'ગુનેગારોને જામીન મળ્યા તો હું તેને જાનથી મારી નાખીશ', અગ્નિકાંડમાં દિકરો ગુમાવનાર પિતાની હૈયા વરાળ
રાજકોટ TRP ગેમઝોનમાં આગ લાગતા કૂલ મૃત્યુઆંક 28 પર પહોંચ્યો છે. આ અગ્નિકાંડે સમગ્ર શહેરના હચમચાવી નાખ્યું છે. આ દુર્ઘટનામાં એક જ પરિવારના 5 લોકો હજુ લાપતા છે.
રાજકોટ: રાજકોટ TRP ગેમઝોનમાં આગ લાગતા કૂલ મૃત્યુઆંક 28 પર પહોંચ્યો છે. આ અગ્નિકાંડે સમગ્ર શહેરના હચમચાવી નાખ્યું છે. આ દુર્ઘટનામાં એક જ પરિવારના 5 લોકો હજુ લાપતા છે. પરિવારના 8 લોકો ગેમઝોનમાં હતા. આ આગકાંડમાં પોતાના સ્વજનો ગુમાવનારા પ્રદિપસિંહ ચૌહાણે કહ્યું કે, 'ગુનેગારોને સખત સજા થવી જોઈએ. મારે સરકારી સહાય જોતી નથી. મેં મારું બધું જ ગુમાવ્યું છે. સજા થયા બાદ ગુનેગારોને જામીન મળશે તો તેને જાનથી મારી નાખીશ.' પ્રદિપસિંહ ચૌહાણનો 15 વર્ષનો દીકરો રાજભા ચૌહાણ દુર્ઘટનામાં લાપતા થયો હતો.
પ્રદિપસિંહ ચૌહાણે કહ્યું કે, 'TRP અગ્નિકાંડના ગુનેગારોને સખત સજા થવી જોઈએ. મારે કોઈ સહાયની જરૂર નથી, મને સહાય મળશે તે હું જરૂરિયાત વાળા લોકોને આપી દઈશ. મેં મારું બધું જ ગુમાવ્યું છે. જો સજા થયા બાદ ગુનેગારોને જામીન મળશે તો તેને જાનથી મારી નાખીશ.'
રાજકોટમાં ગઈકાલે બનેલી ઘટનાથી આખું રાજ્ય હચમચી ઉઠ્યું છે. રાજકોટમાં નાના મૌવા રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં ભીષણ આગ ફાટી નીકળતા 28 જેટલા લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. પ્રદીપસિંહ ચૌહાણના સ્વજનોના DNA મેચ થયા હોવાના સમાચાર મળ્યા છે.
ગેમ ઝોનમાં આગ લાગવાથી 28 લોકોનાં મોત થયા છે. આ ઘટનામાં માલિક સહિત 10ની અટકાયત કરવામાં આવી છે. રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં શનિવારે બપોરે 4.30 વાગ્યે ભયાનક આગ ફાટી નિકળી હતી.
5 મૃતદેહોના DNA મેચ થયા છે
રાજભા પ્રદીપસિંહ ચોહાણ(ઉ.વ.15)
વીરેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.42)
ધર્મરાજસિંહ જાડેજા (ઉ.વ.14)
ગુડડુબા હિતેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.10)
ઓમદેવસિંહ ગોહિલ (ઉ.વ.31)
રાજકોટ TRP ગેમઝોન આગકાંડમાં જીવ ગુમાવનારા લોકોના DNA ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ આગકાંડમાં કૂલ 28 લોકોના મોત થયા છે. DNA મેચ થતા પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવશે.
અચાનક આગ લાગવાથી લોકોને ગેમ ઝોનની બહાર નીકળવાની તક જ ન મળી. ગેમઝોનની અંદર રમતા-રમતા જ બાળકો સહિત 28 લોકો જીવતા સળગી ગયા હતા. આગ એટલી બધી વિકારળ હતી કે પાંચ કિલોમીટર સુધી તેના ધૂમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા હતા.
ટીમ કેસની SIT તપાસ કરશે
રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાનું વળતર આપશે. આ સંદર્ભે એક વિશેષ તપાસ ટીમ (SIT) ની રચના કરવામાં આવી છે અને તેને સમગ્ર મામલાની તપાસની જવાબદારી સોંપવામાં આવી છે. રાજ્ય સરકારે ગેમ ઝોન આગની ઘટનાની તપાસ માટે SIT તપાસના આદેશ આપ્યા છે. આ માટે 5 અધિકારીઓની SIT ટીમ બનાવવામાં આવી છે. વરિષ્ઠ IPS અધિકારી સુભાષ ત્રિવેદીના નેતૃત્વમાં 5 અધિકારીઓની ટીમ કેસની SIT તપાસ કરશે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભીષણ આગને કારણે સ્ટ્રક્ચર ધરાશાયી થઈ ગયું અને લોકો તેની અંદર દટાઈ ગયા. જેના કારણે આગ વધુ ભયાનક બની હતી. માળખામાં દટાયેલા લોકો બહાર ન આવી શક્યા અને ઘણા લોકોએ જીવ ગુમાવ્યા.
ગેમ ઝોનમાં જનરેટર માટે 1500 થી 2000 લિટર ડીઝલ, ગો કાર રેસિંગ માટે 1000 થી 1500 લિટર પેટ્રોલનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. જેના કારણે આગ એટલી બધી ફેલાઈ ગઈ હતી કે આખું માળખું બળીને રાખ થઈ ગયું હતું.