પશ્ચિમ બંગાળમાં પેટાચૂંટણીની તારીખ જાહેર, મમતા બેનર્જી કઈ બેઠક પરથી ઝંપલાવશે?
મમતા બેનર્જી પશ્ચિમ બંગાળ વિધાનસભા 2021ની ચૂંટણીમાં નંદીગ્રામ બેઠક પરથી બીજેપીના સુવેન્દુ સામે હારી ગયા હતા. નંદીગ્રામ બેઠક ભાજપના શુવેન્દુ અધિકારીએ ટક્કર આપીને રસાકસી ભરી જીત હાંસલ કરી હતી.
કોલકાતાઃ આજે કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા પશ્ચિમ બંગાળમાં પેટાચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળની ભવાનીપુર, સમસેરગંજ અને જંગીપુર વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી 30 સપ્ટેમ્બરે યોજાશે. તેમજ તેની મત ગણતરી 3 ઓક્ટોબરે કરાશે.
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ભવાનીપુર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. મમતા બેનર્જી પશ્ચિમ બંગાળ વિધાનસભા 2021ની ચૂંટણીમાં નંદીગ્રામ બેઠક પરથી બીજેપીના સુવેન્દુ સામે હારી ગયા હતા. વિધાનસભાની ચૂંટણીમાં નંદીગ્રામ બેઠક ભાજપના શુવેન્દુ અધિકારીએ ટક્કર આપીને રસાકસી ભરી જીત હાંસલ કરી હતી.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી બન્યા પછી 6 મહિનામાં મમતા બેનર્જીએ વિધાનસભા સભ્ય બનવું જરૂરી છે. મમતા બેનર્જીએ વિધાનસભાના સભ્ય બનવા માટે ચૂંટણી જીતવી પડે. બંધારણની કલમ 164 (4) મુજબ ચૂંટણી જીતી ન હોય તેવી વ્યક્તિ પણ મુખ્યમંત્રી બની શકે છે, પરંતુ તે પછીના 6 મહિનાની અંદર તેમણે રાજ્યની વિધાનસભા અથવા વિધાન પરિષદના સભ્ય બનવું પડે છે. પશ્ચિમ બંગાળમાં વિધાન પરિષદ નથી, તેથી મમતા બેનર્જીએ વિધાનસભાના સભ્ય બનવા માટે ચૂંટણી જીતવી પડશે. મમતાની પાર્ટી ટીએમસીએ 2021ની વિધાનસભા ચૂંટણીમાં બમ્પર જીત મેળવી હતી. ટીએમસીએ 294માંથી 213 બેઠકો જીતી હતી. બીજી બાજુ ભાજપે 77 બેઠકો જીતી હતી.