સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ, એરફોર્સ, NDRF, SDRF અને ફાયરબ્રિગેડની ટીમ બચાવ કામગીરીમાં લાગી
ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે બે દિવસથી સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને પગલે સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં જળબંબાકારની સ્થિત જોવા મળી રહી છે.
રાજકોટ: ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે બે દિવસથી સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને પગલે સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં જળબંબાકારની સ્થિત જોવા મળી રહી છે. રાજકોટ, જામનગર અને જૂનાગઢ જિલ્લામાં આભ ફાટ્યું છે. બપોરે 12 વાગ્યા સુધીમાં જૂનાગઢના વિસાવદરમાં 12 ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો હતો. આ પછી જામનગરના કાલાવડમાં 10 ઇંચ, રાજકોટના લોધિકામાં 11 ઇંચ, રાજકોટ શહેરમાં 11 ઇંચ, ધોરાજીમાં 10 ઇંચ વરસાદ ખાબકી ગયો હતો.
જામનગર જિલ્લાના કાલાવાડ અને જામનગર તાલુકામાં ગત રાત્રિએ વરસેલા સાંબેલાધાર વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જામનગર જિલ્લાનાં અનેક ગામોમાં જળની સ્થિતિ સર્જાતાં સેંકડો લોકો ફસાયા છે. ગામમાંથી બહાર નીકળવાના રસ્તા પર જ પાણી ફરી વળતાં લોકોને સલામત રીતે બહાર કાઢવા માટે એરફોર્સ, SDRF અને ફાયરબ્રિગેડની ટીમો કામે લાગી છે. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના બાંગા, જોગવડ, વોડીસંગ, ધુડશિયા, કોંજા, અલિયાબાડા, ધુંવાવ વગેરે ગ્રામ્ય વિસ્તારોમાં હાલ રેસ્ક્યૂની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.
જામનગરઃ એરફોર્સના હેલીકોપ્ટર દ્વારા લોકોનું રેસ્ક્યૂ, જુઓ વીડિયો pic.twitter.com/oLMUsVVoLj
— ABP Asmita (@abpasmitatv) September 13, 2021
રાજકોટ શહેરમાં ગઇ કાલ રાતથી જ મુશળધાર વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોની હાલત બહુ જ કફોડી બની છે. તેમજ લોકોને એલર્ટ કરી દેવાયા છે. ફાયર અને પોલીસ વિભાગે રેસ્ક્યૂ ઓપરેશ તેમજ સ્થળાંતરની કાર્યવાહી હાથ ધરી છે.
જામનગરમાં પડેલા ભારે વરસાદ બાદ બચાવ અને રાહતકાર્ય માટે એન.ડી.આર. એફની ટીમ રવાના થઈ છે. રાહત અને બચાવ કામગીરીમાં એન.ડી.આર. એફ. ની 4 ટીમો કાર્યરત છે. ઍરફોર્સના હેલિકોપ્ટરથી પણ લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરી ચાલુ છે. 64 લોકો અત્યાર સુધી એયર લિફ્ટ કરાયા છે. 31 અન્ય લોકોનું પણ રેસ્ક્યુ કરાયું હતું.
કાલાવડમાં રેસ્ક્યૂનો દીલધડક વીડિયો pic.twitter.com/ni9Qa6hjno
— ABP Asmita (@abpasmitatv) September 13, 2021
કાલાવડ તાલુકામાં ધોધમાર વરસાદને કારણે નદીઓ ગાંડીતૂર બનતાં અલિયાબાડા ગામમાં પૂરના પાણી ઘૂસ્યાં હતાં. અલિયાબાડા ગામમાં ઘરનાં એક-એક માળ પાણીમાં ગરકાવ થતાં લોકો જીવ બચાવવા ઘરની છત પર ચઢી ગયા છે. નદીકાંઠા નજીકમાં કેટલાક લોકો ફસાયા હોય અને પાણીનો સ્તર વધી રહ્યો હોઈ, સ્થાનિક લોકો અને ફાયરબ્રિગેડની ટીમ દ્વારા 25 લોકોનું દિલધડક રેસ્ક્યૂ-ઓપરેશન કરાયું હતું. જવાનોએ પોતાનો જીવ જોખમમાં મૂકી લોકોના જીવ બચાવ્યા હતા.
જામનગર નજીક આવેલા ધુંવાવા ગામમાં પણ ભયંકર સ્થિતિ સર્જાઈ છે. નદીના પાણી ગામની અંદર ઘૂસી જતાં ગામની પચાસ ટકા વસતિ પૂરના પાણીમાં ફસાઈ છે. ગામલોકો દ્વારા પાણીની વચ્ચે ફસાયેલા લોકો માટે ફૂડ પેકેટની વ્યવસ્થા કરવાની માગ કરાઈ છે.
જામનગર નજીક ધુંવાવ ગામમાં પૂરના પાણી ફરી વળતાં SDRFની ટીમ અહીં કામે લગાડવામાં આવી છે. SDRFની ટીમ દ્વારા બોટની મદદથી ફસાયેલા લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.