ભર ઉનાળે મચ્છુ-2 ડેમનાં પાંચ દરવાજા રિપેર કરાશે, પાણી નદીમાં છોડાતા 34 ગામને એલર્ટ કરાયા
મોરબીના બેઠા પુલ પરથી વાહન વ્યવહાર બંધ કરી દેવાયો છે. વાહનચાલકોએ ત્રણ દિવસ આવન-જાવન માટે મયુરપુલનો ઉપયોગ કરવાનો રહેશે.
Machhu Dam 2: મોરબીનાં મચ્છુ-2 ડેમમાં પાંચ દરવાજા રિપેર કરવાના હોવાથી ડેમનું પાણી નદીમાં છોડવાનો સિંચાઈ વિભાગ તરફથી નિર્ણય કરાયો છે. આજથી બે દિવસ મચ્છુ-2 ડેમના બે- બે દરવાજા ખોલવામાં આવશે. ડેમમાંથી નદીમાં પાણી છોડવાનું હોવાથી મોરબી તાલુકાના જોધપર, લીલાપર, ભડિયાદ, ટીંબડી, ધરમપુર, રવાપર, અમરેલી, વનાળીયા, ગોર ખીજડીયા, માનસર, નવા સાદુળકા, જુના સાદુળકા, રવાપર, ગુંગણ, નારણકા, બહાદુરગઢ, નવા નાગડાવાસ, જુના નાગડાવાસ, સોખડા, અમરનગર, મોરબી, રવાપર નદી, વજેપર તો માળિયા મિંયાણા તાલુકાના વીરવિદરકા, દેરાલા, નવાગામ, મેઘપર, હરીપર, મહેન્દ્રગઢ, ફતેપર, સોનગઢ, માળિયા (મી.) રાસંગપર અને ફાટસર મળી બંને તાલુકાના કુલ 34 ગામને એલર્ટ કરાયા છે.
આ 34 ગામના કાંઠા વિસ્તારને સંપૂર્ણ ખાલી કરી દેવાયો છે અને નદીના પટ વિસ્તારમાં રહેતા લોકોને પ્રશાસને સલામત સ્થળે ખસેડી દીધા છે. આ તરફ મોરબીના બેઠા પુલ પરથી વાહન વ્યવહાર બંધ કરી દેવાયો છે. વાહનચાલકોએ ત્રણ દિવસ આવન-જાવન માટે મયુરપુલનો ઉપયોગ કરવાનો રહેશે. નટરાજ ફાટક, કેસરબાગથી બેઠા પુલ કોઝવે તરફ અને શક્તિચોકથી બેઠા પુલ કોઝવે તરફ પ્રવેશ બંધ રહેશે.
મોરબીની જીવાદોરી સમાન મચ્છુ ૨ ડેમના રીપેરીંગ અને ગેટ બદલવાની કામગીરી કરવાની હોવાથી તા. ૧૨ ને રવિવારે સવારે ૧૧ કલાકે ડેમના બે દરવાજા બે ફૂટ ખોલવામાં આવશે.
મોરબીના મચ્છુ ૨ ડેમના દરવાજા ખોલવાના હોવાથી મોરબીના બેઠા પુલ પર અવરજવર પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા તા. ૧૨ થી ૧૫ સુધી બેઠા પુલ પર અવરજવર પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેથી નટરાજ ફાટક/કેસર બાગથી બેઠા પુલ કોઝવે તરફ પ્રવેશ બંધ અને શક્તિ ચોકથી બેઠા પુલ કોઝવે તરફ પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે.