Rupala Controversy: રૂપાલા સામેની લડાઇમાં લડી લેવાના મૂડમાં ક્ષત્રિય સમાજ, આજે ક્ષત્રિસ સમાજની પ્રેસ કૉન્ફરન્સ
ગુજરાતમાં ઠેર ઠેર ક્ષત્રિય સમાજ એક જ માંગ કરી રહ્યો છે કે, રાજકોટ બેઠક પરથી પરશોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે
Rupala Controversy: ગુજરાતમાં રૂપાલા Vs ક્ષત્રિય સમાજની લડાઇ હવે આગળ વધી ગઇ છે. રાજકોટના રતનપરમાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાયા બાદ ક્ષત્રિય સમાજને કોઇ નક્કર ઉકેલ મળી શક્યો નથી. હજુ પણ રાજ્યમાં ક્ષત્રિય સમાજ રાજકોટ બેઠક પરથી રૂપાલાની ટિકીટને રદ્દ કરવા પર અડ્યો છે. ક્ષત્રિય સમાજ હવે ભાજપ અને રૂપાલા સામે લડી લેવાના મૂડમાં આવ્યો છે, આ અંતર્ગત આજે સવારે 11 વાગે ક્ષત્રિય આગેવાન પીટી જાડેજા એક મહત્વની પત્રકાર પરિષદ યોજશે.
ગુજરાતમાં ઠેર ઠેર ક્ષત્રિય સમાજ એક જ માંગ કરી રહ્યો છે કે, રાજકોટ બેઠક પરથી પરશોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે. આ અંતર્ગત હવે રાજકોટમાં આજે ક્ષત્રિય સમાજની પત્રકાર પરિષદ યોજાશે. ક્ષત્રિય સમાજના અગ્રણી પી.ટી. જાડેજા આજે સવારે 11 વાગ્યે એક પત્રકાર પરિષદ યોજશે. આ પત્રકાર પરિષદ રાજકોટના અમરનાથ મંદિરમાં યોજાશે. આમાં કોઇ મહત્વની જાહેરાત કરવામાં આવી શકે છે. ગઇકાલે સોમવારે ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને ક્ષત્રિય સમાજની બેઠક મળી હતી, આ બેઠકમાં ક્ષત્રિય સમાજના આગેવાન પી.ટી. જાડેજા હાજર રહ્યાં હતા, પરંતુ કોઇ નક્કર ઉકેલ મળી શક્યો ન હતો.
ગઇકાલે સોમવારે ક્ષત્રિય સમાજની મહત્વની બેઠક મુખ્યમંત્રી નિવાસસ્થાને થઇ હતી, જેમાં રૂપાલાને ઉમેદવાર નહીં બનાવવાની માંગ પર ક્ષત્રિય સમાજ અડીખમ રહ્યો હતો. આ બેઠક સોમવારે મોડી રાત સુધી ચાલી હતી, પરંતુ ક્ષત્રિય સમાજની સંકલન અને સરકાર વચ્ચે કોઇ પણ નક્કર ઉકેલ ન હતો નીકળ્યો શક્યો. આ બેઠકમાં ક્ષત્રિય સમાજની સંકલન સમિતિના સભ્યો હાજર રહ્યાં હતા. મુખ્યમંત્રીના નિવાસસ્થાને આમ તો આ બેઠક સકારાત્મક માહોલમાં મળી હતી. હાઈકમાન્ડ સુધી લાગણી પહોંચાડવાનો વિશ્વાસ મળ્યો હતો. આ દરમિયાન ક્ષત્રિય સમાજે કહ્યું કે, આંદોલન શાંતિથી, ગરિમાપૂર્વક ચાલી રહ્યુ છે. સરકાર પક્ષે હેરાનગતિ ન થતી હોવાનો ક્ષત્રિય સમાજનો મત પણ સામે આવ્યો છે.
શું છે રૂપાલાનો અભદ્ર ટિપ્પણીનો વિવાદ
પરશોત્તમ રૂપાલાએ તાજેતરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકોટમાં વાલ્મિકી સમાજના એક સ્નેહમિલન સમારોહમાં સભા સંબોધી હતી. આ દરમિયાન રૂપાલાએ રજવાડાઓને લઈને વિવાદિત નિવેદન આપ્યુ હતુ. આ સભામાં તેમને કહ્યું હતુ કે, અંગ્રેજોએ દમન કરવામાં કંઈ બાકી નહોંતુ રાખ્યુ અને મહારાજાઓ નમ્યા, રાજા- મહારાજાઓએ રોટી-બેટીના વ્યવહારો કર્યા પણ મારા રૂખી સમાજે ન તો ધરમ બદલ્યો ન તો વ્યવહારો કર્યા. સૌથી વધુ દમન તેમના પર થયા હતા. આજે હજાર વર્ષે રામ એમના ભરોસે આવ્યો છે. એ સમયે તેમની તલવાર આગળ પણ નહોંતા ઝુક્યા. પરસોત્તમ રૂપાલાના આવા વિવાદિત નિવેદનો બાદ સમગ્ર ગુજરાતમાં વિરોધ ઉગ્ર બન્યો હતો.