(Source: ECI/ABP News/ABP Majha)
Jamnagar: જામનગરમાં ગરબાની પ્રેક્ટિસ કરતા સમયે આવ્યો હાર્ટ અટેક, 19 વર્ષના યુવકનું મોત
Jamnagar: યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયો હતો.
Jamnagar: જામનગરમાં હાર્ટ અટેકથી 19 વર્ષીય યુવકનું મોત થયું છે. મળતી જાણકારી અનુસાર, જામનગરમાં ગરબાની પ્રેક્ટિસ દરમિયાન 19 વર્ષીય વિનિત કુંવરીયાનું હાર્ટ અટેકથી મોત થયું હતું. પટેલ પાર્ક વિસ્તારના ગરબા ક્લાસમાં આ ઘટના બની હતી. યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયો હતો.
પટેલ પાર્ક વિસ્તારમાં રહેતા વિનીત કુંવરિયા નામના યુવકને ગરબાની પ્રેક્ટિસ દરમિયાન હાર્ટ અટેક આવતા તેનું મોત થયું હતું. તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. યુવાનન મોતને પગલે તેના પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.
તાજેતરના દિવસોમાં ગુજરાતમાં હાર્ટ અટેકના કારણે મોત થયાની ઘટનાઓમાં વધારો થયો છે. તાજેતરમાં જ રાજકોટમાં ત્રણ વ્યક્તિના હાર્ટ અટેકથી મોત થયા હતા તો બીજી તરફ સુરત, જૂનાગઢ, ભાવનગર અને મોરબીમાં એક એક વ્યક્તિનું મોત થયું હતુ. નાની ઉંમરે સતત વધી રહેલા હાર્ટ એટેકના કેસોથી લોકોમાં ચિંતા વધી છે.
આ મહિનામાં જ જૂનાગઢમાં દાંડીયારાસની પ્રેક્ટિસ દરમિયાન યુવાનનું મોત થયું હતું. મૃતકના પરિજન દ્વારા આપવામાં આવેલા નિવેદન અનુસાર નવરાત્રિની પ્રેક્ટિસ દરમિયાન યુવાન જમીન પર ઢળી પડ્યો હતો. જે બાદ ચિરાગ પરમાર નામના ૨૪ વર્ષીય યુવાનનું મોત નિપજ્યું હતું. જમીન પર ઢળી પડતાં યુવાનને હોસ્પિટલો ખસેડાયો હતો. જો કે, હોસ્પિટલમાં હાજર ડોક્ટરે યુવાનને મૃત જાહેર કર્યો હતો.
તો બીજી તરફ ભાવનગર શહેરમાં ગોરધનભાઈ સોલંકી નામના 32 વર્ષિય યુવકનું હાર્ટ અટેકના કારણે મોત થયું હતું. રત્ન કલાકાર તરીકે કામ કરતા ગોરધનભાઈ સોલંકીને અચાનક છાતીમાં દુખાવો ઉપાડતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત થયું હતું. મૃતક યુવાનના એક વર્ષ પહેલા જ લગ્ન થયા હતા.
મોરબીમાં પણ યુવકનું હાર્ટ અટેકથી મોત થયું હતું. જીઓગ્રેસ કારખાનામાં કામ કરતા કામદારનું હાર્ટ અટેકથી મોત થયું હતું. 37 વર્ષીય વિક્રમસિંહનું હાર્ટ અટેકથી મોત થતા પરિવારમાં માતમ છવાયો હતો.
તાજેતરમાં જ સુરતના પાંડેસરામાં કાપડ મિલમાં સુપરવાઇઝર તરીકે કામ કરતા 43 વર્ષીય શોભરાજ દુરીયા નામના વ્યક્તિનું હાર્ટ અટેકથી મોત નીપજ્યું હતું. શોભરાજને છાતીના ભાગે દુખાવો થતાં ઢળી પડ્યાં હતા. શોભરાજ પાંડેસરા ખાતે ખાનગી મિલમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરી રહ્યા હતા. આ દરમિયાન તેમને અચાનક જ છાતીના ભાગે દુખાવો થયો હતો. તેમના સાથી કર્મચારીઓ દોડી આવ્યા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે નજીકમાં આવેલી ખાનગી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ મૃતક જાહેર કર્યા હતા