Japan Earthquake Update: જાપાનમાં આવ્યો 6.3 તીવ્રતાનો ભૂકંપ, જાણો કેટલો સુનામીનો ખતરો
જાપાનના મધ્ય ઇશિકાવા ક્ષેત્રમાં આજે (5 મે)ના જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.3 મપાઇ છે.
Japan Earthquake Update: જાપાનના મુખ્ય કેબિનેટ સચિવ હિરોકાઝુ માત્સુનોએ જણાવ્યું કે, અમે ભૂકંપ બાદ પરિસ્થિતિને સંભાળવા માટે કામ કરી રહ્યા છીએ.
જાપાનના મધ્ય ઇશિકાવા ક્ષેત્રમાં આજે (5 મે)ના જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.3 હતી. જાપાનની હવામાન એજન્સી અનુસાર ભૂકંપ બપોરે 2:42 કલાકે આવ્યો હતો. ભૂકંપની ઊંડાઈ પૃથ્વીની સપાટીથી 10 કિમી નીચે નોંધવામાં આવી હતી.
ઇશિકાવા પ્રદેશમાં ભૂકંપ પછી, સ્થાનિક વહીવટીતંત્રે નુકસાનની સમીક્ષા કરી અને ખંડેર ઇમારતોની તપાસ કરી. હવામાન એજન્સીએ કહ્યું કે સુનામીનો કોઈ ખતરો નથી. જાપાનની સમાચાર એજન્સી જીજીએ અહેવાલ આપ્યો છે કે, ઈશિકાવાના પ્રીફેક્ચરલ પોલીસ વિભાગ ક્ષતિગ્રસ્ત ઈમારતોના અહેવાલોની તપાસ કરી રહ્યું છે.
નુકસાનની સમીક્ષા
આ ભૂકંપ ટોક્યોના ઉત્તરપશ્ચિમમાં લગભગ 300 કિલોમીટરના અંતરે સ્થિત જાપાની દરિયાકાંઠાના ઇશિકાવા પ્રીફેક્ચરના નોટો પેનિન્સુલાના ઉત્તરીય છેડે આવ્યો હતો. જાપાનના મુખ્ય કેબિનેટ સચિવ હિરોકાઝુ માત્સુનોએ ભૂકંપ બાદ માહિતી આપી હતી કે અમે ભૂકંપ પછીની પરિસ્થિતિને સંભાળવા માટે કામ કરી રહ્યા છીએ. અમે સ્થાનિક સત્તાવાળાઓ સાથે સંકલન કરીને કટોકટી-આપત્તિના પગલાં અમલમાં મૂકવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છીએ.
મુખ્ય કેબિનેટ સચિવે નાગરિકોને અપીલ કરી
મુખ્ય કેબિનેટ સચિવ હિરોકાઝુ માત્સુનોએ ભૂકંપ પ્રભાવિત વિસ્તારમાં રહેતા લોકોને અપીલ કરી છે. તેમણે લોકોને સ્થાનિક અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર કાર્ય કરવાની સલાહ આપી હતી. આ ઉપરાંત ટેલિવિઝન, રેડિયો અને ઈન્ટરનેટ દ્વારા મળતી માહિતી પર ધ્યાન આપવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.
પશ્ચિમ જાપાન રેલ્વેએ જણાવ્યું હતું કે, ભૂકંપના કારણે નાગાનો અને કનાઝાવા સ્ટેશનો વચ્ચે હોકુરીકુ શિંકનસેન સહિત કેટલીક ટ્રેન લાઇન સ્થગિત કરવામાં આવી હતી. ટોક્યો ઇલેક્ટ્રિક પાવર કંપની હોલ્ડિંગ્સે નિગાતા પ્રીફેક્ચરમાં કાશીવાઝાકી-કરીવા ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં ભૂકંપને કારણે કોઈ નુકસાનની જાણ કરી નથી.