Weather Report : ભારતમાં પડશે માઈનસ 4 ડિગ્રી ઠંડી? 'ચિત્ર-વિચિત્ર' આગાહીથી લોકો ગોથે ચડ્યા
આ સાથે એક હવામાનશાસ્ત્રીએ ચોંકાવનારી આગાહી કરી હતી કે રાષ્ટ્રીય રાજધાનીમાં તાપમાન શૂન્યથી -4 ડિગ્રી સેલ્સિયસથી નીચે જઈ શકે છે.
Weather Latest Update: દેશમાં ઠંડી બરાબરની જામી છે. રાજધાની દિલ્હીથી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં શીત લહેરે લોકોને થીજવી દીધા છે. ઠંડીને લઈને હવામાન વિભાગે હજી પણ વધુ ઠંડીની આગાહી કરવામાં આવી રહી છે. દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 2 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી ગયું હતું. આ સાથે એક હવામાનશાસ્ત્રીએ ચોંકાવનારી આગાહી કરી હતી કે રાષ્ટ્રીય રાજધાનીમાં તાપમાન શૂન્યથી -4 ડિગ્રી સેલ્સિયસથી નીચે જઈ શકે છે. જેમાં કહેવામાં આવ્યું હતું કે, જાન્યુઆરી મહિનો ઠંડીમાં ઠુંઠવાશે. સ્કાયમેટ હવામાન એજન્સીએ હવે આ આગાહી અંગે ચોંકાવનારી વાત કહી છે.
હવામાનની આગાહી કરતી એજન્સી સ્કાયમેટે કહ્યું હતું કે, દિલ્હીનું તાપમાન શૂન્યથી નીચે નહીં જાય. અખબારો અને ટીવી ચેનલોમાં અફવાઓ ચાલી રહી છે કે દિલ્હીનું તાપમાન માઈનસ -4 ડિગ્રી થઈ જશે. આ એક ખોટી આગાહી છે. જેથી મહેરબાની કરીને આવી પાયાવિહોણી અફવાઓ પર વિશ્વાસ ન કરવા સ્કાયમેટે અપીલ કરી. ઠંડી માટે જવાબદાર ડબલ્યુડી (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ) દૂર થઈ રહ્યું છે.
સ્કાયમેટનું આ ટ્વીટ હવામાનશાસ્ત્રીના નિવેદન બાદ આવ્યું છે જેમાં એવી આગાહી કરવામાં આવી હતી કે ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં તાપમાન આવતા સપ્તાહે માઈનસ -4 ડિગ્રી સેલ્સિયસથી નીચે આવી શકે છે. એજન્સીએ કહ્યું હતું કે, 16 અને 18 જાન્યુઆરીની વચ્ચે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 3-4 ડિગ્રી અને વિવિધ વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 2 ડિગ્રીની આસપાસ હોઈ શકે છે, પરંતુ તે ક્યાંય પણ 0 ડિગ્રીથી નીચે નહીં જાય. લાઈવ વેધર ઓફ ઈન્ડિયાના સ્થાપક, હવામાનશાસ્ત્રી નવદીપ દહિયાએ 16 અને 18 જાન્યુઆરી વચ્ચે ભારે ઠંડીની આગાહી કરી હતી.
ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, રાષ્ટ્રીય રાજધાનીમાં શનિવારે સવારે લઘુત્તમ તાપમાન 10.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સિઝનની સરેરાશ કરતાં ત્રણ ડિગ્રી વધારે હતું. હવામાન વિભાગે પણ દિવસ દરમિયાન આંશિક વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરી છે. મહત્તમ તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે. જાન્યુઆરીના પ્રથમ ભાગમાં રાષ્ટ્રીય રાજધાનીમાં લગભગ અભૂતપૂર્વ ઠંડી નોંધાયા બાદ એજન્સીએ કહ્યું હતું કે, રાજસ્થાનના ભાગો - સીકર અને ચુરુમાં લઘુત્તમ તાપમાન શૂન્યથી નીચે શક્ય છે.
અગાઉ IMDએ કહ્યું હતું કે, ઉત્તરપશ્ચિમ ભારતમાં ઠંડા મોજાની સ્થિતિ ફરી ઉભરી આવશે અને 15-16 જાન્યુઆરીની આસપાસ ટોચ પર આવશે. હવામાન વિભાગે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં ગાઢથી ખૂબ ગાઢ ધુમ્મસની પણ આગાહી કરી છે. જમ્મુ ડિવિઝન, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર મધ્ય પ્રદેશ અને બિહારના વિવિધ વિસ્તારોમાં ગાઢ ધુમ્મસની સંભાવના છે, જ્યારે 15 જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશના વિવિધ ભાગોમાં ઠંડા દિવસની સ્થિતિ રહેવાની સંભાવના છે.