Rajkot Rain: જેતપુર શહેરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ
હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે આજે પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે. રાજકોટ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે.

રાજકોટ: હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે આજે પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે. રાજકોટ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. જેતપુરમા ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી અસહ્ય ઉકળાટ અને બફારા બાદ અચાનક વાતાવરણમા પલટો આવ્યો હતો. ભારે પવન સાથે વરસાદનું આગમન થયું છે.
જેતપુરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ
જેતપુર શહેરના પાંચપીપળા રોડ, સ્ટેન્ડ ચોક, તીનબત્તી ચોક, એમજી રોડ, વડલી ચોક, જૂનાગઢ રોડ સહિતના વિસ્તારોમા ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. જેતપુરના પીઠડીયા, કાગવડ, થોરાળા, વીરપુર, ખજૂરી ગુંદાળા, સ્ટેશન વાવડી, વાળાસડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે.
વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
જેતપુર શહેર અને ગ્રામ્ય પંથકમાં લાંબા સમય બાદ વરસાદનું આગમન થતા ખેડૂતોમા આનંદની લાગણી છે. પવન સાથે વરસાદ શરૂ થતા વાતાવરણમા ઠંડક પ્રસરી ગઈ છે.
142 તાલુકામાં વરસાદ
રાજ્યમાં ફરી એક વખત વરસાદનો ધમાકેદાર રાઉન્ડ શરુ થયો છે. આજે પણ મેઘરાજા કેટલાક તાલુકાઓમાં મન મૂકીને વરસ્યા છે. ગુરુવારને 4 સપ્ટેમ્બરના રોજ સવારના 6.00 થી સાંજના 6.00 વાગ્યા સુધીમાં ગુજરાતના 142 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે સુરતના ઉમરપાડામાં 5.24 ઇંચ વરસાદ વરસ્યો છે.
આગામી 3 દિવસ દક્ષિણ ગુજરાત માટે અત્યંત ભારે
ગુજરાતના હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી 3 દિવસ દક્ષિણ ગુજરાત માટે અત્યંત ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. હવામાન વિભાગ મુજબ અહીં ધોધમાર વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે પોતાની આગાહીમાં જણાવ્યું કે, ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોવાના કારણે ધોધમાર વરસાદ ખાબકશે. આવતીકાલે ડાંગ, નવસારી, વલસાડમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કાલે દમણ અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે.
દેશના પૂર્વ ભાગમાં લો પ્રેશર સિસ્ટમ સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, ટ્રફ લાઈન, મોન્સૂન ટ્રફ સક્રિય થવાના કારણે આગામી ત્રણ દિવસ ખૂબ જ ભારે રહેશે. અમદાવાદમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં વરસાદ સાથે 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે.
સરેરાશ 90.81 ટકા વરસાદ વરસ્યો
રાજ્યમાં સિઝનનો સરેરાશ 90.81 ટકા વરસાદ વરસ્યો છે. ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ 95.31 ટકા, દક્ષિણ ગુજરાતમાં 94.48 ટકા, પૂર્વ મધ્યમાં 90.58 ટકા, કચ્છમાં 85.14 ટકા અને સૌરાષ્ટ્રમાં 84.48 ટકા વરસાદ વરસ્યો છે.





















