(Source: ECI/ABP News/ABP Majha)
પંજાબમાં હાર્યા પછી રાજ્યસભામાં કોંગ્રેસના વિપક્ષ નેતાના પદ પર ખતરો, જાણો શું થશે
આ વર્ષના અંત સુધીમાં કુલ 75 રાજ્યસભા સીટો માટે ચૂંટણી થવાની છે જેમાંથી 13 સીટોની ચૂંટણીનો કાર્યક્રમ પણ જાહેર થઈ ચુક્યો છે. જેમાંથી 5 સીટો પંજાબ રાજ્યની પણ છે.
5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં મોટા નુકસાન બાદ હવે પંજાબમાં કોંગ્રેસને વધુ એક આંચકો લાગશે. રાજ્યસભા સીટોને લઈને કોંગ્રેસ પાર્ટીને નુકસાન થશે, કારણ કે આ વર્ષના અંત સુધીમાં કુલ 75 રાજ્યસભા સીટો માટે ચૂંટણી થવાની છે જેમાંથી 13 સીટોની ચૂંટણીનો કાર્યક્રમ પણ જાહેર થઈ ચુક્યો છે. જેમાંથી 5 સીટો પંજાબ રાજ્યની પણ છે.
રાજ્યસભાની 13 સીટો માટે ચૂંટણી થવાની છે. જેને લઈને આજે સુચના (નોટીફિકેશન) જાહેર થનાર છે. 31 માર્ચના રોજ આ 13 રાજ્યસભા સીટો પર ચૂંટણી થશે. અસમ, હિમાચલ પ્રદેશ, કેરલ, નાગાલેંડ અને ત્રિપુરાના કુલ 8 સભ્યોનો કાર્યકાળ 2 એપ્રિલે પૂર્ણ થઈ રહ્યો છે. આ સાથે પંજાબ રાજ્યની પણ કુલ 5 સીટો ખાલી થઈ રહી છે. આ 5 સભ્યોનો કાર્યકાળ 9 એપ્રિલના રોજ પુર્ણ થઈ રહ્યો છે.
પંજાબ વિધાનસભા ચૂંટણી હાર્યા પછી કોંગ્રેસને રાજ્યસભાની સીટોમાં નુકસાન થશે. પંજાબ ચૂંટણીમાં વર્ષ 2017માં 77 સીટોથી 2022ની ચૂંટણીમાં 18 સીટો પર કોંગ્રેસ સમેટાઈ ગઈ છે. જેથી રાજ્યસભામાં હાલના પંજાબના કોંગ્રેસના સાંસદોની સંખ્યા આવનારા સમયમાં ટૂટવાની પુરી શક્યતા છે. જેથી આ વર્ષના અંત સુધીમાં રાજ્યસભામાં વિપક્ષના નેતાનું પદ કોંગ્રેસ ગુમાવી શકે છે. કારણ કે, રાજ્યસભામાં કોંગ્રેસની કુલ સીટો 25થી નીચે જઈ શકે છે.
5 રાજ્યોમાં થયેલી વિધાનસભા ચૂંટણીના પરીણામોએ કોંગ્રેસની હાલત ખરાબ કરી દીધી છે. કોંગ્રેસને આ ચૂંટણીમાં ઘણી આશાઓ હતી પણ પંજાબ રાજ્ય પણ કોંગ્રેસના હાથમાંથી નીકળી ગયું છે. પંજાબમમાં કુલ 117 સીટોમાંથી કોંગ્રેસને ફક્ત 18 સીટો જ મળી છે. આ પરીણામોને લઈને કોંગ્રેસ પાર્ટીમાં ભારે ઘમાસાણ પણ સર્જાયું છે. કોંગ્રેસના ખરાબ પ્રદર્શનને લઈને દિલ્લીમાં ગુલામ નબી આઝાદના ઘરે એ કોંગ્રેસ નેતાઓની બેઠક પર થઈ હતી. આ એજ નેતાઓ છે જે કોંગ્રેસ પાર્ટીમાં લાંબા સમયથી નેતૃત્વ પરિવર્તનની માંગ કરી રહ્યા છે. આ નેતાઓના ગૃપને જી-23 નામથી ઓળખવામાં આવે છે.