ગોંડલમાં મેઘતાંડવ: એક કલાકમાં ધોધમાર 4 ઈંચ વરસાદથી વાહનો તણાયા, જળબંબાકાર જેવી સ્થિતિ
Rain Alert: પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી, જેતપુરના સાંઢિયા પુલ પર ટ્રાફિક જામ સર્જાયો.

Gondal rain: રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાં આજે સાંજે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. માત્ર એક જ કલાકમાં 4 ઇંચ જેટલો ધોધમાર વરસાદ ખાબકતા સમગ્ર શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ભારે ગાજવીજ અને પવન સાથે પડેલા વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું હતું.
શહેરના નીચાણવાળા વિસ્તારો અને ખાસ કરીને ચાર જેટલા અંડરબ્રિજ વરસાદી પાણીથી ભરાઈ ગયા હતા, જેના કારણે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. જેતપુર તરફ જતા સાંઢિયા પુલ પર પાણી ભરાઈ જવાના કારણે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો અને વાહનચાલકો અટવાઈ પડ્યા હતા.
ગોંડલ શહેરની નાની બજાર પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી, જેના દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. બજારમાં પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે કેટલાક વાહનો પણ તણાયા હોવાના અહેવાલ મળ્યા છે. આ અચાનક આવેલા ભારે વરસાદે ગોંડલ નગરપાલિકા દ્વારા કરવામાં આવેલી પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી હતી. પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
શહેર ઉપરાંત ગોંડલના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો છે. જોકે, કોઈ મોટી જાનહાનિના અહેવાલ નથી. સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા પાણીના નિકાલ અને ટ્રાફિક નિયંત્રણ માટે કામગીરી હાથ ધરવામાં આવી છે.
રાજકોટમાં ધોધમાર વરસાદ: સાધુ વાસવાણી રોડ પર જળબંબાકાર, વાહનો ફસાયા!
રાજકોટ શહેરમાં આજે બપોર બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. માત્ર દોઢ કલાકમાં જ 3 ઇંચ જેટલો ધોધમાર વરસાદ ખાબકતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું.
ખાસ કરીને સાધુ વાસવાણી રોડ પર ભારે વરસાદને કારણે એક કલાક સુધી વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. રસ્તાઓ પર પાણી ભરાઈ જતા અનેક કાર સહિતના વાહનો બંધ પડી ગયા હતા, જેના કારણે વાહનચાલકો અટવાઈ પડ્યા હતા. આ ઘટનાએ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલી પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી હતી. થોડા જ વરસાદમાં શહેર પાણી-પાણી થઈ જતાં નાગરિકોમાં રોષ જોવા મળ્યો હતો.
પશ્ચિમ રાજકોટમાં પણ ભારે વરસાદ નોંધાયો હતો, જ્યાં કુલ 3 ઇંચ વરસાદ વરસ્યો હતો. રૈયા ગામ ખાતે તો ગોઠણડૂબ પાણી ભરાઈ ગયા હતા. દર વર્ષે આ વિસ્તારમાં વોંકળા આસપાસ પાણી ભરાવવાની સમસ્યા સર્જાય છે, અને આ વર્ષે પણ તે યથાવત રહી હતી. રૈયા ગામમાં એક ફોર વ્હીલર પણ ગોઠણડૂબ પાણીમાં ગરકાવ થઈ ગયું હોવાના અહેવાલ મળ્યા છે.
આ ઉપરાંત, શહેરના નાના મૌવા રોડ પર પાણી ભરાયા હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં રસ્તા પર એક્ટિવા તરતી જોવા મળી રહી હતી. આ દ્રશ્યો શહેરની ગટર વ્યવસ્થાની નબળાઈને ઉજાગર કરે છે.
ભારે વરસાદને કારણે શહેરમાં ટ્રાફિક ધીમો પડ્યો હતો અને લોકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હવામાન વિભાગે આગામી કલાકોમાં વધુ વરસાદની આગાહી કરી છે, જેને પગલે તંત્રને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે.





















