Rajkot: રાજકોટમાં 40 વર્ષીય ખેડૂતનું હાર્ટ એટેકથી મોત, પરિવારમાં શોકનો માહોલ
જસદણના ભાડલા વેરાવળ ગામે રહેતાં રાયધનભાઇ તળશીભાઇ મેતાડીયા (ઉ.વ.૪૦)ને રાત્રે નવેક વાગ્યે ઘરે હતાં ત્યારે એકાએક છાતીમાં દુઃખાવો ચાલુ થઇ જતાં પરિવારજનોને જાણ કરતાં તુરત સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં
રાજકોટ: રાજ્યમાં હાર્ટ એટેકથી મોત થવાનો સીલસીલો યથાવત છે. આજે વધુ એક વ્યક્તિનું હાર્ટ એટકથી મોત થયું છે. જસદણના ભાડલા વેરાવળ ગામે રહેતાં રાયધનભાઇ તળશીભાઇ મેતાડીયા (ઉ.વ.૪૦)ને રાત્રે નવેક વાગ્યે ઘરે હતાં ત્યારે એકાએક છાતીમાં દુઃખાવો ચાલુ થઇ જતાં પરિવારજનોને જાણ કરતાં તુરત સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ સઘન સારવાર શરૂ કરવામાં આવી હતી. પરંતુ મોડી રાતે દમ તોડી દેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. તબિબે પોલીસ કેસ જાહેર કરતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, જીજ્ઞેશભાઇ મારૂ સહિતે ભાડલા પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર રાયધનભાઇને પાંચ ભાઇ અને એક બહેનમાં છે. તેમને સંતાનમાં એક પુત્ર છે. તેઓ ખેતી કરી ગુજરાન ચલાવતાં હતાં.
રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી તબિયત બગાડતા બાદ અચાનક મોતનો સિલસિલો યથાવત થઇ ગયો છે. રાજ્યમાં આજે પણ બે લોકોના હાર્ટએટેકતી મોત થયા હતા. વડોદરામાં રીક્ષા ચાલકનું હાર્ટ એટેક આવતા મોત થયું હતું. બપોરના સમયે એસ.ટી ડેપો સામે અચાનક રિક્ષામાં જ અટેક આવ્યો હતો. જે બાદ 108ને જાણ કરાઈ હતી અને તબીબોએ તપાસીને તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ સ્થળ પર આવી પહોંચી હતી અને કાયદેસરની કાર્ય હાથ ધરી હતી.
યાર્ડમાં મગફળી વેચવા આવેલો ખેડૂત ઢળી પડ્યો
અરવલ્લીના મોડાસાના સાકરિયાના ખેડૂતનું હાર્ટ એટેકથી મોત થયું છે. યાર્ડમાં મગફળી વેચવા આવેલો ખેડૂત ઢળી પડ્યો હતો. હાર્ટ એટેકનો હુમલો આવતા 43 વર્ષીય ખેડૂત ખાંટ સુખાભાઈ સોમાભાઈનું મોત થયું હતું. ખેડૂતના મોતથી ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
હાર્ટ એટેક અંગે જાહેર કરવામાં આવેલ સરકારી ડેટા ચેતવણી આપનારો છે. આજે ખરાબ જીવનશૈલી અને ખાનપાનને કારણે હાર્ટ એટેકનો ખતરો ઝડપથી વધી રહ્યો છે. ભારતમાં છેલ્લા ત્રણ વર્ષમાં હાર્ટ એટેકથી મૃત્યુ પામનારાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. નિષ્ણાતોના મતે, કોવિડ 19 પછી હૃદય રોગનું જોખમ અનેકગણું વધી ગયું છે. NCRB દ્વારા જારી કરાયેલા નવા આંકડા મુજબ, પાછલા વર્ષ 2022માં જ હાર્ટ એટેકના કેસમાં 12.5%નો વધારો થયો છે.
સરકારી આંકડા મુજબ 2022માં હાર્ટ એટેકના કારણે 32,457 લોકોના મોત થયા હતા, જ્યારે 2021માં હાર્ટ એટેકના કારણે 28,413 લોકોના મોત થયા હતા. ઈન્ડિયા ટુડેના એક રિપોર્ટ અનુસાર, 2022માં જ હાર્ટ એટેક અચાનક મૃત્યુનું ગંભીર કારણ બની ગયું છે. 2020 માં, 28,579 લોકો મૃત્યુ પામ્યા હતા પરંતુ 2021 માં આ સંખ્યા ઘટીને 28,413 પર પહોંચી હતી પરંતુ 2022 માં તે ફરી વધી અને સંખ્યા વધીને 32,457 થઈ ગઈ.