નરેશ પટેલનું ‘રાજકારણ’, કોળી સમાજ બાદ દલિત સમાજ સાથે નરેશ પટેલની બેઠક
નરેશ પટેલે સૌરાષ્ટ્રના કોળી સમાજ સાથે બેઠક કરી હતી. હવે દલિત સમાજ સાથે પણ બેઠક કરશે.
RAJKOT : સૌરાષ્ટ્રના પાટીદાર અગ્રણી તેમજ ખોડલધામના પ્રમુખ નરેશ પટેલના રાજકારણમાં જોડાવા અંગે સસ્પેન્સ હજી પણ યથાવત છે. છેલ્લે થયેલી પ્રેસ કોન્ફરન્સમાં નરેશ પટેલે કહ્યું હતું કે પાટીદાર સહીત અન્ય સમજો સાથે બેઠકો શરૂ છે. આ ઉપરાંત ખોડલધામ દ્વારા પણ સર્વે કરવામાં આવી રહ્યો છે. નરેશ પટેલે સૌરાષ્ટ્રના કોળી સમાજ સાથે બેઠક કરી હતી. હવે દલિત સમાજ સાથે પણ બેઠક કરશે.
મળતી માહિતી મુજબ નરશ પટેલ કોળી સાંજ બાદ સૌરાષ્ટ્રના દલિત સમાજ સાથે બેઠક કરશે. આ બેઠકમાં નરેશ પટેલ સૌરાષ્ટ્રભરના દલિત સમાજના અગ્રણીઓ સાથે કરશે બેઠક. દલિત સમાજના આગેવાન સુરેશ બથવારની આગેવાનીમાં આજ બપોરે 12 વાગ્યે નરેશ પટેલ બેઠક કરશે.
અગાઉ કોળી સમાજ સાથે કરી હતી બેઠક
અગાઉ 3 એપ્રિલે ખોડલધામમાં નરેશ પટેલ અને કોળી સમાજના આગેવાનો વચ્ચે બંધ બારણે બેઠક મળી હતી. આ બેઠક બાદ નરેશ પટેલે મહત્વનું નિવેદન આપતા જણાવ્યું હતું કે કોળી સમાજ અને પટેલ સમાજ એક થઈને સાથે રહીને કાર્ય કરે તેવો નિર્ણય કર્યો છે. આ સાથે જ રાજકારણમાં પ્રવેશ બાબતે દરેક સમાજ આહ્વાન કરે ત્યારે રાજકારણમાં પ્રવેશનો સાચો દિવસ હશે તેમ નરેશ પટેલે જણાવ્યું છે. નરેશ પટેલે વધુમાં જણાવ્યું કે કોળી સમાજ, પાટીદાર સમાજ અને દરેક સમાજ સાથે રહી ગુજરાતનો વિકાસ થાય તેવો નિર્ણય કર્યો છે. નરેશ પટેલ અને માંધાતા કોળી સમાજના આગેવાન રાજુ સોલંકી સહિતના કોળી સમાજના આગેવાનો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. બીજી તરફ પાસના દિનેશ બાંભણીયા પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
નરેશ પટેલે કોંગ્રેસમાં જોડાવા માટે મોટી શરત મૂકી?
લેઉઆ પાટીદાર આગેવાન અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલે કોંગ્રેસમાં જોડાવાની તૈયારી બતાવી હોવાના સમાચાર છે. જો કે નરેશ પટેલે કોંગ્રેસમાં જોડાવા માટે મોટી શરત મૂકી છે. નરેશ પટેલે કોંગ્રેસ હાઈકમાન્ડ સમક્ષ શરત મૂકી છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રશાંત કિશોર કોંગ્રેસ માટે કામ કરશે તો જ પોતે કોંગ્રેસમાં જોડાશે. કોંગ્રેસનાં સૂત્રોનું કહેવું છે કે, નરેશ પટેલની શરત અંગે આ સપ્તાહના અંત સુધીમાં નિર્ણય લેવાઈ શકે છે.