Zydus Cadila Vaccine: કઈ રીતે આપવામાં આવશે જાયડસ કેડિલાની રસી, કંપનીના એમડીએ એબીપી ન્યૂઝ સાથે કરી ખાસ વાતચીત
જાયડસ કેડિલા (Zydus Cadila)ની વેક્સિન જાયકોવ-ડી (ZyCoV-D) ને ભારતમાં ઈમરજન્સી ઉપયોગની મંજૂરી મળી ગઈ છે.
Zydus Cadila Vaccine: કોરોના વાયરસના સંક્રમણ સામેની લડાઈમાં ભારતને વધુ એક સફળતા મળી છે. જાયડસ કેડિલા (Zydus Cadila)ની વેક્સિન જાયકોવ-ડી (ZyCoV-D) ને ભારતમાં ઈમરજન્સી ઉપયોગની મંજૂરી મળી ગઈ છે. આ સાથે જ ભારત પાસે હવે કોરોના વાયરસની છ વેક્સિન થઈ ગઈ છે. જેને લઈને જાયડસ કેડિલાના મેનેજિંગ ડાયરેક્ટર ડૉ શર્વિલ પી પટેલે એબીપી ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી.
આ વેક્સિનની ખાસીયત શું છે ?
ડૉ શર્વિલ પી પટેલે એબીપી ન્યૂઝને કહ્યું કે આ દેશ માટે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે અમને જાયકોવ-ડીના ઈમરજન્સી ઉપયોગની મંજૂરી મળી છે. આ દુનિયાની પ્રથમ ડીએનએ પ્લાસમિડ વેક્સિન છે. ઘણા વૈજ્ઞાનિકો સાથે કામ કર્યા બાદ તેને તૈયાર કરવામાં આવી છે. 28 હજાર વિષયો પર સ્ટડી કર્યા બાદ અમને આ અપ્રૂવલ મળી છે.
જાયડસ કેડિલાના મેનેજિંગ ડાયેરક્ટરે કહ્યું કે આ વેક્સિન 25 ડિગ્રીના તાપમાન પર પણ ત્રણથી ચાર મહિનાઓ સુધી સ્ટેબલ રહે છે. ક્યારેક ક્યારેક એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા દરમિયાન વેક્સિન ફ્રીઝ થઈને બગડી જાય છે પરંતુ આ વેક્સિન સાથે એવું નથી બનતું. આના ટ્રાયલના પરીણામ સારા છે.
આ વેક્સિનમાં નિડલની જરુર નથી
ડૉ શર્વિલ પી પટેલે જણાવ્યું કે આ વેકિસનને સ્કિનના અપર લેયર પર હાઈ પ્રેસર જેટથી આપવામાં આવે છે. એક ડિવાઈસ આવે છે જેના માધ્યમથી વેક્સિનને સ્કિનના અપર લેયરમાં આપવામાં આવે છે. 100 માઈક્રો લીટરની એક બૂંદ હોય છે, જેનો ખૂબ જ નાનકડો ડોઝ આવે છે.
શું બાળકો માટે આ વેક્સિન ઉપલબ્ધ છે ?
આ પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે આજના ઈમરજન્સી અપ્રૂવલ મુજબ 12 વર્ષથી મોટી ઉંમરના માટે મંજૂરી મળી છે. આગળ જઈને અમે એક નવી ટ્રાયલ શરુ કરીશું જેમાં ત્રણ વર્ષથી બાર વર્ષ સુધીના બાળકો હશે. તેના માટે પણ અમે આગળ પ્રયાસ કરી રહ્યા છીએ.
ક્યાં સુધીમાં ઉપલબ્ઘ થઈ જશે વેક્સિન?
ડૉ શર્વિલ પી પટેલે કહ્યું કે હાલ નાના સ્તર પર ઉત્પાદન થઈ રહ્યું છે. આશા છે કે અમે ઓક્ટોબરથી એક કરોડ ડોઝ બનાવવાના પ્રયાસ કરીશું. સપ્ટેમ્બરના અંત સુધીમાં શરુઆતમાં થોડા ડોઝ બનાવી શકીએ છીએ અને આપી શકીએ છીએ. નવેમ્બરથી ફુલ ફ્લેઝ્ડ રસી આપી શકીશું. નવેમ્બરથી એક કરોડ ડોઝ બાળકો માટે ઉપલબ્ધ થઈ શકે છે.