વકફ સુધારા બિલ રાજ્યસભામાં પાસ થવાનું નક્કી! આ પાર્ટીએ વોટિંગ પહેલા વિપક્ષ સાથે મોટો દાવ કરી નાંખ્યો
નવીન પટનાયકની બીજુ જનતા દળે રાજ્યસભામાં વ્હીપ ન જારી કરતા એનડીએનો રસ્તો થયો સરળ, વિપક્ષની વધી મુશ્કેલીઓ.

Waqf Amendment Bill Rajya Sabha: લોકસભામાં બહુમતી સાથે પસાર થયેલ વકફ સુધારા વિધેયક હવે રાજ્યસભામાં પાસ થવાની સંપૂર્ણ ખાતરી જેવું લાગી રહ્યું છે. ગુરુવારે (3 એપ્રિલ, 2025) રાજ્યસભામાં આ બિલ પર મતદાન થવાનું છે, અને તે પહેલાં ઓડિશાના પૂર્વ મુખ્યમંત્રી નવીન પટનાયકની પાર્ટી બીજુ જનતા દળે (BJD) વિપક્ષની આશાઓ પર પાણી ફેરવી દીધું છે.
બીજુ જનતા દળે એક મહત્વપૂર્ણ નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે આજે રાજ્યસભામાં મતદાન માટે તેમની પાર્ટી દ્વારા કોઈ વ્હીપ જારી કરવામાં આવ્યો નથી. આનો અર્થ એ થયો કે બીજેડીના સાત સાંસદો તેમની ઈચ્છા અનુસાર મતદાન કરી શકશે, તેમને કોઈ ચોક્કસ પાર્ટી લાઇનનું પાલન કરવાની જરૂર નથી. જો કે થોડા સમય પહેલાં રાજ્યસભામાં ચર્ચા દરમિયાન બીજેડીના સાંસદે આ બિલનો વિરોધ કર્યો હતો, પરંતુ હવે વ્હીપ જારી ન કરવાના નિર્ણયથી એનડીએને મોટી રાહત મળી છે.
બીજેડીના સાંસદ સસ્મિત પાત્રાએ આ અંગે નિવેદન આપતા કહ્યું કે, 'બીજુ જનતા દળે હંમેશા ધર્મનિરપેક્ષતા અને સર્વસમાવેશકતાના સિદ્ધાંતોને સમર્થન આપ્યું છે અને તમામ સમુદાયોના અધિકારોને સુનિશ્ચિત કર્યા છે. અમે વક્ફ (સુધારા) બિલ, 2024 અંગે લઘુમતી સમુદાયોના વિવિધ વિભાગો દ્વારા વ્યક્ત કરાયેલી લાગણીઓનું સન્માન કરીએ છીએ. અમારી પાર્ટીએ આ મંતવ્યો પર ધ્યાનપૂર્વક વિચારણા કરીને રાજ્યસભામાં અમારા માનનીય સભ્યોને ન્યાય, સંવાદિતા અને તમામ સમુદાયના મતના અધિકારોના શ્રેષ્ઠ હિતમાં તેમની વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવાની જવાબદારી સોંપી છે.'
વકફ બિલની ખરી કસોટી રાજ્યસભામાં થવાની હતી, કારણ કે લોકસભાની જેમ રાજ્યસભામાં એનડીએ પાસે સ્પષ્ટ બહુમતી નથી. રાજ્યસભામાં એનડીએની બહુમતી માત્ર જરૂરી આંકડા પર જ ટકેલી છે. આવી સ્થિતિમાં, બીજેડીના વ્હીપ જારી ન કરવાના નિર્ણયથી શાસક પક્ષ ભાજપે ચોક્કસપણે રાહતનો શ્વાસ લીધો હશે. સસ્મિત પાત્રાએ સ્પષ્ટ કર્યું કે તેમની પાર્ટીના સાંસદો તેમના અંતરાત્માના અવાજથી મતદાન કરી શકે છે.
રાજ્યસભાના ગણિતની વાત કરીએ તો, હાલમાં ગૃહમાં 236 સાંસદો છે અને બિલ પાસ કરવા માટે 119 સાંસદોના સમર્થનની જરૂર પડશે. આંકડાઓ અનુસાર, એનડીએ પાસે હજુ પણ બહુમતી છે. ભાજપ પાસે 98 સાંસદો છે અને લોકસભાની જેમ રાજ્યસભામાં પણ જેડીયુ, ટીડીપી અને એનસીપી જેવી પાર્ટીઓનું સમર્થન છે. હવે બીજેડીના સાથ મળવાથી વિપક્ષ માટે આ બિલને રોકવું લગભગ અશક્ય બની ગયું છે.





















