Sanchar Saathi App: સંચાર સાથી એપ મારફતે સરકાર તમારી કઈ-કઈ બાબતો પર રાખી શકે છે નજર?
Sanchar Saathi App: ભારતમાં એક મોટું ડિજિટલ પરિવર્તન ચાલી રહ્યું છે. વાસ્તવમાં સરકારે નિર્દેશ આપ્યો છે કે ભારતમાં સ્માર્ટફોનમાં સંચાર સાથી એપ અગાઉથી ઈન્સ્ટોલ કરવામાં આવે

Sanchar Saathi App: ભારતમાં એક મોટું ડિજિટલ પરિવર્તન ચાલી રહ્યું છે. વાસ્તવમાં સરકારે નિર્દેશ આપ્યો છે કે ભારતમાં સ્માર્ટફોનમાં સંચાર સાથી એપ અગાઉથી ઈન્સ્ટોલ કરવામાં આવે અને યુઝર તેને હટાવી કે ડિસેબલ કરી શકશે નહીં. વર્તમાન ફોનને લઈને સરકારનો નિર્દેશ છે કે જરૂરી સોફ્ટવેર અપડેથી તે મળશે. જો કે, પ્રશ્ન એ ઊભો થાય છે કે સંચાર સાથી એપ મારફતે સરકાર તમારા વિશે શું મોનિટર કરી શકે છે? ચાલો જાણીએ.
આ એપ શા માટે ડિઝાઇન કરવામાં આવી હતી?
આ એપનું પ્રાથમિક કાર્ય સાયબર સુરક્ષા અને છેતરપિંડી અટકાવવાનું છે. તે ટેલિકોમ યુઝર્સને સિમના દુરુપયોગ, મોબાઇલ ચોરી અને ડિજિટલ કૌભાંડોથી બચાવવા માટે રચાયેલ રાષ્ટ્રવ્યાપી સિસ્ટમનો એક ભાગ છે. આ એપ તમારા કોલ્સ ટેપ કરશે નહીં, તમારા મેસેજ સ્કેન કરશે નહીં અથવા તમારો વ્યક્તિગત ડેટા વાંચશે નહીં. તે ફક્ત ટેલિકોમ ઓળખ ચકાસણી અને ડિવાઈસ લેજિટિમેસી પર ધ્યાન કેન્દ્રિત કરશે.
તમારા સિમ કનેક્શન્સ
સંચાર સાથી એપની સૌથી મહત્વપૂર્ણ વિશેષતાઓમાંની એક એ છે કે તે યુઝર્સ અને સરકાર બંનેને એક જ ઓળખ સાથે કેટલા મોબાઇલ નંબર લિંક છે તે જોવાની મંજૂરી આપે છે. જો કોઈએ તમારા આધાર અથવા અન્ય કોઈ ID નો ઉપયોગ કરીને છેતરપિંડીથી સિમ કાર્ડ રજીસ્ટર કરાવ્યું હોય તો તમને આ એપ્લિકેશન દ્વારા તાત્કાલિક જાણ કરવામાં આવશે. પછી તમે ફરિયાદ નોંધાવી શકો છો અને તે અનધિકૃત નંબરોને ડીએક્ટિવેટ કરી શકો છો.
ખોવાયેલા અથવા ચોરાયેલા ફોન
સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટર દ્વારા, સંચાર સાથી અધિકારીઓને ખોવાયેલા અથવા ચોરાયેલા ફોનને તેમના IMEI નંબરોને બ્લોક કરીને ટ્રેક અને અક્ષમ કરવામાં મદદ કરે છે. એકવાર બ્લોક થઈ ગયા પછી ડિવાઈસ દરેક ભારતીય નેટવર્ક પર બ્લોક થઈ જાય છે, ભલે ચોર સિમ કાર્ડ બદલી નાખે.
ચક્ષુ રિપોર્ટિંગ સિસ્ટમ
ચક્ષુ સુવિધા સરકારનું નવું ડિજિટલ વોચડોગ છે. જ્યારે પણ તમને કોઈ શંકાસ્પદ SMS, WhatsApp સંદેશ, અથવા OTP કૌભાંડનો પ્રયાસ, તેમજ છેતરપિંડીભર્યો કોલ મળે છે, ત્યારે તમે સંચાર સાથી દ્વારા તેની જાણ કરી શકો છો. આ સિસ્ટમ પેટર્નનું વિશ્લેષણ કરે છે, કૌભાંડના હોટસ્પોટને ચિહ્નિત કરે છે અને સાયબર ક્રાઇમ પાછળના લોકો અને નેટવર્કને ટ્રેસ કરવામાં અધિકારીઓને મદદ કરે છે.
વ્યક્તિગત કોલ્સ, મેસેજ અથવા મીડિયાનું કોઈ નિરીક્ષણ નથી.
સરકારનું કહેવું છે કે સંચાર સાથી જાસૂસી માટે બનાવવામાં આવ્યું નથી. તે તમારી કોઈપણ પ્રાઈવેટ કન્ટેન્ટનું નિરીક્ષણ કરતું નથી. તેનો સ્કોપ ટેલિકોમ આઈન્ડેટિટી, ડિવાઈસ વેલિડિટી અને ફ્રોડ સંબંધિત રિપોર્ટિંગ સુધી વિસ્તરે છે. એ નોંધવું જોઈએ કે આ એપ્લિકેશન દૂર કરી શકાતી નથી.





















