International Labour Day 2023: જાણો 1 મેના દિવસે કેમ મનાવાય છે મજુર દિવસ, શું છે તેનો ઇતિહાસ અને હેતુ
દેશ અને દુનિયામાં દર વર્ષે 1 મેના રોજ મજૂર દિવસની ઉજવણી કરવામાં આવે છે. શ્રમિકો અને કામદારોના સન્માનના હેતુથી દર વર્ષે મે મહિનાનો એક દિવસ તેમને સમર્પિત કરવામાં આવે છે.
International Labour Day 2023: દેશ અને દુનિયામાં દર વર્ષે 1 મેના રોજ મજૂર દિવસની ઉજવણી કરવામાં આવે છે. શ્રમિકો અને કામદારોના સન્માનના હેતુથી દર વર્ષે મે મહિનાનો એક દિવસ તેમને સમર્પિત કરવામાં આવે છે.
મજૂર દિવસ માત્ર કામદારોને સન્માનવાનો દિવસ નથી, પરંતુ આ દિવસ મનાવવાનો હેતુ શ્રમિકોને તેમના અધિકારો માટે જાગૃત કરવાનો પણ છે. જેથી તેમને સમાન અધિકાર મળી શકે. તો ચાલો જાણીએ શું છે આ દિવસનો ઈતિહાસ અને આ દિવસની ઉજવણીનો હેતુ
શા માટે 1લી મેના રોજ મજૂર દિવસ ઉજવવામાં આવે છે?
1 મે 1886ના રોજ અમેરિકામાં આંદોલન શરૂ થયું. આ આંદોલનમાં અમેરિકાના મજૂરો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને તેઓએ પોતાના અધિકાર માટે અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું હતું. આવા આંદોલનનું કારણ કામના કલાકો હતા કારણ કે મજૂરોને દિવસમાં 15-15 કલાક કામ કરાવવામાં આવતું હતું. આંદોલનની વચ્ચે પોલીસે કામદારો પર ગોળીબાર કર્યો અને ઘણા કામદારોએ જીવ ગુમાવ્યો તો 100 થી વધુ કામદારો ઘાયલ થયા હતા. આ ચળવળના ત્રણ વર્ષ પછી, 1889 માં, આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદની બેઠક મળી. જેમાં દરેક મજૂર પાસેથી એક દિવસમાં માત્ર 8 કલાક કામ લેવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ કોન્ફરન્સમાં જ 1લી મેના રોજ મજૂર દિવસની ઉજવણી કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. આ સાથે દર વર્ષે 1લી મેના રોજ રજા આપવાનું પણ નક્કી કરાયું હતું. અમેરિકામાં આઠ કલાક કામ કરતા કામદારોના નિયમ બાદ ઘણા દેશોમાં આ નિયમ લાગુ કરવામાં આવ્યો હતો.
ભારતમાં ક્યારે શરૂ થયું
અમેરિકામાં 1 મે, 1889ના રોજ લેબર ડે મનાવવાનો પ્રસ્તાવ આવ્યો હોવા છતાં. પરંતુ તે લગભગ 34 વર્ષ પછી ભારત આવ્યો હતો. ભારતમાં મજૂર દિવસની ઉજવણી 1લી મે 1923ના રોજ ચેન્નાઈથી શરૂ થઈ હતી. આ નિર્ણય લેબર કિસાન પાર્ટી ઓફ હિન્દુસ્તાનની અધ્યક્ષતામાં લેવામાં આવ્યો હતો. આ બેઠકને અનેક સંસ્થાઓ અને સામાજિક પક્ષોનું સમર્થન મળ્યું હતું. જેઓ મજૂરોના અત્યાચાર અને શોષણ સામે અવાજ ઉઠાવી રહ્યા હતા. ડાબેરીઓ તેનું નેતૃત્વ કરી રહ્યા હતા.
શું છે મજૂર દિવસનો હેતુ?
દર વર્ષે 1 મેના રોજ મજૂર દિવસ મનાવવાનો હેતુ મજૂરો અને કામદારોની સિદ્ધિઓ અને યોગદાનને સન્માનવાનો છે. આ સાથે મજૂરોના હક અને અધિકાર માટે આપણે અવાજ ઉઠાવવો પડશે અને શોષણ બંધ કરવું પડશે. આ દિવસે, ઘણી સંસ્થાઓમાં કર્મચારીઓને એક દિવસની રજા આપવામાં આવે છે.