Rajkot Rain: ગોંડલ, જેતપુર અને જામકંડોરણામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો
રાજ્યના હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 6 દિવસ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદનો ખતરો છે.

રાજકોટ: રાજ્યના હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 6 દિવસ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદનો ખતરો છે. આજે પણ હવામાન વિભાગની આગાહી વચ્ચે અનેક જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજકોટ જિલ્લામાં આજે બપોર બાદ અચાનક પલટો આવ્યો અને ધોધમાર વરસાદ પડ્યો છે. રાજકોટ જિલ્લાના ગોંડલ, જેતપુર અને જામકંડોરણામાં ધોધમાર વરસાદ પડ્યો છે.
ગોંડલમાં જોરદાર વરસાદ
ગોંડલ તાલુકામાં આજે ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે.ભારે વરસાદને પગલે રસ્તોઓ પર પાણી ફરી વળ્યા હતા. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાં પવન સાથે ધોધમાર એક ઈંચ વરસાદ વરસ્યો છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા હતા.
જેતપુરમાં ધોધમાર વરસાદ
જેતપુરના ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ વરસ્યો છે. ખીરસરાના ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ખીરસરા ગામમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. ખીરસરા ગામે વરસાદ વરસતા વોકળો બે કાંઠે જોવા મળ્યો. જેતપુર ગ્રામ્ય પંથક ખીરસરા, મેવાસા, વીરપુર, જેતપુર સહિત વિસ્તારમા પવન સાથે ભારે કમોસમી વરસાદ વરસ્યો છે. જેતપુર માર્કેટ યાર્ડમા કમોસમી વરસાદને કારણે મરચા, ડુંગળી પલળી ગયા હતા. ખેડૂતો અને વેપારીઓ મુશ્કેલીમાં મૂકાયા છે. જેતપુરમાં કમોસમી વરસાદમાં યાર્ડની બેદરકારી સામે આવી છે.
જામકંડોરણા પંથકમાં ધોધમાર વરસાદ
રાજકોટ જિલ્લાનાં જામકંડોરણા પંથકમાં ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો છે. જામકંડોરણા પંથકમાં હવામાન વિભાગની આગાહીના પગલે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો.વિજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર કમોસમી વરસાદ પડ્યો હતો. જામકંડોરણાનાં રસ્તાઓ પાણી-પાણી થઈ ગયાં હતા.
ગુજરાત પર વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. અરબી સમુદ્રમાં એક્ટિવ થયેલી સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થશે તેવી શક્યતા છે. રાજ્યમાં 24થી 31 મે સુધી ભારે પવન સાથે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. 24 મેના રોજ અરબી સમુદ્રમાં વાવાઝોડું વધુ એક્ટિવ થશે અને 26મે ના રોજ દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડાની અસર જોવા મળી શકે છે. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે.
હવામાન વિભાગની આગાહી મુજબ અરબી સમુદ્રમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વાવાઝોડાનું સંકટ તોળાઇ રહ્યું છે. જેની અસરથી પણ વરસાદનું અનુમાન છે. 23 થી25 મે દરમિયાન ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનુંઅનુમાન છે.





















