પતિ દ્ધારા પત્નીને ફક્ત 'આવક'નું સાધન માનવું માનસિક ક્રૂરતા છેઃ કર્ણાટક હાઇકોર્ટ
મહિલાએ આપેલી છૂટાછેડાની અરજીને ફેમિલી કોર્ટે 2020માં ફગાવી દીધી હતી
બેંગલુરુ: કર્ણાટક હાઈકોર્ટે એક દંપતિના છૂટાછેડા મંજૂર કર્યા હતા. હાઇકોર્ટને જ્યારે જાણવા મળ્યું કે પતિ તેની પત્નીને માત્ર 'આવકનો સ્ત્રોત' માને છે. જસ્ટિસ આલોક અરાધે અને જસ્ટિસ જે. એમ.કાઝી અને જસ્ટિસ જે.જે. એમ. કાઝીની ડિવિઝન બેન્ચે તાજેતરના ચુકાદામાં જણાવ્યું હતું કે પતિ દ્વારા પત્નીને માત્ર આવકના સ્ત્રોત તરીકે માનવું એ ક્રૂરતા છે. મહિલાએ તેના બેંક ખાતાની વિગતો અને અન્ય દસ્તાવેજો સબમિટ કર્યા હતા. જે મુજબ તેણે વર્ષો દરમિયાન તેના પતિને 60 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.
બેન્ચે કહ્યું, “તે સ્પષ્ટ છે કે પ્રતિવાદી (પતિ) અરજદારને માત્ર આવકનું સાધન માને છે અને તેની સાથે કોઈ ભાવનાત્મક જોડાણ નથી. પ્રતિવાદીનું વલણ એવું હતું કે અરજદારને માનસિક તકલીફ અને ભાવનાત્મક સતામણી કરવામાં આવી હતી, જે માનસિક ક્રૂરતાનું કારણ બને છે."
મહિલાએ આપેલી છૂટાછેડાની અરજીને ફેમિલી કોર્ટે 2020માં ફગાવી દીધી હતી, ત્યારબાદ તેણે નીચલી કોર્ટના નિર્ણય સામે હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટે નીચલી કોર્ટના આદેશને ફગાવતા કહ્યું કે ફેમિલી કોર્ટે અરજદાર (પત્ની)ની અરજી ન સાંભળીને ગંભીર ભૂલ કરી છે.
પત્નીએ નોકરી કરીને પતિનું કુટુંબનું દેવું ચૂકવ્યું
આ કપલે 1999માં ચિક્કામગાલુરુમાં લગ્ન કર્યા હતા. તેમને વર્ષ 2001માં એક પુત્ર થયો હતો અને પત્નીએ 2017માં છૂટાછેડા માટે અરજી કરી હતી. મહિલાએ દલીલ કરી હતી કે તેના પતિનો પરિવાર આર્થિક મુશ્કેલીમાં હતો, જેના કારણે પરિવારમાં ઝઘડાઓ થતા હતા. મહિલાએ કહ્યું કે તેણે સંયુક્ત આરબ અમીરાતમાં નોકરી કરી અને પરિવારનું દેવું ચૂકવી દીધું. તેણે તેના પતિના નામે ખેતીની જમીન પણ ખરીદી હતી, પરંતુ તે વ્યક્તિ આર્થિક રીતે સ્વનિર્ભર થવાને બદલે પત્નીની આવક પર આધાર રાખવા લાગ્યો હતો.
મહિલાએ પોતાની અરજીમાં જણાવ્યું હતું કે તેણે 2012માં યુએઈમાં તેના પતિ માટે સલૂન પણ ખોલ્યું હતું, પરંતુ 2013માં તે ભારત પરત આવી હતી. પતિ નીચલી કોર્ટમાં છૂટાછેડાની અરજીમાં હાજર થયો ન હતો અને કેસનો એક પક્ષે નિર્ણય લેવામાં આવ્યો હતો. ટ્રાયલ કોર્ટે કહ્યું હતું કે ક્રૂરતાનો આધાર સાબિત થતો નથી.