Bharat Biotech Covid Vaccine: WHO ચાલુ સપ્તાહે ભારત બાયોટેકની કોરોના વેક્સિન Covaxinને આપી શકે છે મંજૂરી
ફાઈઝર, એસ્ટ્રાજેનેકા, મોર્ડના, જોનસન એન્ડ જોનસન, સિનોવે તથા સિનોફોર્મને ડબલ્યુએચઓ દ્વારા ઈમરજન્સી યૂઝ લિસ્ટિંગ આપવામાં આવ્યું છે. સૂત્રોનું કહેવું છે કે WHO ચાલુ મહિને કોવેક્સિનને મંજૂરી આપી શકે છે.
Coronavirus Vaccine News: વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન ચાલુ સપ્તાહે ભારત બાયોટેકની કોરોના વેક્સિન કોવેક્સિનને મંજૂરી આપી શકે છે. સૂત્રો દ્વારા આ માહિતી સામે આવી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન તરફથી કોવેક્સિન તરફથી હજુ સુધી ઈમરજન્સી યૂઝ લિસ્ટિંગ મળ્યું નથી. આ પહેલા ભારત બાયોટેકે સંગઠન પાસે જુલાઈ મહિનામાં તમામ જરૂરી દસ્તાવેજો અને ટ્રાયલ સાથે જોડાયેલા ડેટા ઉપલબ્ધ કરાવ્યા હતા. હવે સૂત્રોનું કહેવું છે કે WHO ચાલુ મહિને કોવેક્સિનને મંજૂરી આપી શકે છે.
કોવેક્સિનના ઈમરજન્સી યૂઝ માટે ટેક્નિકલ એક્સપર્ટ દ્વારા સમીક્ષા કરવામાં આવતી હતી. ડબલ્યુએચઓના દક્ષિણ-પૂર્વ એશિયાના ડિરેક્ટર ડો. પૂનમ ખેત્રપાલ સિંહે જુલાઈમાં જણાવ્યું હતું કે, ટેકનોલોજી એક્સપર્ટ સમિતિ ડોઝિયરની સમીક્ષા કરી રહી છે. ફાઈઝર, એસ્ટ્રાજેનેકા, મોર્ડના, જોનસન એન્ડ જોનસન, સિનોવે તથા સિનોફોર્મને ડબલ્યુએચઓ દ્વારા ઈમરજન્સી યૂઝ લિસ્ટિંગ આપવામાં આવ્યું છે.
કોવેક્સિને ડબલ્યુએચઓ પાસે ઈમરજન્સી યૂઝ લિસ્ટિંગની માંગ કરી હતી. આ મામલે ડબલ્યુએચઓ પહેલા જ કંપની સાથે બેઠક કરી ચુક્યું છે. સોમવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 27,254 નવા કેસ નોંધાયા છે અને 219 લોકોના મોત થયા છે. જ્યારે 37,687 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. દેશમાં રિકવરી રેટ 97થી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કેસ પૈકી 74 ટકા જેટલા કેસ માત્ર કરેળમાં જ નોંધાયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ આજે નોંધાયેલા કુલ કેસ પૈકી 20,240 કેસ માત્ર કેરળમાં જ નોંધાયા છે. આ ઉપરાંત કેરળમાં જ 67 લોકોના કોરોનાથી મોત થયા છે અને 29,710 લોકો કોરોના મુક્ત થયા છે. કેરળમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 2,22,255 છે. જ્યારે કુલ 41,30,065 લોકો કોરોનાથી ઠીક થયા છે. કુલ મૃત્યુ આંક 22,551 છે. જ્યારે ટેસ્ટ પોઝિટિવિટી રેટ 17.5 ટકા છે.
દેશમાં કોરોનાની શું છે સ્થિતિ
- કુલ કેસઃ 3 કરોડ 32 લાખ 64 હજાર 175
- કુલ ડિસ્ચાર્જઃ 3 કરોડ 24 લાખ 47 હજાર 032
- કુલ એક્ટિવ કેસઃ 3 લાખ 74 હજાર 269
- કુલ મોતઃ 4 લાખ 42 હજાર 874
દેશમાં કેટલા લોકોને અપાઈ રસી
કોરોનાની ત્રીજી લહેરના ખતરા વચ્ચે રસીકરણના મોરચેથી એક સારા સમાચાર આવ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 74,38,37,647 લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 53,38,643 લોકોને રસી અપાઈ હતી.