West Bengal : મુકુલ રોય ખરેખર કોના? BJPના કે TMCના? મમતાના ઈશારાથી સસ્પેંસ
West Bengal Politics : તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના વરિષ્ઠ નેતા મુકુલ રોય ફરી એકવાર પલટી મારી શકે છે. પહેલા ટીએમસી બાદમાં ભાજપ ત્યાર બાદ ફરી એકવાર ટીએમસીમાં જનારા મુકુલ રોયનો દીદી પ્રત્યે મોહભંગ થયો હોવાની અટકળો છે.
West Bengal Politics : તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના વરિષ્ઠ નેતા મુકુલ રોય ફરી એકવાર પલટી મારી શકે છે. પહેલા ટીએમસી બાદમાં ભાજપ ત્યાર બાદ ફરી એકવાર ટીએમસીમાં જનારા મુકુલ રોયનો દીદી પ્રત્યે મોહભંગ થયો હોવાનું અને તેઓ ફરી એકવાર બીજેપીમાં જોડાવા જઈ રહ્યાંની અટકળો ચાલી રહી છે. તો બીજી બાજુ આ અહેવાલો પર ધુંઆપુંઆ મમતા બેનરજીએ પણ સંકેત આપી દીધા છે.
મુકુલ રોયે ખુદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આટલું જ નહીં મુકુલ રોય સોમવારે રાત્રે દિલ્હી પણ ગયા હતા. આ રાજકીય ઉથલપાથલ વચ્ચે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. સીએમ બેનર્જીએ ANIને કહ્યું હતું કે, મુકુલ રોય ભાજપના ધારાસભ્ય છે અને તે સંપૂર્ણપણે તેમના પર નિર્ભર છે. તમારે તેમના પુત્ર સુભ્રાંશુને પૂછવું જોઈએ, જેણે ગુમ થવાની ફરિયાદ નોંધાવી છે. જે ખૂબ જ ગંભીર બાબત છે. મુકુલ રોયે કહ્યું હતું કે, તેઓ ક્યારેય ટીએમસી સાથે હતાં જ નહીં અને તેઓ ભાજપ સાથે કામ કરવાનું યથાવત રાખશે.
પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ કહ્યું હતું કે, ભાજપ સત્તામાં છે, તેથી તે જે ઈચ્છે તે કરે છે. પરંતુ તેઓ એ નથી સમજતા કે સત્તા કામચલાઉ હોય છે. ખુરશી ભલે આવે અને જાય, પરંતુ લોકશાહી હંમેશા રહેશે. બંધારણ કાયમ ચાલતું રહેશે, તેમાં કેટલાક સુધારાઓ થઈ શકે છે, પરંતુ આ બંધારણ પર બુલડોઝર ન ચલાવી શકાય. ભાજપ 2024ની ચૂંટણી જીતી શકશે નહીં.
મુકુલ રોય દિલ્હી ગયા
મુકુલ રોય સોમવારે રાત્રે દિલ્હી પહોંચ્યા હતા. તેમણે તેને અંગત કામ ગણાવ્યું. જોકે શરૂઆતમાં તેના પરિવારજનોએ દાવો કર્યો હતો કે, તે ગુમ થયા હતાં. પરિવારે કહ્યું હતું કે, તેમની માનસિક સ્થિતિ સારી નથી. ભાજપે ટીએમસીના નેતાનો ઉપયોગ કરીને ગંદી રાજનીતિ ન કરવી જોઈએ, જેઓ બીમાર છે. બીજી તરફ મંગળવારે રોયે એક બંગાળી ન્યૂઝ ચેનલને કહ્યું હતું કે, હું બીજેપીનો ધારાસભ્ય છું. હું ભાજપ સાથે રહેવા માંગુ છું. હું અમિત શાહને મળવા અને જેપી નડ્ડા સાથે વાત કરવા માંગુ છું. જાહેર છે કે, તૃણમૂલ કોંગ્રેસના સંસ્થાપક સભ્ય મુકુલ રોય 2017માં ભાજપમાં જોડાયા હતા. 2021માં તેમણે ભાજપના ઉમેદવાર તરીકે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી જીતી હતી. જો કે, ત્યાર બાદ તરત જ તેઓ રાતોરાત વિધાનસભામાંથી રાજીનામું આપ્યા વિના તૃણમૂલ કોંગ્રેસમાં પાછા ફર્યા હતાં.
મુકુલ રોયે આપ્યું મોટું નિવેદન
મુકુલ રોયે કહ્યું હતું કે, અમે હજુ પણ ભાજપમાં છીએ. ભાજપ કોઈ પણ કામ આપશે તો કરશે. હું ભાજપમાં હતો, ભાજપમાં છું અને ભાજપમાં જ રહીશ. TMC યોગ્ય સ્થાન નથી. મારા દીકરાએ સાચું કહ્યું હતું કે, મારી તબિયત સારી નથી, પણ હવે હું સાજો થઈ રહ્યો છું. તેમણે એમ પણ કહ્યું હતું કે, જેપી નડ્ડા અને અમિત શાહ સાથે હજુ સુધી કોઈ વાતચીત થઈ નથી. મારા પુત્રના ભ્રષ્ટાચારના કેસમાં મારી પાસે કોઈ સેટિંગ નથી, મારી પાસે આપવા માટે કોઈ જવાબ નથી. પુત્ર આનો જવાબ આપશે.