(Source: ECI/ABP News/ABP Majha)
Maharashtra: થાણેમાં ચાર માળની બિલ્ડિંગ ધરાશાયી, એક વ્યક્તિનું મોત
મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ડોમ્બિવલી વિસ્તારમાં શુક્રવારે ચાર માળની રહેણાંક ઇમારત ધરાશાયી થતાં કાટમાળ નીચે દટાઈ જવાથી 55 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું હતું.
Thane News: મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ડોમ્બિવલી વિસ્તારમાં શુક્રવારે ચાર માળની રહેણાંક ઇમારત ધરાશાયી થતાં કાટમાળ નીચે દટાઈ જવાથી 55 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું હતું. નગરપાલિકાના એક અધિકારીએ જણાવ્યું હતું કે સત્તાવાળાઓએ પહેલેથી જ ઇમારતને "જર્જરિત અને જોખમી" જાહેર કરી દીધી છે. તેમણે કહ્યું કે કલ્યાણ ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશન (KDMC)ના અધિકારક્ષેત્ર હેઠળના આયરે ગામમાં સ્થિત 'આદિનારાયણ ભવન' સાંજે તૂટી પડ્યું. ઈમારતમાં 44 મકાનો હતા અને તેનો કેટલોક ભાગ ધરાશાયી થયા બાદ ગુરુવારથી તેને ખાલી કરાવવામાં આવી રહી છે.
અધિકારીએ જણાવ્યું હતું કે શુક્રવારે સાંજે લગભગ 5.40 વાગ્યે ઇમારત ધરાશાયી થઈ હતી અને તપાસ અને બચાવ ટીમોએ થોડા સમય પછી કાટમાળમાંથી સૂરજ બિરજા લોડ્યા (55)નો મૃતદેહ બહાર કાઢ્યો હતો.
કેડીએમસીના વડા ભાઈસાહેબ દાંગડેએ જણાવ્યું હતું કે એવા અહેવાલો છે કે બે લોકો બીમાર છે અને તેઓ કાટમાળ નીચે ફસાયેલા હોવાની આશંકા છે, જ્યારે અન્ય રહેવાસીઓને બહાર કાઢવામાં આવ્યા છે.
દાંગડેએ પત્રકારોને જણાવ્યું હતું કે, “50 વર્ષ જૂની ઈમારતને જોખમી જાહેર કરવામાં આવી હતી અને તેમાં રહેતા લોકોને ઈમારત ખાલી કરવા માટે નોટિસ પાઠવવામાં આવી હતી. ઘણા લોકોએ ઈમારત ખાલી કરી હતી પરંતુ કેટલાક લોકો ઈમારતમાં પરત ફર્યા હતા.'' તેમણે જણાવ્યું કે ઈમારતનો કેટલોક ભાગ ધરાશાયી થઈ રહ્યો હતો અને તેને ખાલી કરવાની પ્રક્રિયા ગુરુવારે સાંજે શરૂ કરવામાં આવી હતી અને આ પ્રક્રિયા ઈમારતના સમયે પણ ચાલી રહી હતી.
અન્ય એક અધિકારીએ કહ્યું, "તે એક ગેરકાયદેસર ઇમારત હતી અને કેડીએમસીએ તેને પહેલાથી જ જોખમી જાહેર કરી દીધું હતું." "પ્રારંભિક અહેવાલ મુજબ, એક મહિલા કાટમાળ નીચે દટાઈ હોવાની આશંકા છે" તેમણે કહ્યું રાહત અને બચાવ કામગીરી ફાયર બ્રિગ્રેડ દ્વારા હાથ ધરવામાં આવી હતી. દાંગડે અને અન્ય વરિષ્ઠ અધિકારીઓની દેખરેખ હેઠળ સ્થાનિક ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના સભ્યો બચાવ કામગીરી કરી રહ્યા છે.
સ્થળ પરના અન્ય એક પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું કે વોર્ડમાં 40 ઇમારતો હતી જેને જોખમી જાહેર કરવામાં આવી હતી જ્યારે કેડીએમસીની સીમા હેઠળ વિવિધ કેટેગરીમાં આવી 602 ઇમારતો છે. આવી ઇમારતો પર નાગરિક સંસ્થાની કાર્યવાહી અંગેના પ્રશ્નના જવાબમાં દાંગડેએ જણાવ્યું હતું કે અત્યારે પ્રાથમિકતા સ્થળ પર શોધ અને બચાવ કામગીરી હાથ ધરવાની છે.
અગાઉ થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના વડા યાસીન તડવીએ જણાવ્યું હતું કે ઇમારત ધરાશાયી થવાની માહિતી મળ્યા પછી થાણે ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની એક ટીમને પણ સ્થળ પર મોકલવામાં આવી હતી.