રૂપાણીએ સ્ટેજ પર જ ભાજપના કયા ધારાસભ્યને ધમકાવ્યા, મોકરિયા વચ્ચે પડ્યા તો તેમને પણ કહ્યું, તમે બેસી જાવ
હવે આ વીડિયો મુદ્દે ખૂદ ભાજપના સાંસદ રામભાઈ મોકરિયાએ ધડાકો કર્યો છે. તેમણે કહ્યું કે, સ્ટેજ પર વિજયભાઈ રૂપાણી ગોવિંદ પટેલને ધમકાવતા હતા. પત્રિકામાં નામ છાપવાની બાબતે વિવાદ હતો.
રાજકોટઃ ગઈ કાલે રાજકોટમાં ભાજપના સ્નેહ મિલનમાં ધારાસભ્ય ગોવિંદ પટેલ અને વિજય રૂપાણીનો તકરારનો વીડિયો વાયરલ થતાં ભારે ખળભળાટ મચી ગયો છે. હવે આ વીડિયો મુદ્દે ખૂદ ભાજપના સાંસદ રામભાઈ મોકરિયાએ ધડાકો કર્યો છે. તેમણે કહ્યું કે, સ્ટેજ પર વિજયભાઈ રૂપાણી ગોવિંદ પટેલને ધમકાવતા હતા. પત્રિકામાં નામ છાપવાની બાબતે વિવાદ હતો. હું તેમને આ અંગે કહેવા ગયો તો તેમણે કહ્યું, હું ગોવિંદભાઈ સાથે વાત કરું છું. તમે બેસી જાવ. તેમણે કહ્યું કે, વિજયભાઈ તમે મુખ્યમંત્રી રહી ચૂક્યા છો. અત્યારે મીડિયા સામે છે અને કાર્યકરો પણ છે, ત્યારે જાહેરમાં આવું કરવું યોગ્ય નથી.
રાજકોટમાં સોમવારે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીની હાજરીમાં ભાજપનું સ્નેહમિલન યોજાયું હતું. જો કે આ સ્નેહ મિલનની આમંત્રણ પત્રિકામાં સત્તામાં બેઠેલા સિનિયરના નામો ભૂલાતાં વિવાદ થયો છે.
આ આમંત્રણ પત્રિકામાં રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા, સાંસદ મોહનભાઈ કુંડારિયા અને ધારાસભ્ય ગોવિંદ પટેલનું નામ નહોતું. તેના પગલે ભાજપનો આંતરવિગ્રહ સામે આવ્યો હોવાની ચર્ચા છે. ભાજપના બીજા જૂથનું સ્નેહમિલન પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં 20 નવેમ્બરે યોજાશે. રાજકોટમાં જ બે સ્નેહમિલન યોજાવાનાં છે તેના કારણે વિવાદ છે જ ત્યાં હવે આ નવો વિવાદ ઉભો થયો છે.
રાજકોટ શહેર ભાજપ દ્વારા આ કાર્યકર્તા સ્નેહ મિલન યોજવામાં આવ્યું હતું. રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ ઉપર ખુલ્લા પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા સ્નેહ મિલન સમારોહમાં વિવિધ મોરચાના કાર્યકરો, મહિલા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સ્નેહ મિલન સમારોહમાં રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા, ધારાસભ્ય ગોવિંદ પટેલ, કશ્યપ શુક્લ, જીતુભાઇ મહેતા, કમલેશ મીરાણી, ધનસુખ ભંડેરી મેયર પ્રદીપ દવ, પ્રવકતા રાજુભાઇધ્રુવ ,ઉદય કાનગડ, સહ પ્રભારી સુધીર ગુપ્તા, જીતુભાઇ વાઘણી અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ઝવેરીભાઈ ઠકરાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.