'અમારી પાસે 2 રૂપિયા પણ નથી, ટિકિટ મેળવવી પણ મુશ્કેલ', એકાઉન્ટ ફ્રીઝ કરવાનો આરોપ લગાવીને વરસ્યા રાહુલ ગાંધી
Congress Bank Accounts: કોંગ્રેસનું કહેવું છે કે ચૂંટણી પહેલા તેના બેંક ખાતાઓ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે, જેથી તે ચૂંટણી લડી શકે નહીં. બંધારણીય સંસ્થાઓ પણ કંઈ કરી રહી નથી.
Rahul Gandhi on BJP: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે (21 માર્ચ) પાર્ટીના ખાતા ફ્રીઝ કરવા માટે કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા. તેમણે દાવો કર્યો કે દેશમાં લોકશાહી નથી. વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ હોવાની વાત ખોટી છે. ભારતની સૌથી મોટી વિપક્ષી પાર્ટીનું બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે આજે કોંગ્રેસ પાસે પોતાના નેતાઓને મદદ કરવા માટે 2 રૂપિયા પણ નથી. ટિકિટ માટે માટે પણ પૈસા નથી.
રાહુલે કહ્યું, "દેશમાં દરેક વ્યક્તિ જાણે છે કે જ્યારે તેનું બેંક ખાતું, એટીએમ કાર્ડ અથવા તેની નાણાકીય ઓળખ ભૂંસી નાખવામાં આવે છે ત્યારે કેટલી મુશ્કેલી આવે છે. જો કોઈ પણ પરિવાર સાથે આવું કરવામાં આવશે, તો તે ભૂખે મરી જશે. જો તેની સાથે આવું કરવામાં આવશે તો તે ભૂખે મરી જશે. બરબાદ થઈ જશે. " કોંગ્રેસ નેતાએ વધુમાં કહ્યું કે, "કોંગ્રેસ સાથે પણ આવું જ કરવામાં આવ્યું છે. અમે અમારા નેતાઓ અને કાર્યકરોને પૈસા આપી શકતા નથી કારણ કે અમારા ખાતા એક મહિના પહેલા ફ્રીઝ કરવામાં આવ્યા હતા."
2 રૂપિયાની ચૂકવણી મુશ્કેલ બની ગઈ છે: રાહુલ ગાંધી
સરકાર પર ખાતાઓ ફ્રીઝ કરવાનો આરોપ લગાવતા કોંગ્રેસ નેતાએ કહ્યું, "અમારા નેતાઓ હવાઈ મુસાફરી કરી શકતા નથી. તેઓ ટ્રેનમાં પણ મુસાફરી કરી શકતા નથી. અમારા નેતાઓને એક શહેરમાંથી બીજા શહેરમાં મોકલવા અમારા માટે મુશ્કેલ છે." તેમણે કહ્યું, "આજે અમે જાહેરાત કરી શકતા નથી. દેશના 20 ટકા લોકો અમને મત આપે છે, પરંતુ આજે અમે 2 રૂપિયા પણ આપી શકતા નથી. અમને ચૂંટણીમાં પછાડવા માટે આવું કરવામાં આવ્યું છે.
રાહુલે દાવો કર્યો કે ભારતમાં લોકશાહી નથી
રાહુલે બંધારણીય સંસ્થાઓ પર પણ સવાલો ઉઠાવ્યા અને કહ્યું, "દેશમાં બંધારણીય સંસ્થાઓ અસ્તિત્વમાં છે. કોર્ટ, ચૂંટણી પંચ અને અન્ય સંસ્થાઓએ આ બધું જોઈને પણ કંઈ કહ્યું નથી. ચૂંટણી પંચે પણ કંઈ કહ્યું નથી. આ ગુનાહિત કૃત્ય છે." તેમણે વધુમાં દાવો કર્યો હતો કે, "ભારતમાં લોકશાહી છે તે વાત તદ્દન ખોટી છે. ભારતમાં લોકશાહી નથી. દુનિયાની સૌથી મોટી લોકશાહી હોવાની વાત ખોટી છે કારણ કે દેશની સૌથી મોટી વિપક્ષી પાર્ટીનું ખાતું ફ્રીઝ કરવામાં આવ્યું છે."
રાહુલ ગાંધીએ પીએમ-ગૃહમંત્રી પર આરોપ લગાવ્યા
કોંગ્રેસના નેતાએ કહ્યું, "પાર્ટીને અમારા ખાતાઓ અંગે બે નોટિસ મળી છે. એક નોટિસ 90ના દાયકાની છે, જ્યારે બીજી 7 વર્ષ જૂની છે. અમને જે કેસમાં આ નોટિસ મળી છે, તેમાં મહત્તમ દંડ 10,000 રૂપિયા છે. પરંતુ અમને સજા કરવામાં આવી રહી છે." તેમણે વધુમાં આરોપ લગાવ્યો કે, "અમારા માટે ચૂંટણી પ્રચાર કરવો મુશ્કેલ બની ગયો છે. એક રીતે આ એક ગુનાહિત કાર્યવાહી છે. આ બધું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ કરી રહ્યા છે."
કોંગ્રેસને મોટું નુકસાન થયું છેઃ રાહુલ
રાહુલે કહ્યું, "જો આજે કોંગ્રેસના ખાતાઓ અનફ્રીઝ કરવામાં આવશે તો પણ તેનો કોઈ ફાયદો થશે નહીં, કારણ કે કોંગ્રેસને ઘણું નુકસાન થયું છે. કોર્ટ, ચૂંટણી પંચ, સંસ્થાઓ અને મીડિયા પણ આ મામલે કંઈ બોલી રહ્યાં નથી." તેણે પીએમ મોદીને પણ અપીલ કરી છે. કોંગ્રેસ નેતાએ કહ્યું, "હું વડા પ્રધાનને વિનંતી કરું છું કે જો તેઓ બંધારણીય સંસ્થાઓને પોતાની માને છે તો તેમણે કંઈક કરવું જોઈએ."