(Source: ECI/ABP News/ABP Majha)
Heart Attack: રાજકોટમાં વધુ એક હૃદય બંધ પડ્યું, હાર્ટ અટેકથી 54 વર્ષની વયે ગુમાવી જિંદગી
રાજ્યમાં હાર્ટ એટેકના કારણે મોત થવાનો સિલસિલો યથાવત છે. રાજકોટમાં છેલ્લા એક અઠવાડીયામાં છથી વધુ લોકોના હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયા છે.
રાજકોટ: રાજ્યમાં હાર્ટ એટેકના કારણે મોત થવાનો સિલસિલો યથાવત છે. રાજકોટમાં છેલ્લા એક અઠવાડીયામાં છથી વધુ લોકોના હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયા છે. વધુ એક વ્યક્તિનું હૃદય બંધ પડી જતા મોત થયું છે. ગાંધીગ્રામ ગૌતમનગર-5માં રહેતાં મનોજભાઇ વાગડીયા (ઉ.વ.54) રાત્રીના 9 વાગ્યા આસાપસ હનુમાન મઢી પાછળ શિવપરામાં પોતાના સબંધીને ત્યાં પાણીઢોળ વિધીના જમણવારમાં ગયા હતાં. ત્યાં અચાનક જ ઢળી પડતાં મોત થયું છે.
મનોજભાઇ વાગડીયા રાત્રિના 9 વાગ્યા આસપાસ સબંધીના ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહી તેમનુ મોત થયું હતું. મૃતક મનોજભાઇને સંતાનમાં બે દિકરાર અને બે દિકરી છે. પોતે સિવિલ હોસ્પિટલમાં રિક્ષાના ફેરા કરતાં હતાં.
રાજકોટમાં ધોરણ 10ના છાત્રનું હાર્ટ એટેકથી મોત થયુ હતું
થોડા દિવસ પહેલા જ રાજકોટમાં પણ ધોરણ 10ના છાત્રનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું. હૈદરાબાદમાં ગુરુકુળમાં અભ્યાસ કરતો સગીર દિવાળીનું વેકેશન કરવા ઘરે આવ્યો હતો પિતાના બાઈક પાછળ બેસી હેર કટિંગ કરાવી ઘરે જતી વખતે ચાલું બાઈકે એટેક આવતા નીચે પટકાયો હતો એકના એક પુત્રના મોતથી પરિવારમાં કરૂણ કલ્પાંત સર્જાયો હતો. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં કોઠારીયા મેઇન રોડ ઉપર શ્યામ હોલ પાસે આવેલી શ્રદ્ધા સોસાયટીમાં રહેતા પૂજન અમિતભાઈ ઠુંમર નામનો 15 વર્ષનો સગીર તેના પિતા અમિતભાઈ ઠુંમરના બાઈક પાછળ બેસી મવડી મેઇન રોડ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ચાલુ બાઈકે પૂજન ઠુંમર નીચે પટકાયો હતો પુજન ઠુંમરને બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે પૂજન ઠુંમરનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હોવાનું જાહેર કરતાં પરિવારમાં અરેરાટી સાથે કરુણ કલ્પાંત સર્જાયો હતો.
થોડા મહિના પહેલા વડોદરાની MS યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું.MSUના સાયન્સ ફેકલ્ટીમાં ઝુઓલોજીમાં અભ્યાસ કરતો દીપ ચૌધરી નામનો વિદ્યાર્થી બોઇસ હોસ્ટેલમાં મિત્રો સાતે વાત કરતાં-કરતાં અચાનક ઢળી પડ્યો હતો. જે બાદ હોસ્ટેલમાં મિત્રો તેને સયાજી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તબીબે દીપ ચૌધરીને મૃત જાહેર કર્યો હતો અને ડોક્ટરે તેના મૃત્યુ પાછળનું કારણ હાર્ટ એટેક જણાવ્યું હતું.