Weather Updates: દેશના 18 રાજ્યમાં ભારે વરસાદનું એલર્ટ, કેરળના અનેક જિલ્લાઓમાં જળબંબાકાર
Weather Updates:હવામાન વિભાગે છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ઓડિશા, મહારાષ્ટ્ર, કેરળ, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે
Weather Updates: હવામાન વિભાગે હિમાચલ પ્રદેશની રાજધાની શિમલા સહિત મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું હતું. બીજી તરફ કેરળ અને મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું. અનેક જગ્યાએ પાણી ભરાઈ જવાના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. રાજસ્થાનના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ ચાલુ રહ્યો હતો.
હવામાન કેન્દ્ર શિમલાએ 24 જુલાઈ સુધી રાજ્યમાં વરસાદને લઇને માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. બિલાસપુર, કાંગડા, ચંબા અને મંડીમાં 21 જુલાઈ માટે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. ઉત્તરી કેરળના વાયનાડ, કન્નુર અને કાસરગોડ જિલ્લામાં વૃક્ષો ધરાશાયી થવા, મિલકતને નુકસાન અને રસ્તાઓને નુકસાન થવાની ઘટનાઓ નોંધાઈ છે. પલક્કડમાં એક સ્કૂલ બસ કેનાલમાં પલટી ગઈ હતી. જોકે તમામ બાળકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા હતા. હવામાન વિભાગે વાયનાડ, કન્નુર અને કાસરગોડ માટે ત્રણ દિવસના વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આને ધ્યાનમાં રાખીને આ ત્રણ જિલ્લાના વહીવટીતંત્રે 19 જૂલાઈએ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરી છે.
18 રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે
19 જુલાઈએ હવામાન વિભાગે છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ઓડિશા, ગોવા, મહારાષ્ટ્ર, કેરળ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. આ સાથે જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ગુજરાતમાં ભારે પવન સાથે વીજળી પડવાની શક્યતા વ્યક્ત કરાઇ છે.
પંજાબના 17 જિલ્લામાં 21મીથી બે દિવસ માટે એલર્ટ
હવામાન વિભાગે પંજાબના 17 જિલ્લામાં 21 જુલાઈથી બે દિવસ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. જેમાં પઠાણકોટ, ગુરદાસપુર, અમૃતસર, હોશિયારપુર, નવાંશહર, કપૂરથલા, જલંધર, લુધિયાણા, ફતેહગઢ સાહિબ, રૂપનગર, પટિયાલાનો સમાવેશ થાય છે. આ સમયગાળા દરમિયાન ભારે વાવાઝોડા સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
રાજ્યના ત્રણ જિલ્લામાં આજે છૂટાછવાયા સ્થળોએ આજે અત્યંત ભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે તો પાંચ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને વલસાડ માટે હવામાન વિભા રેડ એલર્ટ જાહેર કર્યુ છે. તો જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથની સાથે દક્ષિણ ગુજરાતના સુરત અને નવસારીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. રાજ્યના દસ જિલ્લામાં આજે ભારે વરસાદ વરસી શકે છે. કચ્છ, જામનગર, રાજકોટ, ભાવનગરમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે તો ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં પણ છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.