Jamnagar: જોડીયા ખાતે પાણીના પ્રવાહમાં ફસાયેલા 8 વ્યક્તિઓને બચાવવા દેવદૂત બનીને આવ્યા સેનાના જવાનો
Jamnagar: જામનગર આર્મી સ્ટેશનની ટુકડીએ તાત્કાલિક જોડીયા પહોંચી આઠ વર્ષથી નીચેના છ બાળકો સહિત આઠ લોકોને હેમખેમ ઉગાર્યા હતા.
Jamnagar: જામનગર જિલ્લામાં થયેલ અતિવૃષ્ટિના કારણે અનેક વિસ્તારો અસરગ્રસ્ત થયેલ છે. જિલ્લામાં આર્મી, એન.ડી.આર.એફ., એસ.ડી.આર.એફ. તથા જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યાના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર ઓછામાં ઓછી જાનહાની થાય તે માટે સતત પ્રયાસરત છે. ત્યારે જોડીયામાં ચાર દિવસથી ફસાયેલા એક આઠ સભ્યોના પરિવાર માટે તંત્ર તથા ભારતીય સેના દેવદૂત સાબિત થઈ છે.
ઘટનાની વિગત પ્રમાણે ધ્રોલ પ્રાંત અધિકારીએ જામનગર 27 મદ્રાસના કમાન્ડિંગ ઓફિસરને દુરવાણી સંદેશ મારફત જણાવેલ કે આઠ સભ્યોનો એક પરિવાર જામનગર જિલ્લાના જોડીયા ગામમાં ભારે વરસાદના કારણે ફસાઈ ગયો છે. સંદેશો મળતા જ ફસાયેલા લોકોને બચાવવા માટે સંપૂર્ણ બચાવ સાધનો સાથે મેજર આનંદની રાહબરી હેઠળની એક ટીમ જામનગર મિલિટરી સ્ટેશનથી તાત્કાલિક જોડીયા જવા રવાના થઈ હતી.
આર્મી ટીમને સ્થળ પર પહોંચતા જાણવા મળ્યું કે અહીં કુલ આઠ વ્યક્તિઓ ફસાયેલા છે જેમાં આઠ વર્ષથી નીચેના છ બાળકોનો પણ સમાવેશ થાય છે અને આ લોકો છેલ્લા ચાર દિવસથી આ સ્થળે ફસાયેલા છે. સ્થાનિક પ્રશાસને આ લોકોને બહાર કાઢવા ખૂબ પ્રયત્નો કરેલ જે બાદ આર્મીની મદદ લેવાની જરૂરિયાત ઉભી થઈ હતી.
સ્થિતિની ગંભીરતાને સમજી યુદ્ધના ધોરણે જામનગરથી જોડીયા પહોંચેલી આ ટીમે તમામ સંસાધનો કામે લગાડી, ધસમસતા પ્રવાહનો સામનો કરી, ભારે જહેમત બાદ આ તમામ આઠ વ્યક્તિઓને હેમખેમ બચાવી લીધા હતા અને તમામને આરોગ્ય કેન્દ્ર જોડિયા ખાતે મોકલવામાં આવ્યા હતા.