Operation Sindoor: ઓપરેશન સિંદૂરને લઈને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આપી પહેલી પ્રતિક્રિયા
Operation Sindoor: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે અમે આતંકવાદ સામેની દરેક કાર્યવાહીમાં સરકારની સાથે ઉભા છીએ. સરકારને અમારો સંપૂર્ણ ટેકો છે. આ ઓપરેશન હાથ ધરનારા બહાદુર સૈનિકોને અમે સલામ કરીએ છીએ.

Operation Sindoor: ભારતીય સેના દ્વારા પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવા માટે કરવામાં આવેલી કાર્યવાહી પર કોંગ્રેસે મોટું નિવેદન આપ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે અમે આતંકવાદ સામેની દરેક કાર્યવાહીમાં સરકારની સાથે ઉભા છીએ. અમારો સરકારને સંપૂર્ણ ટેકો છે. આ ઓપરેશન હાથ ધરનારા બહાદુર સૈનિકોને અમે સલામ કરીએ છીએ.
આ દરમિયાન, લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું, "અમારી કાર્યસમિતિમાં આ બાબતે ચર્ચા કરી. અમે ભારતીય સેનાને સંપૂર્ણ સમર્થન આપીએ છીએ. આ કાર્યવાહી માટે અમે તેમને શુભકામનાઓ પાઠવીએ છીએ. કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસ કાર્યકારી સમિતિ તરફથી સંપૂર્ણ સમર્થન છે."
#WATCH | Delhi: Congress national president Mallikarjun Kharge says, "...Today, we called a working committee meeting in wake of the incident in our country and the steps being taken by the Govt. We take pride in our Indian Armed Forces who took brave and decisive action on the… pic.twitter.com/FBid7Nz7FH
— ANI (@ANI) May 7, 2025
તમને જણાવી દઈએ કે ભારતીય સેના દ્વારા પાકિસ્તાન સ્થિત આતંકવાદી છાવણીઓ પર કરવામાં આવેલા હુમલા બાદ કોંગ્રેસ દ્વારા એક કટોકટી બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી, મહાસચિવ કેસી વેણુગોપાલ અને અન્ય વરિષ્ઠ પક્ષના નેતાઓએ વર્તમાન સુરક્ષા પરિસ્થિતિ અંગે ચર્ચા કરી.
પહલગામ હુમલામાં TRFનો હાથ
વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું હતું કે, ભારતે આતંકવાદને ખત્મ કરવા માટે જવાબ આપ્યો છે. આતંકવાદીઓ જમ્મુ અને કાશ્મીરમાં વિકાસ અટકાવવા માંગે છે. ટીઆરએફ લશ્કર સાથે જોડાયેલું સંગઠન છે. પહલગામ હુમલામાં TRF સામેલ છે.
ઓપરેશન સિંદૂર પછી પ્રિયંકા ગાંધીએ સેનાને સલામી આપી
કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ ઓપરેશન સિંદૂર પર પ્રતિક્રિયા આપી છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને લખ્યું, "અમને આપણા સશસ્ત્ર દળો પર ખૂબ ગર્વ છે. આપણા બહાદુર સૈનિકો આપણી સ્વતંત્રતા અને અખંડિતતાનું રક્ષણ કરે છે. ભગવાન તેમનું રક્ષણ કરે અને તેમને ધીરજ અને બહાદુરીથી પડકારોનો સામનો કરવા માટે અપાર હિંમત આપે. જય હિન્દ."
કોંગ્રેસ પાર્ટી સરકારની સાથે ઉભી છે - પવન ખેડા
કોંગ્રેસ નેતા પવન ખેડાએ ઓપરેશન સિંદૂર પર કહ્યું હતું કે, "અમને અમારી સેના પર ખૂબ ગર્વ છે. જો કોઈ ભારત કે ભારતના કોઈપણ નાગરિક તરફ આંખ ઉંચી કરશે અને કોઈપણ આતંકવાદી પ્રવૃત્તિને અંજામ આપવાનો પ્રયાસ કરશે તો તેનું પરિણામ આ જ આવશે, આજે અમારી સેનાએ ફરી એકવાર આ સાબિત કરી દીધું છે. કોંગ્રેસ પાર્ટીએ કહ્યું છે કે અમે સરકાર સાથે ઉભા છીએ."





















