Makar Sankranti 2024: કપાયેલ પતંગ પરત ન આપતા લોખંડના એંગલથી હુમલો, બે યુવક ગંભીર ઈજાગ્રસ્ત
આજે સમગ્ર રાજ્યમાં ઉત્તરાયણની ઉજવણી વહેલી સવારથી જ કરવામાં આવી રહી છે. પવન સારો હોવાના કારણે લોકો પતંગ ચગાવવાની મોજ માણી રહ્યા છે.
રાજકોટ: આજે સમગ્ર રાજ્યમાં ઉત્તરાયણની ઉજવણી વહેલી સવારથી જ કરવામાં આવી રહી છે. પવન સારો હોવાના કારણે લોકો પતંગ ચગાવવાની મોજ માણી રહ્યા છે. ત્યારે રાજકોટ જિલ્લાના જેતપુરમાં પતંગના કારણે પાડોશીઓ વચ્ચે મારામારીની ઘટના બની છે.
જેતપુર શહેરમાં આવેલા બળદેવ ધાર વિસ્તારમા પાડોશીઓ વચ્ચે પતંગ બાબતે મારામારી થઈ હતી. કપાયેલ પતંગ પરત ન આપતા ત્રણથી ચાર શખ્સોએ બે વ્યક્તિ ઉપર લોખંડના એંગલથી હુમલો કર્યો હતો. લોખંડના સળિયા અને એંગલ વડે હુમલો કરતા કિશન ઠાકર ઉંમર વર્ષ 20 અને અજય સોંલકી ઉંમર વર્ષ 30ને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
ઈજાગ્રસ્ત બંને યુવકોને જેતપુર સરકારી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા છે. ઈજાગ્રસ્તોની હાલત ગંભીર હોવાથી તેમને વધુ સારવાર માટે જૂનાગઢ રીફર કરવામાં આવ્યા છે. જેતપુર ઉદ્યોગનગર પોલીસ હોસ્પિટલ પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.
મકરસંક્રાતિના તહેવારમાં છવાયો માતમ! પતંગ લુંટવા જતા કુવામાં પડેલા 10 વર્ષના બાળકનું મોત
આજે રાજ્યભરમાં મકરસંક્રાતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. લોકો વહેલી સવારથી જ ઘરના ધાબા પર ચઢી પતંગ ચગાવવાની મોજ માણી રહ્યા છે. આ દરમિયાન ઘણી જગ્યાએ અકસ્માતની ઘટના પણ સામે આવી છે. આવી જ દુર્ઘટના ખેરાલુ ખાતે બની છે. અહીં મોટી હિરવાણી ગામના રાહુલ વણઝારા નામનો બાળક મોતને ભેટ્યો છે. પતંગ લુંટવા જતા રાહુલ કુવામાં ખાબક્યો હતો.
ખેરાલુ તાલુકાના મોટી હિરવાણી ગામના કુવામાં પડી જતાં બાળકનું મોત થતા અરેરાટી મચી ગઈ છે. રાહુલ વણઝારા નામના દસ વર્ષના બાળકનું મોત થતા પરિવારમાં માતમ છવાયો છે. પતંગ લુંટવા જતા બાળકનું ધ્યાન ન રહ્યું અને તે કુવામાં ખાબક્યો. ઉતરાયણના દિવસે મોત થતાં ગામમા શોકની લાગણી છવાઈ છે.
વીજ કરંટ લાગતા 10 વર્ષના બાળકનું મોત
દાહોદમાં મકરસંક્રાતિનો તહેવાર માતમમાં ફેરવાયો છે. અહીં પતંગ ઉડાવતા સમયે કરંટ લાગતા 10 વર્ષીય બાળકનું મોત થયું છે. દાહોદ જીલ્લાના કથોલીયા ગામે આ દુર્ઘટના બની હતી. દસ વર્ષેનો બાળક ઘરની બહાર પતંગ ઉડાવતો હતો ત્યારે વીજ કેબલોમાં દોરી ફસાતા કરંટ લાગ્યો હતો.
કરંટ લાગતા આસપાસના લોકો અને પરિજનોએ બાળકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા. જ્યાં હાજર ડોક્ટરે બાળકને મૃત જાહેર કર્યો હતો. ત્યાર બાદ સિવિલ હોસ્પિટલ ખાતે મતદેહને પીએમ માટે લઈ જવાયો હતો. ઘટનાને લઇ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. દસ વર્ષનાં બાળકનું મોત થતા પરિજનોમાં ગમગમીનો માહોલ છવાયો છે.