(Source: ECI/ABP News/ABP Majha)
રાજકોટમાં કોરોનાએ મચાવ્યો હાહાકારઃ વિદ્યાર્થી-પ્રોફેસર સહિત 15ને લાગ્યો કોરોનાનો ચેપ
રાજકોટ શહેર અને જિલ્લામાં 24 કલાકમાં 15 પોઝિટિવ કેસ નોંધાયા છે. મોદી સ્કૂલનો વિદ્યાર્થી, આત્મીય કોલેજના પ્રોફેસર સહિત 15 પોઝિટિવ આવ્યા છે.
રાજકોટઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોના સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે રાજકોટ શહેર અને જિલ્લામાં પણ કોરોનાના દૈનિક કેસોમાં વધારો નોંધાયો છે. રાજકોટ શહેર અને જિલ્લામાં 24 કલાકમાં 15 પોઝિટિવ કેસ નોંધાયા છે. મોદી સ્કૂલનો વિદ્યાર્થી, આત્મીય કોલેજના પ્રોફેસર સહિત 15 પોઝિટિવ આવ્યા છે. રાજકોટ શહેરમાં 7 જ્યારે જિલ્લામાં 8 પોઝિટિવ કેસ નોંધાયા છે.
છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 91 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 41 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,18,051 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.70 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે બે મોત થયા છે. આજે 1,82,360 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 25, સુરત કોર્પોરેશન 16, વડોદરા કોર્પોરેશનમાં 10, રાજકોટમાં 8, રાજકોટ કોર્પોરેશનમાં 7, વલસાડમાં 6, જામનગર કોર્પોરેશનમાં 5 , નવસારીમાં 4, ગીર સોમનાથમાં બે, ખેડામાં બે, વડોદરામાં બે, અમદાવાદમાં એક, કચ્છમાં એક, સુરતમાં એક, તાપીમાં એક નવો કેસ નોંધાયો હતો.
જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 637 કેસ છે. જે પૈકી 09 વેન્ટીલેટર પર છે, જ્યારે 528 નાગરિકો સ્ટેબલ છે. 8,18,051 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10106 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે સુરત કોર્પોરેશનમાં 1 અને દેવભૂમિ દ્વારકામાં 1 મોત થયું છે.
બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 12 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 513 લોકોને બીજો ડોઝ અપાયો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 5184 લોકોને પ્રથમ અને 42,949 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 18,976 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 1,14,726 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 1,82,360 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,76,83,762 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.