‘મારી સાથે જે થયું તે મેં વેઠી લીધું, પણ બહેનનું અપમાન નહીં સહેવાય’: રોહિણી આચાર્યના સમર્થનમાં તેજ પ્રતાપનો 'જયચંદો' સામે હુંકાર
લાલુ પરિવારમાં ભડકો: તેજ પ્રતાપે 'જયચંદો'ને આપી ખુલ્લી ચેતવણી, કહ્યું- બિહારની જનતા તમને ક્યારેય માફ નહીં કરે.

Tej Pratap Yadav warning: બિહારના સૌથી પ્રભાવશાળી રાજકીય પરિવાર એટલે કે લાલુ પ્રસાદ યાદવના પરિવારમાં ચાલી રહેલો આંતરિક વિખવાદ હવે સપાટી પર આવી ગયો છે. રોહિણી આચાર્ય દ્વારા પરિવાર અને પાર્ટી છોડવાના નિર્ણય બાદ, તેમના ભાઈ અને જનશક્તિ જનતા દળના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજ પ્રતાપ યાદવ બહેનના સમર્થનમાં મેદાને આવ્યા છે. સોમવારે (17 November, 2025) તેજ પ્રતાપે સોશિયલ મીડિયા પર એક આક્રમક નિવેદન આપીને પાર્ટીમાં રહેલા "જયચંદો" (વિશ્વાસઘાતીઓ) ને ખુલ્લી ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ પોતાની બહેનનું અપમાન કોઈપણ ભોગે સાંખી લેશે નહીં.
"જયચંદોને પરિણામ ભોગવવા પડશે"
તેજ પ્રતાપ યાદવે પોતાના પક્ષ 'જનશક્તિ જનતા દળ'ના સત્તાવાર X (Twitter) હેન્ડલ પરથી પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે લખ્યું કે, "અમે કોઈપણ સંજોગોમાં અમારી બહેનનું અપમાન સહન કરીશું નહીં. પરિવારમાં રહેલા જયચંદોએ આ ગેરવર્તણૂકનું પરિણામ ચોક્કસપણે ભોગવવું પડશે!" આ નિવેદનથી સ્પષ્ટ છે કે તેજ પ્રતાપ હવે આર-પારની લડાઈના મૂડમાં છે.
હૃદય કંપાવી દેતી તેજ પ્રતાપની વેદના
પોતાના ભાવુક નિવેદનમાં તેજ પ્રતાપે કહ્યું, "જયચંદ પરિવાર દ્વારા રોહિણી દીદી સાથે કરવામાં આવેલા દુર્વ્યવહારથી મારું હૃદય હચમચી ગયું છે. ભૂતકાળમાં મારી સાથે જે કંઈ પણ બન્યું, તે મેં ચૂપચાપ સહન કરી લીધું હતું, પરંતુ મારી બહેન પર કરવામાં આવેલું અપમાન કોઈપણ સંજોગોમાં અસહ્ય છે." તેમણે આગળ ચેતવણી આપતા કહ્યું કે, "સાંભળો જયચંદો, જો તમે પરિવાર પર હુમલો કરશો, તો બિહારના લોકો તમને ક્યારેય માફ કરશે નહીં."
हम किसी भी हालत में अपनी बहन का अपमान बर्दास्त नहीं करेंगे, जयचंदो को इस दुर्व्यवहार का परिणाम जरूर चुकाना पड़ेगा!#जयचंद pic.twitter.com/gR5qjKDGLM
— Janshaktijantadal (@JJDOfficial_) November 17, 2025
રોહિણી આચાર્ય: પરિવાર અને પટનાથી દૂર
ઉલ્લેખનીય છે કે, આ વિવાદ ત્યારે વકર્યો જ્યારે રોહિણી આચાર્યએ પટના છોડીને પરિવાર અને પાર્ટી સાથે છેડો ફાડવાની જાહેરાત કરી. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તેજસ્વી યાદવના સલાહકાર સંજય યાદવ અને રમીઝ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ, ચૂંટણીમાં RJD ની કારમી હાર બાદ રોહિણીએ આ હારનું ઠીકરું સંજય યાદવ પર ફોડ્યું હતું, જેના કારણે પરિવારમાં ક્લેશ થયો હતો અને વાત રોહિણીના અપમાન સુધી પહોંચી હતી.
તેજ પ્રતાપ પોતે પણ છે અલગ
આ સમગ્ર ઘટનાક્રમમાં રસપ્રદ વાત એ છે કે તેજ પ્રતાપ યાદવ પોતે પણ છેલ્લા 6 વર્ષથી લાલુ પરિવારની મુખ્ય રાજકીય ધારાથી અલગ છે. તેમને પાર્ટીમાંથી સાઈડલાઈન કરવામાં આવ્યા હતા, ત્યારબાદ તેમણે પોતાની અલગ પાર્ટી બનાવી હતી. તાજેતરની ચૂંટણીમાં તેઓ મહુઆ બેઠક પરથી લડ્યા હતા, પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. હવે જ્યારે સંજય યાદવ (જેમને તેજ પ્રતાપ 'જયચંદ' ગણાવે છે) ના કારણે રોહિણી પણ પરિવારથી દૂર થયા છે, ત્યારે તેજ પ્રતાપ ખૂલીને બહેનની પડખે ઉભા રહ્યા છે.





















