(Source: ECI/ABP News/ABP Majha)
Today Weather: રંગપંચમી પર આજે ક્યાં પડશે વરસાદ, ગુજરાતમાં કેવો રહેશે મોસમનો મિજાજ, જાણો
Weather Today: હવામાન વિભાગનું કહેવું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાન બદલાઈ રહ્યું છે.
Weather Update Today: દેશમાં આજે રંગપંચમીની ધૂમ છે, જ્યારે મોસમમાં આવેલા બદલાવથી ખેડૂતો પરેશાન નજરે પડી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા દેશના ઘણા વિસ્તારમાં આજે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રાજધાની દિલ્હીમાં શુક્રવારે દિવસનું તાપમાન સામાન્ય કરતા 5 ડિગ્રી વધુ હતું. પરંતુ સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદને કારણે વાતાવરણ ખુશનુમા બની ગયું હતું. શનિવારે પણ દિલ્હીના અલગ-અલગ વિસ્તારોમાં ઝરમર વરસાદની શક્યતા છે. સ્કાયમેટ વેધર અનુસાર, 30 અને 31 માર્ચે ગિલગિટ બાલ્ટિસ્તાન, લદ્દાખમાં હળવો વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. આ સિવાય હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં મધ્યમ વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર લખનઉ, બુંદેલખંડ અને પશ્ચિમ યુપીમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. આ સિવાય 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગનું કહેવું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાન બદલાઈ રહ્યું છે. પ્રયાગરાજ, ફતેહપુર, ચિત્રકૂટ, કૌશામ્બી, સંત કબીર નગર, ચંદૌલી, મિર્ઝાપુર, જૌનપુર, ગાઝીપુર, કાનપુર દેહાત, લલિતપુરમાં હળવો વરસાદ પડી શકે છે.
ગુજરાતમાં અમદાવાદ સહિત ઘણા શહેરોમાં આગામી 3 દિવસ સુધી તાપમાનનો પારો 40 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે. અમદાવાદ, બનાસકાંઠા, વડોદરા, આણંદમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થા મુજબ, આગામી 5 દિવસ તાપમાન 40 ડિગ્રીને પાર જવાની સંભાવના નહીંવત છે.
ગુજરાતમાં હજુ તો ઉનાળાનો આરંભ થયો છે ત્યાં જ અસહ્ય તાપ અને તાપ પણ એવો કે સવારે પણ ટાઢક ન થાય તેવો વરસી રહ્યો છે ત્યારે તેની જનસ્વાસ્થ્ય પર વ્યાપક પ્રતિકૂળ અસર જોવા મળી છે. રાજ્યમાં માત્ર ગત તા. 23ને હોળીના દિવસથી ગઈકાલ તા. 28 સુધીના 6 દિવસમાં 5433 લોકોની તબિયત વધારે બગડતા હોસ્પિટલે લઈ જવા એમ્બ્યુલન્સ બોલાવવાની નોબત આવી હતી. આ ઉપરાંત ખાનગી દવાખાના,હોસ્પિટલોમાં સારવાર લેનારા હજારો હોય છે.
ઉનાળામાં અસહ્ય તડકો લાગવાથી ખાસ કરીને પેટમાં દુખાવો થવો, બેભાન થઈ જવું કે મૂર્છા આવવી, માથાનો દુખાવો થવો, અત્યંત તાવ આવવો અને ઝાડાઉલ્ટીની બિમારી વધતી હોય છે. આવા આ વખતે ફેબ્રુઆરી માસમાં પણ બહુ ઠંડી પડી નથી ત્યારે ફેબ્રુઆરીમાં રાજ્યમાં રોજ સરેરાશ 753 કેસો નોંધાતા હતા, તા. 1થી 22 માર્ચ દરમિયાન એટલે કે હોળી પહેલા રોજ 801 કેસો નોંધાતા હતા. હોળી પછી તીવ્ર તાપ પડવો શરૂ થયો છે અને ગત 6 દિવસમાં જ દૈનિક સરેરાશ 905 કેસો 108 ઈમજરન્સીમાં નોંધાયા છે. એટલે કે હોળી પહેલાની સ્થિતિ કરતા 13 ટકાનો વધારો થયો છે અને ફેબ્રુઆરીની તુલનામાં 20 ટકાનો વધારો નોંધાયો છે. સૌથી વધુ ઈમરજન્સી પેટમાં દુખાવા સહિતની બાબતે સર્જાઈ છે જેના 6 દિવસમાં 1804 કેસો નોંધાયા છે જ્યારે આ સમયમાં 1122 લોકો તડકાથી બેભાન થઈ જતા હોસ્પિટલે ખસેડવા પડયા હતા.