અમેરિકાના ટેરિફ પર ભારતની આકરી પ્રતિક્રિયા: 'ચીન અને તુર્કી પણ ખરીદે છે રશિયા પાસેથી તેલ, તો પછી ભારત જ કેમ....'
અમેરિકાએ તાજેતરમાં રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદીને કારણે ભારત પર વધારાનો 25% ટેરિફ લાદવાની જાહેરાત કરી છે.

US 25% tariff on India: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર 25% વધારાનો ટેરિફ લાદવાના નિર્ણય બાદ ભારતે સત્તાવાર રીતે તેનો વિરોધ નોંધાવ્યો છે. વિદેશ મંત્રાલય (MEA) દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં આ પગલાને 'અન્યાયી અને દુર્ભાગ્યપૂર્ણ' ગણાવવામાં આવ્યું છે. ભારતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે રશિયા પાસેથી તેલની ખરીદી માત્ર ભારતના રાષ્ટ્રીય હિત અને 1.4 અબજ લોકોની ઊર્જા સુરક્ષા માટે કરવામાં આવે છે. ભારતે ચીન અને તુર્કી જેવા દેશોનો સૂક્ષ્મ રીતે ઉલ્લેખ કરીને અમેરિકાના બેવડા માપદંડ પર પ્રશ્ન ઉઠાવ્યો છે, કારણ કે આ દેશો પણ મોટા પાયે રશિયન તેલ ખરીદે છે છતાં તેમના પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
ભારતનું સત્તાવાર વલણ
વિદેશ મંત્રાલયે સ્પષ્ટપણે જણાવ્યું કે, "આ અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે કે અમેરિકાએ આવા પગલાં માટે ભારત પર વધારાના ટેરિફ લાદવાનું પસંદ કર્યું છે, જે ઘણા અન્ય દેશો પણ તેમના રાષ્ટ્રીય હિતોને ધ્યાનમાં રાખીને લઈ રહ્યા છે." આ નિવેદન દ્વારા ભારતે અમેરિકા પર બેવડા માપદંડ અપનાવવાનો આરોપ લગાવ્યો છે. મંત્રાલયે ફરી એકવાર પુષ્ટિ કરી કે ભારતની ઊર્જા આયાત નીતિ બજારના પરિબળો અને દેશના 1.4 અબજ નાગરિકોની ઊર્જા સુરક્ષાને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે.
ચીન અને તુર્કીનો ઉલ્લેખ
વિદેશ મંત્રાલયે ચીન અને તુર્કી જેવા દેશો તરફ ઈશારો કરીને અમેરિકાની નીતિ પર પ્રશ્ન ઉઠાવ્યો છે. સેન્ટર ફોર રિસર્ચ ઓન એનર્જી એન્ડ ક્લીન એરના આંકડા મુજબ:
- ક્રૂડ ઓઈલ: જૂન 2025 માં, ચીને રશિયાની કુલ ક્રૂડ ઓઈલ નિકાસનો 47% હિસ્સો ખરીદ્યો હતો, જ્યારે ભારતે 38% ખરીદ્યો હતો. તુર્કીનો હિસ્સો પણ 6% હતો.
- તેલ ઉત્પાદનો: રશિયાના તેલ ઉત્પાદનોનો સૌથી મોટો ખરીદદાર તુર્કી (26%) છે, ત્યારબાદ ચીન (13%) અને બ્રાઝિલ (12%) આવે છે.
- LNG ગેસ: યુરોપિયન યુનિયન (51%), ચીન (21%) અને જાપાન (18%) રશિયાના LNG ગેસના મુખ્ય ખરીદદારો છે.
- પાઈપલાઈન ગેસ: યુરોપિયન યુનિયન (37%), ચીન (30%) અને તુર્કી (27%) પણ રશિયા પાસેથી પાઈપલાઈન ગેસ ખરીદી રહ્યા છે.
આ આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે રશિયા પાસેથી ઊર્જા ખરીદનાર ભારત એકમાત્ર દેશ નથી. આમ છતાં, અમેરિકાએ માત્ર ભારતને નિશાન બનાવીને ટેરિફ લાદ્યા છે. વ્હાઈટ હાઉસના આદેશ મુજબ, ટ્રમ્પે રાષ્ટ્રીય સુરક્ષાના કારણોસર આ ટેરિફ લાદ્યા છે, પરંતુ ભારત આ પગલાને અન્યાયી માની રહ્યું છે અને પોતાના રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવા માટે તમામ જરૂરી પગલાં લેવાની તૈયારી દર્શાવી છે.




















