Gujarat Rain : રાજ્યના વાતાવરણમાં ફરી એકવાર પલટો, કયા કયા જિલ્લામાં વરસાદનો પ્રારંભ?
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદ શરૂ થયો છે. રાજકોટ શહેરના અમુક વિસ્તારોમાં જોરદાર વરસાદી જાપટું પડ્યું. રાજકોટમાં સતત ત્રણ દિવસથી વરસાદી ઝાપટા યથાવત છે.
અમદાવાદઃ હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદ શરૂ થયો છે. રાજકોટ શહેરના અમુક વિસ્તારોમાં જોરદાર વરસાદી જાપટું પડ્યું. રાજકોટમાં સતત ત્રણ દિવસથી વરસાદી ઝાપટા યથાવત છે. ગાજવીજ સાથે જોરદાર જાપટું પડ્યું હતું. અરવલ્લી જિલ્લામાં લાંબા વિરામબાદ ફરી વરસાદ પડ્યો છે. મોડાસાના ગ્રામ્ય પંથક માં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો.
ટીંટોઈ, ઉમેદપુર, ઈસરોલ સહિતના પંથકમાં વરસાદ શરૂ થયો. વરસાદ પડતા ખેતીને નવું જીવનદાન મળ્યું છે. ભારે ગરમી અને ઉકળાટથી લોકોને રાહત મળી છે. સાબરકાંઠા જીલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. વાદરછાયા વાતાવરણ વચ્ચે ખેડબ્રહ્મા પંથકમાં વરસાદ. વરસાદ વરસતા ગરમીમાં આંશિક રાહત. ઓચિંતો વરસાદ શરૂ થતા અંબિકા ધામ ખેડબ્રહ્મા ખાતે દર્શનાર્થે આવેલ લોકો બસ સ્ટેન્ડ તરફ દોડ્યા.
મહેસાણાઃ ભારે ઉકળાટ બાદ ખેરાલુમાં વરસાદ શરૂ થયો છે. મહેસાણાના ખેરાલુ તાલુકામાં સરું થયો વરસાદ. વરસાદના આગમનથી લોકોને ગરમીમાંથી મળી રાહત. વાદળછાયા વાતાવરણ વચ્ચે શરું થયો વરસાદ.
ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે. આજના દિવસે પણ અનેક જગ્યાએ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે. દક્ષિણ ગુજરાતમાં 13 તારીખે ભારે વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગ દ્વારા 13 તારીખે વલસાડ,નવસારી , દમણ, ડાંગ, નર્મદા,ભરૂચમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
બંગાળમાં લો-પ્રેશરના કારણે વરસાદની સંભાવના છે. ગાજવીજ સાથે સમગ્ર ગુજરાતમાં અતિભારે વરસાદની અગાહી કરાઈ છે. અમદાવાદમાં હાલમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે. હાલમાં અમદાવાદમાં 38 ડિગ્રી તાપમાન છે. આજે ગાંધીનગર અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. વરસાદનું જોર વધશે સાથે ભારે પવનો ફુંકાવાનું પણ અનુમાન છે.
રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામશે. હવામાન વિભાગે ફરી એક વખત વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર, બંગાળની ખાડીમાં વેસ્ટ સેન્ટ્રલ દિશામાં સર્જાયેલા લો પ્રેશરની અસરના ભાગરૂપે ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં વરસાદી માહોલ જોવ મળશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, શુક્રવારે રાજ્યના 16 જિલ્લામાં વરસાદ વરસી શકે છે. જેમાં જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, વલસાડ, ભાવનગર, કચ્છ, પોરબંદરમાં વરસાદ વરસી શકે છે. આ સિવયા આણંદ, દાહોદ, પંચમહાલ, વડોદરા, ડાંગ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારીમાં વરસાદની શક્યતા જોવા મળી રહી છે.
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી વરસાદે વિરામ લીધો છે. ત્યારે ફરી એક વખત વરસાદની આગાહી કરવામાં આવી છે. ગઈકાલે મોટાભાગના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 117 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ પારડીમાં 4 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. વાપીમાં 4 ઈંચ, કપરાડામાં 4 ઈંચ, ઉમરગામમાં 2.5 ઈંચ, ગણદેવીમાં 2.5 ઈંચ, અંકલેશ્વરમાં પોણા 2 ઈંચ, ઉમરપાડામાં 1.5 ઈંચ, ચિખલીમાં 1.5 ઈંચ, ડેડિયાપાડામાં 1.5 ઈંચ વરસાદ નોંધાયો છે. લાંબા વિરામ બાદ વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મેળવી છે.
રાજ્યના અનેક વિસ્તારોમાં ફરી છવાયો વરસાદી માહોલ
હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં આજે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. એક તરફ લોકોને ગરમીથી રાહત મળી તો બીજી તરફ લાંબા સમય બાદ વરસાદ પડતા ખેતીના પાકને જીવનદાન મળ્યું છે અને ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. ગોધરા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વીજળીના કડાકા અને ભારે પવન સાથે મેઘરાજાની ધમાકેદાર રી એન્ટ્રી થઈ છે. વાવડી, વેગનપુર, ડોક્ટરના મુવાડા ,અંબાલી ,વેજલપુર, પોપટપુરા ,છગનપુરા, સહિતનાં વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. ભારે પવન સાથે ધોધમાર વરસાદને કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. લાંબા સમયના વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે. અસહ્ય બફારા અને ઉકળાટ ભર્યા વાતાવરણથી લોકોને છુટકારો મળ્યો છે. આ ઉપરાંત ધરતીપુત્રોમાં પણ ક્યાંક ને ક્યાંક ખુશીની લહેર જોવા મળી છે.
વડોદરાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. સાવલી નગર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદથી ઠંડક પ્રસરી છે. સાવલીનાં ગોઠડા, સામતપુરા, રસુલપુર, શેરપુરા, જાવલા સહિતના ગામોમાં મુશળધાર વરસાદ પડ્યો છે.
વેરાવળમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. દિવસભર ભારે ઉકળાટ બાદ વરસાદ વરસ્યો છે. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વરસાદના પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં છે.
રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદી ઝાપટું પડ્યું છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. રાજકોટના મવડી વિસ્તાર,ગોંડલ રોડ, ઢેબર રોડ,માધાપર ચોકડી,કાલાવડ રોડ સહિતના વિસ્તારોમાં સતત બીજા દિવસે વરસાદ પડ્યો છે. શહેર અને જિલ્લામાં અનેક વિસ્તારોમાં સતત બીજા દિવસે વરસાદ પડ્યો છે.