપાલને મંત્રી પદ પરથી હટાવી દીધા અને કાકાએ ભત્રીજાને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા. થોડા દિવસો સુધી આ લડાઈનો અંત આવ્યો. પરંતુ શિવપાલ સિંહ યાદવે પોતાની પાર્ટી બનાવીને અલગ રસ્તો પસંદ કર્યો હતો.
શિવપાલ હાલમાં સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય છે. તેમની પાર્ટીએ 2019ની લોકસભા ચૂંટણી લડી હતી. પરંતુ તેમને હાર મળી હતી. આ હારમાં તેમને પોતાનું ભવિષ્ય જોવા મળ્યું, તેમણે 12 ઓક્ટોબરથી સામાજિક પરિવર્તનની રથયાત્રા શરૂ કરી હતી. તેનો હેતુ સત્તા પરિવર્તન હોવાનું કહેવાયું હતું. યુપી ચૂંટણી પહેલા કાકા-ભત્રીજા એક સાથે આવી ગયા છે.