RAJKOT : નરેશ પટેલ અને સી.આર.પાટીલ વચ્ચે મુલાકાત થવાની શક્યતા, જાણો શું છે સમગ્ર વિગત
હાલના દિવસોમાં નરેશ પટેલના રાજકારણમાં જોડાવાની ચર્ચા તેજ થઇ રહી છે, એવામાં નરેશ પટેલ અને સી.આર.પાટીલની રાજકોટમાં ફરી એક વાર મુલાકાત થઇ શકે છે.
RAJKOT : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે તમામ રાજકીય પક્ષો સમાજના મોટા આગેવાનોને પોતાના પક્ષમાં જોડવા માટે મહેનત કરી રહ્યા છે. ખોડલધામના નરેશ પટેલને કૉંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટીએ પક્ષમાં જોડાવવા માટે આમંત્રણ આપ્યું છે. ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે નરેશ પટેલને પત્ર લખીને પક્ષમાં જોડાવવા કહ્યું હતું. હાલના દિવસોમાં નરેશ પટેલના રાજકારણમાં જોડાવાની ચર્ચા તેજ થઇ રહી છે, એવામાં નરેશ પટેલ અને સી.આર.પાટીલની રાજકોટમાં ફરી એક વાર મુલાકાત થઇ શકે છે.
નરેશ પટેલ અને સી.આર.પાટીલ વચ્ચે થશે મુલાકાત?
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ 27 માર્ચે બીજી વાર રાજકોટની મુલાકાતે જશે. 15 દિવસમાં તેઓ બીજી વખત રાજકોટની મુલાકાતે જશે. રેસકોર્ષ ગ્રાઉન્ડ પર સમૂહ લગ્નોત્સવનું આયોજન થયું છે, સાગર ફાઉન્ડેશનના 101 સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવમાં સી.આર.પાટીલ અને પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી હાજરી આપશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ કાર્યક્રમમાં નરેશ પટેલને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે, જો કે નરેશ પટેલ હાજર રહેશે કે નહીં તેના પર સસ્પેન્સ યથાવત છે.
નરેશ પટેલને કોંગ્રેસમાં લેવા પ્રયાસો તેજ
કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી દિલ્લી પહોંચ્યા છે. હાઈકમાન્ડ સાથે મુલાકાત કરી શકે છે. તેઓ હાઈ કમાન્ડ સાથેની મુલાકાતમાં નરેશ પટેલને કોંગ્રેસમાં જોડવા મુદ્દે અને પ્રશાંત કિશોર અંગે પણ કરશે ચર્ચા. પરંતુ ભરતસિંહે દિલ્લીની મુલાકાતને તેમણે ઔપચારિક મુલાકાત ગણાવી છે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈ કૉંગ્રેસ હાઈકમાન્ડ સતત નવી નિમણૂકો કરી રહ્યું છે. ત્યારે આજે કૉંગ્રેસ પ્રમુખે ગુજરાતામાં વધુ ચાર ઈન્ચાર્જ પ્રભારીની નિયુક્તિ કરી છે. કૉંગ્રેસે વધુ ચાર ઈન્ચાર્જ પ્રભારીની નિમણૂંક કરી છે તેમાં ઉમંગ સિંઘાર, વિરેંદ્રસિંહ, રામ કિશન અને બી.એમ.સંદિપને જવાબદારી સોંપવામાં આવી છે.