Gujarat Weather Update: રાજ્યના અનેક વિસ્તારમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ, ધોધમાર વરસાદથી નદીઓમાં પૂર આવ્યા
Gujarat Weather Update: હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં આજે કમોસમી વરસાદ પડ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના અમરેલી અને બનાસકાંઠામાં કમોસમી વરસાદે ભારે નુકસાની વેરી છે. ખેડૂતોને પડ્યા પાટુ જેવો ઘાટ થયો છે.
Gujarat Weather Update: હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં આજે કમોસમી વરસાદ પડ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના અમરેલી અને બનાસકાંઠામાં કમોસમી વરસાદે ભારે નુકસાની વેરી છે. ખેડૂતોને પડ્યા પાટુ જેવો ઘાટ થયો છે.
અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદે વર્તાવ્યો કહેર
અમરેલી રાજુલા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. રાજુલાના મોરંગી, દેવકા, છતડીયા, ધારેશ્વર સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. ભારે વરસાદને પગલે મોરંગી ગામની રામતલીયા નદીમાં પુર આવ્યું છે. ડુંગર, માંડણ વિસ્તારમાં વરસાદ આવતા નદીમાં પુર આવ્યું છે. તો બીજી તરફ ધારી ગીર પંથકમાં ઢળતી સંઘ્યાએ કમોસમી વરસાદ શરૂ થયો હતો. ધારીના જર, મોરજર, સરસીયા સહિતના ગામડાઓમાં વરસાદ પડ્યો હતો. સતત આઠમાં દિવસે ધારી ગીરને ધમરોળતા કમોસમી વરસાદે લોકોની હાલત ખરાબ કરી છે.
ખાંભા ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાની વેઠવી પડી છે. બપોર બાદ ખાંભાના ગ્રામ્ય વિસ્તારોમાં પલટો આવ્યો હતો. મોટા બારમણ, નાના બારમણ, ચોતરા ભુંડની, વાંગ્ધ્રા ભાડ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદ પડતા ખેડૂતો ચિંતિત બન્યા છે.
સુરેન્દ્રનગર વિસ્તારમાં વરસાદી માહોસ
ધ્રાંગધ્રા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. ધ્રાંગધ્રા શહેરી વિસ્તાર સહિત આસપાસના ગામો નરાળી, કોપરણી સતાપર, બાવરી, જસાપર, હરીપર દુદાપુર, નવલગઢ વગેરે ગામોમાં કમોસમી વરસાદ નોંધાયો હતો. ગાજવીજ અને પવન સાથે કમોસમી વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતા વધી છે. ધાંગધ્રા માર્કેટિંગ યાર્ડમાં મોટા પાસે જણસ પલળી જતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ધાંગધ્રા માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં પડેલી જણસીની બોરીઓ પલળી ગઈ હતી.
ભાવનગર જિલ્લામાં પણ કમોસમી વરસાદ
ધોધમાર કમોસમી વરસાદ વરસતા જેસર તાલુકાની નદીમાં પુર આવ્યું છે. જેસર તાલુકા પંથકમાં સતત પાંચ દિવસથી પડી રહેલ વરસાદના કારણે માલણ નદી બે કાંઠે વહેવા લાગી છે. તાલુકા પથકનાં ગ્રામ્ય વિસ્તારમાં અવિરત પડી રહેલા વરસાદથી ખેડૂતોના ખેતરોમાં વરસાદી પાણી ભરાયા છે. માલણ નદીમાં નવા નીર આવતા માલણ ડેમમાં પાણીની આવક વધી છે.
બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ
ભાભરમાં વાવાઝોડા સાથે વરસાદ પડ્યો છે. જોરદાર વાવાજોડાથી બેનરો ઉડવા લાગ્યા હતા. ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો. ભાભરમાં સાંજના સમયે વરસાદી ઝાપટું આવ્યું હતું. કમોસમી વરસાદથી ધરતીપુત્રો ચિંતિત બન્યા છે.
બનાસકાંઠા જિલ્લાના વાવ,થરાદ અને લાખણી તાલુકામાં પાંચમા દિવસે કમોસમી વરસાદ પડ્યો છે. વાવના કુંડાળિયા,માવસરીના રાધા નેસડા સહિતનાં ગામોમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. થરાદના રાહ, મેઘપૂરા, સિધોતરા સહિતનાં ગામોમાં કમોસમી વરસાદ નોંધાયો છે. જિલ્લાનાં સરહદી વિસ્તારમાં છેલ્લાં પાંચ દિવસથી છૂટો છવાયો કમોસમી વરસાદ પડી રહ્યો છે.