જામનગરમાં એરફોર્સના હેલીકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ, અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા
ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરને સોમવારે જામનગર જિલ્લામાં એક ડેમ નજીક ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. પોલીસે આ માહિતી આપી હતી.

જામનગર: ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરને સોમવારે જામનગર જિલ્લામાં એક ડેમ નજીક ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. પોલીસે આ માહિતી આપી હતી. જો કે હેલિકોપ્ટરમાં કેટલા લોકો સવાર હતા તે તાત્કાલિક જાણી શકાયું ન હતું, પરંતુ પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ પુષ્ટિ કરી હતી કે કોઈ જાનહાનિ થઈ નથી.
રંગમતી ડેમ પાસે ઈમરજન્સી લેન્ડિંગ
સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, હેલિકોપ્ટરનું જામનગર એરફોર્સ સ્ટેશનથી લગભગ 22 કિમી દૂર રંગમતી ડેમ નજીક એક ગામની સીમમાં સવારે 11 વાગ્યે ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ કહ્યું, "રંગમતી ડેમ પાસે કેટલીક સમસ્યાઓના કારણે ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરને ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી."
વાયુસેનાના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા
પોલીસે પત્રકારોને જણાવ્યું કે ભારતીય વાયુસેનાના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને તપાસ શરૂ કરી છે. આ ઘટના અંગે વાયુસેનાએ હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી.
જગુઆર 2 એપ્રિલની રાત્રે ક્રેશ થયું હતું
2 એપ્રિલની રાત્રે જામનગરમાં જ ભારતીય વાયુસેનાનું જગુઆર ફાઈટર પ્લેન ક્રેશ થયું હતું. વિમાનમાં બે પાઈલટ હતા, જેમાંથી એક સુરક્ષિત રીતે બહાર નીકળી ગયો હતો, જ્યારે બીજાનું સારવાર દરમિયાન મોત થયું હતું. શહીદ ફ્લાઇટ લેફ્ટનન્ટ સિદ્ધાર્થ યાદવ હરિયાણાના રેવાડીના રહેવાસી હતા. સિદ્ધાર્થે આ વર્ષે 23 માર્ચે સગાઈ કરી હતી. હરિયાણાના સીએમ નાયબ સિંહ સૈનીએ તેમની શહાદત પર શોક વ્યક્ત કર્યો હતો.
જામનગર નજીક સુવરડા ગામની સીમમાં આ ફાઈટર પ્લેન ક્રેશ થયું હતું. પ્લેન ક્રેશ થયા બાદ ભયંકર આગ લાગી હતી. ફાયર વિભાગ સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્લેનના ટુકડા થઈ ગયા હતા. પ્લેન ક્રેશ થતાની સાથે જ વિકરાળ આગ ફેલાઈ હતી. જેમા આ આગને કારણે દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા ઉડતા નજરે પડ્યા હતા. ઘટનાની જાણ થતા જ કલેક્ટર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોચી ગયા હતા.
નવેમ્બરમાં ઉત્તર પ્રદેશના આગ્રામાં એક મિગ પ્લેન ક્રેશ થયું હતું. જોકે, પાયલોટ દુર્ઘટના દરમિયાન પ્લેનમાંથી સુરક્ષિત રીતે બહાર નિકળવામાં સફળ રહ્યો હતો. ઓક્ટોબરમાં, મહારાષ્ટ્રના પુણેના પિંપરી ચિંચવડ શહેરમાં બાવધન બુદ્રુક ગામ પાસે એક ખાનગી હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. હેલિકોપ્ટરમાં સવાર ત્રણેય લોકોના મોત થયા હતા.





















