Rajkot Rain: ધોરાજી પંથકમાં આભ ફાટ્યું, 14 ઈંચ વરસાદથી અનેક ગામડાઓ સંપર્ક વિહોણા
રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. તાલુકાના છાડવાવદરમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. સમગ્ર ગામ સંપર્ક વિહોણું બન્યું છે.
રાજકોટ: રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. તાલુકાના છાડવાવદરમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. સમગ્ર ગામ સંપર્ક વિહોણું બન્યું છે. ગામના અનેક વિસ્તાર અને રસ્તાઓ પર વરસાદી પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો છે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને લઈ અનેક ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે.
રાજકોટના ધોરાજી ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભાડેર, ચિચોડ, નાની મારડ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં જ્યાં જોવો ત્યાં વરસાદી પાણી જોવા મળે છે. ગામના અનેક ઘરોમાં પાણી ફરી વળ્યા છે. ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોની ચિંતા વધી છે. રસ્તા પર પાણી ફરી વળતા ગામ લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
રાજકોટ જિલ્લાના ધોરાજીના હડમતિયાળા અને ભાડાજાળીયા ગામમાં મન મુકીને મેઘરાજા વરસ્યા છે. ગામના મુખ્ય બજારોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. ગામની સીમ અને અનેક ખેતરોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે.
રાજકોટ જિલ્લાના ભોલગામડામાં ભારે વરસાદ વરસ્યો છે. સમગ્ર ગામ પાણી પાણી થયું છે. ગામની વચ્ચેથી નદીની જેમ વરસાદી પાણીનો પ્રવાહ વહેતો જોવા મળ્યો. મંદિર, મકાનો, દુકાનોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે.
ઉપલેટા તાલુકાનો વેણુ- 2 ડેમ 90 ટકા સુધી ભરાયો
રાજકોટ તથા ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદના કારણે ઉપલેટા તાલુકાનો વેણુ- 2 ડેમ સંપૂર્ણ સપાટી નજીક પહોંચ્યો છે. કુલ 54.16 ફૂટની જળસપાટી ધરાવતા વેણુ- 2 ડેમની જળસપાટી 50.85 ફૂટ પર પહોંચી છે. હાલ ડેમમાં ઉપરવાસમાંથી 12 હજાર 607 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. હાલ ડેમનું રૂલ લેવલ જાળવવા આવક જેટલું જ પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમ 90 ટકાથી વધુ ભરાઈ જતા પ્રશાસને સલામતીના ભાગરૂપે ગધેથડ, વરજાંગજાળિયા,નાગવદર, મેખા ટિંબડી, નીલાખા સહિતના નીચાણવાળા ગામને એલર્ટ કરાયા છે. પ્રશાસને નદીના પટ વિસ્તારમાં લોકોને અવરજવર ન કરવા સૂચના આપી છે.
રેલ વ્યવહાર ખોરવાયો
રાજ્યમાં ભારે વરસાદને કારણે રેલ વ્યવહાર ખોરવાયો છે. પોરબંદરમાં ભારે વરસાદને કારણે રેલ વ્યવહારને અસર થઈ છે. 3 ટ્રેનો સંપૂર્ણપણે રદ્દ કરાઈ છે. જ્યારે 3 ટ્રેન આંશિક રીતે રદ જ્યારે 2 ટ્રેન ના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પોરબંદર ભાણવડ પોરબંદર, પોરબંદર ભાવનગર પોરબંદર, પોરબંદર કાનાલુસ પોરબંદર આજના દિવસે સંપૂર્ણપણે રદ રહેશે. રાજકોટ પોરબંદર એક્સપ્રેસ જેતલસર સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે. દિલ્હી સરાઇ રોહિલ્લા એક્સપ્રેસ ટ્રેન ભાણવડ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે.