Rajkot: રાજકોટથી ઝડપાયેલા આતંકીઓ મુદ્દે મોટો ખુલાસો, બાંગ્લાદેશનો હેન્ડલર આપવાનો હતો ટાર્ગેટ
પ્રતિબંધિત આતંકવાદી સંગઠન અલ-કાયદા સાથે જોડાયેલા ત્રણ આતંકીઓને ગુજરાત ATSએ રાજકોટની સોની બજારમાંથી ઝડપ્યા હતા.
રાજકોટઃ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન અલ-કાયદા સાથે જોડાયેલા ત્રણ આતંકીઓને ગુજરાત ATSએ રાજકોટની સોની બજારમાંથી ઝડપ્યા હતા. આ ત્રણેય શખ્સો મૂળ પશ્ચિમ બંગાળના વતની છે અને સોની બજારમાં મજૂરી કામ કરતા હતા. ત્રણેય શખ્સોના હેન્ડલર બાંગ્લાદેશી છે. ગુજરાત ATSએ આરોપીઓ પાસેથી પિસ્તોલ અને 10 કારતૂસ ઉપરાંત ઉશ્કેરણીજનક સાહિત કબ્જે કર્યુ હતું.
આ મામલે મોટો ખુલાસો થયો હતો કે ત્રણેય આતંકવાદીઓએ હથિયાર ચલાવવાની ઓનલાઇન ટ્રેનિંગ મેળવી હતી. એટલું જ નહી તેમનો બાંગ્લાદેશી હેન્ડલર ટાર્ગેટ આપવાનો હતો. હાલમાં આ મામલે એટીએસ તપાસ કરી રહી છે. આ શખ્સો રાજકોટ કે સૌરાષ્ટ્રમાં કઈ યોજનાને અંજામ આપવાની ફીરાકમાં હતા તેને લઇને પણ તપાસ ચાલી રહી છે. ત્રણેય આતંકીઓ સાથે બીજા કોઈ બંગાળી મજૂરો કે શખ્સો જોડાયેલા છે કે કેમ તે અંગે પણ ATS તપાસ કરી રહી છે. આ માટે હાલમાં કેટલાક શખ્સોને ડિટેઈન કરાયા છે અને તેમની પૂછપરછ ચાલી રહી છે.
રાજકોટમાંથી ઝડપાયેલા ત્રણેય આતંકીઓને લઈને હવે સોની વેપારીઓએ વિચારણા કરવાની જરૂર છે. બંગાળી કામદારો પહેલા સોની બજારમાં દુકાનો ભાડે રાખે છે અને બાદમાં અહીંયા દુકાનની ખરીદી કરી માલિક બની જાય છે. જેથી હવે એ પણ તપાસ થવી જોઈએ કે જે કામદારો પાસે દુકાન ભાડે રાખવાના નાણાં નથી હોતા. તેમની પાસે દુકાન ખરીદવાના રૂપિયા ક્યાંથી આવે છે.
છેલ્લા સાત મહિનામાં ગુજરાતમાંથી ATS ત્રીજું આતંકી મોડ્યુલ ઝડપી પાડ્યું છે. વર્ષની શરુઆતમાં ગુજરાત ATSની ટીમે અમદાવાદમાં સોનીની ચાલીમાંથી ચાર લોકોને ઉઠાવ્યા હતા. આ તમામ લોકો અલકાયદાને સક્રિય કરવા માટે પ્રચાર કરતા હતા. જે બાદ જૂન મહિનામાં પોરબંદરમાં એક ઑપરેશન પાર પડાયુ હતું. જેમાં એક મહિલા સહિત છ કાશ્મીરીઓ ઝડપાયા હતા. આ લોકો ઈસ્લામિક સ્ટેટ ઑફ ખોરાસાન પ્રોવિસન્સ નામની સંસ્થા માટે કામ કરતા હતા. તો હવે રાજકોટમાં સોનીની ચાલીમાંથી ત્રણ આતંકીઓને ઝડપી લેવાયા છે.
રાજકોટમાં સ્થાનિક પોલીસની કામગીરી શંકાના ઘેરામાં આવી છે. થોડા દિવસ અગાઉ કુવાડવા વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડી બાયોડિઝલનો 12 હજાર લીટરનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જે તે સમયે 12 લોકોની ધરપકડ કરાઈ હતી.