રૂપાલા મુદ્દે રાજકોટમાં પોસ્ટર વોર શરૂ, સમર્થકો અને વિરોધીઓએ અલગ અલગ વિસ્તારોમાં લગાવ્યા પોસ્ટરો
એક બાજુ ક્ષત્રિય સમાજ દ્વારા જોરદાર વિરોધ થઈ રહ્યો છે તો હવે પાટીદાર સમાજ પણ રૂપાલના સમર્થનમાં આવ્યો છે.
Parshottam Rupala Controversy: પરષોતમ રૂપાલા મુદ્દે ક્ષત્રિય સમાજનો વિરોધ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. એક બાજુ ક્ષત્રિય સમાજ દ્વારા જોરદાર વિરોધ થઈ રહ્યો છે તો હવે પાટીદાર સમાજ પણ રૂપાલના સમર્થનમાં આવ્યો છે. રાજકોટમાં રૂપાલના સમર્થન અને વિરોધમાં પોસ્ટર વોર શરૂ થયું છે.
વિરોધમાં પોસ્ટર
રાજકોટમાં રેલ નગર વિસ્તારમાં ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિનીબા વાળાના રૂપાલાના વિરોધમાં પોસ્ટર લાગ્યા છે. રૂપાલાને મત ન આપવાની અપીલ કરતા પોસ્ટરમાં લખાણ લખાયા છે. રાજકોટનાં રેલ નગર વિસ્તારમાં ઘરે ઘરે જઈને ક્ષત્રિય સમાજની બહેનોએ પોસ્ટરો લગાડ્યા છે. ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિનીબા વાળાની આગેવાનીમાં પોસ્ટર લગાવવામાં આવ્યાં છે. રૂપાલા બોયકોટના પોસ્ટરો લગાવવામાં આવ્યાં છે. ક્ષત્રિય સમાજની બહેનોએ લોકોને રૂપાલાને મત ન આપવા માટે અપીલ કરી છે.
સમર્થનમાં પોસ્ટર
તો આ તરફ રાજકોટના સ્પીડવેલ ચોકમા રૂપાલાના સમર્થનમાં બેનરો લાગ્યા છે. પાટીદાર સમાજનુ PAAS સંગઠન રૂપાલાનાં સમર્થનમાં આવ્યું છે. ‘હુ સનાતની છુ, હું મોદીની સાથે છુ, હુ રૂપાલાની સાથે છુ’ ના લખાણ સાથે અલગ અલગ જગ્યાએ બેનરો લાગ્યા છે. પાસ કન્વીનર મિત બાવરિયાએ કહ્યું કે પાસ કમિટી સમગ્ર રાજકોટમા રૂપાલાના સમર્થનમા બેનરો લગાવશે.
શું છે સમગ્ર મામલો
રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ચૂંટણીપ્રચાર દરમિયાન વિવાદિત નિવેદન આપ્યું હતું. રાજકોટ ખાતે વાલ્મીકિ સમાજના એક સ્નેહમિલન સમારોહમાં સભા સંબોધતા તેમણે ક્ષત્રિય સમાજ વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું. જેનો વીડિયો વાયરલ પણ વાયરલ થયો હતો. આ વાયરલ વીડિયોમાં તેઓ ‘જૂના જમાનાના રાજવીઓ’ અંગે વિવાદાસ્પદ નિવેદન આપતા જોવા મળે છે. તેમણે કહ્યું હતું કે, અંગ્રેજો સહિત ઘણી પ્રજા રહી. તેમણે દમન કરવામાં કાંઈ બાકી નહોતું રાખ્યું, તેમણે આગળ કહ્યું હતું.તેઓ આગળ કહે છે કે, “એ સમયે મહારાજા ય નમ્યા. એમણે રોટી-બેટીના વ્યવહાર કર્યા” આ નિવેદનને લઇને ક્ષત્રિય સમાજની લાગણી દુભાઇ છે અને સમાજમાં રોષ વ્યાપી ગયો છે. જો કે આ નિવેદનને લઇને તેઓ માફી પણ માગી ચૂક્યાં છે.
ઉલ્લેખનિય છે કે, ચૂંટણી પંચે આ સમગ્ર મામલે રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરષોતમ રૂપાલાને ક્લિન ચીટ આપી છે. જો કે ક્ષત્રિય સમાજમાં હજુ પણ તેમના નિવેદનને લઇને વિરોધ શમ્યો નથી. કરણી સેનાના મહિલા મોરચાના પદ્મીના બાએ આ મુદે ન્યાય મેળવા માટે ઉપવાસ પર ઉતર્યાં છે.